કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે એટલે કે સોમવારે ગુજરાતના સુરતની કોર્ટમાં માનહાની મામલે મળેલી સજાને પડકાર આપી શકે છે. તાજેતરમાં ગુનાહિત માનહાનીના એક મામલામાં તેમને મેજીસ્ટ્રેટ કોર્ટે બે વર્ષની જેલની સજા સંભળાવી હતી. સજા સંભળાવ્યા બાદ તેમને લોકસભા સાંસદના રૂપમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી કોર્ટના આ નિર્ણયને પડકાર આયપવા માટે ગુજરાત આવી શકે છે. તેઓ કોર્ટમાં અરજી દાખલ કરીને મેજીસ્ટ્રેટ કોર્ટના આદેશને રદ્દ કરવા કહેશે.
કોર્ટે સંભળાવી હતી બે વર્ષની સજા
સુરત કોર્ટે 2019 લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી દ્વારા મોદી સરનેમ અંગે નિર્ણય સંભળાવ્યો હતો. ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહલ ગાંધી સામે માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. મેજિસ્ટ્રેટ કોર્ટે રાહુલ ગાંધીના નિવેદન પર બે વર્ષની સજા સંભળાવી હતી. રાહુલ ગાંધીને ભારતીય દંડ સિંહતા IPCની કલ 499 અને 500 અંતર્ગત દોષી ઠેરવ્યા હતા. સજા સંભળાવ્યા બાદ કોર્ટે તેમને જામીન આપી દીધી હતી. 30 દિવસની સજાને સ્થગિત કરી દીધી હતી.
રાહુલ ગાંધીએ શું કહ્યું?
13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકમાં ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે નીરવ મોદી, મેહુલ ચોક્સી, વિજય માલ્યા, અનિલ અંબાણી અને નરેન્દ્ર મોદી.. ચોર ગ્રુપ છે. તમારા ખીસ્સામાંથી પૈસા લે છે.. ખેડૂતો, નાના દુકાનદારો પાસેથી પૈસા છીનવે છે અને 15 લોકોને આપે છે. તમને લાઇનમાં ઊભા રાખે છે. બેંકોમાં પૈસા નંખાવે છે અને એ પૈસા નીરવ મોદી લઇને ફરાર થઇ જાય છે.આ બધા ચોરના નામ મોદી-મોદી-મોદી કેવી રીતે છે. નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી અને હજી શોધશો તો બીજા મોદી નીકળશે.
પટના કોર્ટ તરફથી મળ્યું સમન
મોદી સરનેમને લઇને વાંધાજનક કોમેન્ટ મામલે રાહુલ ગાંધીને હવે બિહારથી પણ સમન મળ્યું છે. પટનાની એક કોર્ટે રાહુલ ગાંધીને 12 એપ્રિલે સુરત મામલા જેવો જ એક માનહાની કેસમાં કોર્ટમાં રજૂ થવા માટે સમન મોકલ્યું છે. સાંસદ, ધારાસભ્ય અને એમએલસી કોર્ટના સ્પેશિયલ જજે ભાજપ નેતા અને રાજ્યસભા સાંસદ સુશીલ કુમાર મોદીની દાખલ કરેલી અરજી પર ગાંધીનું નિવેદન નોંધાવા માટે સમન પાઠવ્યું છે.