(રિતુ શર્મા) ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP), અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) એ 560 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે, જેમાં માત્ર 40 મહિલાઓ છે. તેમાંથી 17 મહિલા ઉમેદવારો ભાજપના, 14 કોંગ્રેસના, સાત આપ પાર્ટીના છે તેમજ AIMIMના 14 ઉમેદવારોમાંથી બે મહિલાને ટિકિટ આપવામાં આવી છે.
વર્ષ 2017માં 22 મહિલા ઉમેદવારો અને એક દાયકા પહેલા 33ની સરખામણીએ આ વખતે વધુ મહિલાઓ ચૂંટણીના મેદાનમાં હોવા છતાં હજી પણ રાજકીય પક્ષોના કુલ ઉમેદવારીની સામે મહિલા ઉમેદવારોની સંખ્યા ઘણી ઓછી છે. ટકાવારીની રીતે જોયે તો મુખ્ય રાજકીય પક્ષો ભાજપે કુલ 182 ઉમેદવારમાંથી 9.4 ટકા અને કોંગ્રેસે 7.7 ટકા બેઠકો પર મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે.
ઉપરોક્ત બંને પક્ષોએ વર્ષ 2017માં મહિલા ઉમેદવારોની સંખ્યા ઘટાડી દીધી હતી, જેમાં ભાજપે 19 મહિલા ઉમેદવારોમાંથી 12 અને કોંગ્રેસે 14 થી 10 મહિલાઓને તે સમયે ચૂંટણીની ટિકિટ આપી હતી. ગુજરાતની વિધાનસભામાં મહિલા ધારાસભ્યોની સંખ્યા વર્ષ 2012માં 16 હતી જે વર્ષ 2017માં ઘટીને 13 થઈ ગઈ છે. આ તમામ 13 મહિલા ધારાસભ્યો કોંગ્રેસ અને ભાજપના હતા.
તેમની સંખ્યા ઓછી હોવા છતાં, ભાજપ અને કોંગ્રેસમાંથી મહિલા ઉમેદવારોની સફળતાનો દર છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ઊંચો રહ્યો હતો કારણ કે બંને પક્ષોના 22 મહિલા ઉમેદવારોમાંથી 59 ટકા ઉમેદવારો જીત્યા હતા. વર્ષ 2012માં સફળતાનો આ દર 51 ટકા હતો.
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેની થુમ્મરે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “હું કોંગ્રેસના કુલ 182 ઉમેદવારોમાંથી ઓછામાં ઓછી 35 મહિલાઓને ટિકિટ મળવાની અપેક્ષા રાખતી હતી.”
તેમણે ઉમેર્યું કે, જીતવાની ક્ષમતા અને અન્ય ઘણા પરિબળો તેમાં મોટી ભૂમિકા ભજવે છે, રાજકીય પાર્ટીઓ દ્વારા મહિલાઓ ઉમેદવારો પ્રત્યેનું વર્તન કોઇ પણ રીતે વાજબી નથી.
“કુલ 92 મહિલાઓએ લેખિતમાં ટિકિટ માંગી હતી. પરંતુ આ બાબત સર્વેક્ષણો, જ્ઞાતિના સમીકરણો અને વિસ્તારના સમીકરણો પર આધાર રાખે છે અને તેના આધારે હાઇકમાન્ડ દ્વારા નિર્ણય લેવામાં આવે છે,” એવું 39 વર્ષીય ઠુમ્મરે જણાવ્યુ હતુ, જેઓ અમરેલી જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ છે અને લાઠીના કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય વિરજી ઠુમ્મરના પત્ની છે.
