Plane crash in Amreli :સૌરાષ્ટ્રના અમરેલીમાં આજે મંગળવારે મોટી દુર્ઘટના ઘટી હતી. અમરેલીના ગિરિયા રોડ ઉપર વિમાન ક્રેશ થતાં એકનું મોત થયાના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે ખાનગી કંપનીના પાઈલોટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ થયું હતું. જેમાં પાયલોટનું મોત થયાનું સુત્રો જણાવી રહ્યા છે. આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી. જ્યારે પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી.
ટ્રેઈની પાયલોટ અનિકેત મહાજનનું મોત
અમરેલીમાં વિઝન કંપનીનું એરક્રાફ્ટ તૂટી પડતા અનિકેત મહાજન નામના તાલીમી પાયલોટનું સ્થળ ઉપર જ સળગી જતા કમ કમાટી ભર્યું મોત થયું હતું. આ બનાવ અમરેલીના એરપોર્ટની દિવાલ પાસે જ શાસ્ત્રીનગરમાં બન્યો હતો. વિમાન સળગતી હાલતમાં તૂટી પડતા ઝાડ નીચે બે વાછરડી પણ સળગી અને ભસ્મ થઈ ગઈ હતી. આ બનાવવાની જાણ થતા અમરેલીના કલેક્ટર સહિતના અધિકારીઓ અને પોલીસ તંત્ર સ્થળ ઉપર દોડી આવ્યું હતું.
પ્લેન ક્રેશ થતાં જ બ્લાસ્ટ થયો
ઘટના અંગે મળતી વધુ માહિતી પ્રમાણે અમરેલીના ગિરિયા રોડ ઉપર આવેલા રહેણાંક વિસ્તારમાં ખાનગી કંપનીના પાઈલોટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ થયું હતું. પ્લેન ક્રેશ થતાં જ બ્લાસ્ટ થયો હતો. જેના પગલે આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું.
ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી સ્થિતિ કાબુમાં લીધી
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને પ્લેન ક્રેશ થતાં બ્લાસ્ટ થવાના કારણે આગ લાગી હતી. જેના ઉપર કાબુ મેળવીને ફાયર બ્રિગેડની ટીમે આગળની કાર્યવાહી હાથધર હતી. ફાયરની ટીમે મૃતદેહને પણ કાટમાળમાંથી બહાર કાઢ્યો હતો. પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
વધુ મળી માહિતી પ્રમાણે પ્લેન ક્રેશ થયાની જાણ થતાં જ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની તપાસ શરૂ કરી દીધી હતી. બીજી તરફ સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ચિંતા વ્યાપી રહી છે.





