વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. રવિવારે વડાપ્રધાન મોદીએ પ્રવાસના પ્રથમ દિવસે દેશના સૌ પ્રથમ સોલાર વિલેજનું લોકાર્પણ કર્યું હતું. આજે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં બીજો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભરૂચ, આણંદ, અમદાવાદ અને જામનગરની મુલાકાત લેશે. આજે વડાપ્રધાન મોદી ગુજરાતના ભરૂચ જિલ્લાના આમોદ ખાતે રૂ. 8,000 કરોડથી વધુની કિંમતના વિવિધ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે અને અમદાવાદમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સંકુલનું ઉદ્ઘાટન કરશે.
આમોદ ખાતે રૂ.8000 કરોડથી વધુની કિંમતના વિવિધ પ્રોજેક્ટને રાષ્ટ્રને સમર્પિત કરશે
આ વર્ષના અંતમાં ભાજપ શાસિત રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા પીએમ રવિવારથી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે. વડાપ્રધાન મોદી સોમવારે જંબુસર ખાતે બલ્ક ડ્રગ પાર્ક અને ભરૂચ જિલ્લાના દહેજ ખાતે ડીપ સી પાઇપલાઇન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તેઓ જિલ્લામાં બહુવિધ ઔદ્યોગિક ઉદ્યાનોના વિકાસ માટે ભૂમિપૂજન સમારોહમાં પણ ભાગ લેશે.
અમદાવાદમાં કરશે શૈક્ષણિક સંકુલનું ઉદ્ધાટન
અમદાવાદમાં વડા પ્રધાન મોદી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સંકુલનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓને સર્વગ્રાહી વિકાસ માટે સુવિધાઓ પ્રદાન કરવામાં મદદ કરશે.
જામનગરમાં રૂ.1460 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ
આ ઉપરાંત આજે સોમવરે સાંજે પીએમ મોદી જામનગરમાં સિંચાઈ, પાવર, વોટરસ અને શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાયેલા રૂ. 1,460 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
પ્રથમ દિવસે મહેસાણાને 3092 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા પીએમ મોદીએ તેમના પ્રવાસના પ્રથમ દિવસે દેશના સૌ પ્રથમ સોલાર વિલેજનું લોકાર્પણ કર્યું હતુ. તેમજ તેમણે મહેસાણા જિલ્લાને પણ 3092 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી. આ લોકાર્પણ કાર્યક્રમ બાદ જનમેદનીને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું હતુ કે, સોલર વિલેજ બનવાથી લોકોને વીજળીના બિલથી છૂટકારો મળશે. પહેલા હોર્સ પાવર માટે આંદોલનો કરવા પડતા હતા.