આ દરમિયાન, ભાજપે શરૂઆતમાં સુરેન્દ્રનગરના વઢવાણ મતવિસ્તારમાંથી જીજ્ઞાબેન પંડ્યાને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ ગયા અઠવાડિયે પ્રથમ તબક્કાની નામાંકનની પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલાં જ, તેમની જગ્યાએ જગદીશ મકવાણાને નવા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
વર્ષ 1990થી વઢવાણમાં ભાજપે જીત મેળવી હોવા છતાં, જ્ઞાતિ સમીકરણોને સંતુલિત કરવાના પક્ષના પ્રયાસોને કારણે પાર્ટીએ છેલ્લી ઘડીએ પોતાના ઉમેદવારો બદલી નાખ્યા છે. જીજ્ઞાબેન પંડ્યાની જ્ઞાતિ બ્રાહ્મણ છે જ્યારે મકવાણા દલવાડી અથવા સતવારા સમુદાયમાંથી છે જેને ઓબીસી કહેવાય છે. સતવારા સમાજ ગુજરાતમાં મુખ્યત્વે જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર અને જૂનાગઢ જિલ્લામાં જોવા મળે છે.
ભાજપના એક સૂત્રએ જણાવ્યું કે, “ભાજપે એવી 13 બેઠકો ગુમાવી છે જ્યાં દલવાડી અથવા સતવારા સમુદાયનું વર્ચસ્વ છે. જો વાત કરીયે તો એકલા સુરેન્દ્રનગર જિલ્લામાં, વઢવાણ અને ધ્રાંગધ્રામાં આ સમુદાય નિર્ણાયક પરિબળ છે. ”
થુમ્મરે શાસક પક્ષ પર “સુરક્ષિત” મતવિસ્તારમાં પણ તેમની મહિલા કાર્યકરો પર વિશ્વાસ ન કરવાનો આરોપ લગાવ્યો છે. “કોંગ્રેસ સત્તામાં આવવા માટે લડી રહી છે પરંતુ ભાજપ જે પહેલાથી જ સત્તામાં છે તે મહિલા ઉમેદવારોને ચૂંટણીમાં ટિકિટ આપીને જોખમ ઉઠાવી શકે છે. તેઓ એ વાતથી ખૂબ જ દુઃખી છે કે શહેરી વિસ્તારોમાં સલામત બેઠકો પર પણ તેઓએ આ જોખમ લેવાનું ટાળ્યું છે.
તો બીજી બાજુ ભાજપ પાર્ટીના રાજ્ય મહિલા મોરચાના મહાસચિવ વીણા પ્રજાપતિ આ વાતથી અસહમત છે. તેમણે કહ્યુ કે, “પક્ષ જે પણ નિર્ણય કરે છે તે સારું હોય છે. શહેરી સ્થાનિક સંસ્થાઓમાં મહિલાઓ માટે 50 ટકા અનામત છે અને અમારી મહિલાઓ તેનાથી સંતુષ્ટ અને ખુશ છે.”
પ્રજાપતિની વાત સામે અસહમતી વ્યક્ત કરતા રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના ઉમેદવાર અમી યાજ્ઞિકે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, “રાજકીય પક્ષો ઉમેદવારની જીતવાની ક્ષમતાને ધ્યાનમાં રાખે છે. રાજકારણમાં મહિલા સશક્તિકરણ ખૂબ જ પડકારજનક છે. જો કે પાછલા કેટલાંક વર્ષોમાં તેમાં ફેરફાર આવ્યો હોવા છતાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારે હોવું જોઈએ. ખાસ કરીને રાજકારણમાં જ્યાં તેઓ મજબૂત નીતિ ઘડવૈયા બની શકે છે. સમાજ દ્વારા અમુક પ્રકારની સ્વીકાર્યતા હોવી જોઈએ. કોઇ મહિલા શા માટે ચૂંટણી લડે છે તે વિશે વિચારવાને બદલે, ‘મહિલા કેમ ચૂંટણી ન લડી શકે?’ એવું હોવું જોઈએ, સમાજને પણ જાગૃત કરવાની જરૂરી છે. નોંધનિય છે કે, અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલ અને આપ પાર્ટીના વિજય પટેલની સામે કોંગ્રેસે અમીબેન યાજ્ઞિકને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.