Ahmedabad Police Alert : અમદાવાદ પોલીસે દારૂડિયાઓને ચેતવણી આપતો આદેશ જાહેર કર્યો છે, જો અમદાવાદ શહેરમાં હવે દારૂ પીને ગાડી ચલાવતા જોવા મળ્યા તો, છૂટવાનો કોઈ મોકો નહી મળે, એફઆઈઆર નોંધવામાં આવશે. પોલીસ કમિશ્નરે પોલીસ કર્મીઓને એલર્ટ કરી દીધા છે, અને આદેશમાં કહ્યું છે કે, જે પણ પોલીસ કર્મી પકડશે તેને ઈનામ પણ મળશે.
અમદાવાદ પોલીસે ટ્વીટર હેન્ડલ પર પણ આ મામલે માહિતી આપતી જાણકારી મુકી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, શહેરમાં જો કોઈ દારૂ પીને ગાડી ચલાવતા મળી આવશે તેમના ઉપર FIR નોંધવામાં આવશે અને જે પોલીસ કર્મચારી દ્વારા આવા કેસ કરવામાં આવશે એવા પોલીસ કર્મચારીને રૂપિયા 200 ઇનામ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતા થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા દારૂડિયા થનગની રહ્યા હોય છે. દર વર્ષે પોલીસ દ્વારા 31 ડિસેમ્બરના દિવસે દારૂડિયાઓ પર વોચ રાખવા ડ્રાઈવ ગોઠવવી પડે છે.
31st ની ઉજવણી કરતા દારૂના આવા શોખિનોની અસરને પગલે અમદાવાદ પોલીસે આ વખતે નાતાલ પહેલા જ આ પ્રકારનું ટ્વીટ જાહેર કર્યું છે. અમદાવાદ પોલીસ કમિશ્નરે પોલીસ કર્મીઓ પણ આવા લોકો પર સતત વોચ રાખે તે માટે પ્રોત્સાહન ઈનામની પણ જાહેરાત કરી છે.
આ સિવાય અમદાવાદ શહેર સહિત કોઈ જગ્યાએ ડિંક એન્ડ ડ્રાઈવને પગલે અકસ્માતની ઘટનાઓ પણ ન બને તે માટે સાવધાનીના ભાગરૂપે પોલીસે લાલ આંખ કરી છે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, જો આવા તત્વો મળી આવશે તો એફઆઈઆર નોંધવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.





