Gujarat Weather forecast latest updates : રાજ્યમાં ઉનાળો પોતાની ચરમસીમાએ પહોંચી ગયો છે. સૂર્યદેવ આકાશમાંથી અગનજ્વાળાઓ વરસાવી રહ્યા છે. કાળઝાર ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં લોકોને ભારે ગરમીમાંથી રાહત મળે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસોમાં ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરી છે. આગાહી પ્રમાણે 28, 29 મેના રોજ ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ પડવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ માવઠાંની આગાહી કરી હતી.
ગુજરાતમાં ક્યાં ક્યાં પડી શકે છે વરસાદ?
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 28, 29 મેના રોજ સૌરાષ્ટ્ર,ઉત્તર,મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરાઇ છે. આ ઉપરાંત રાજકોટ,અમરેલી,ભાવનગર,પોરબંદર, પાટણ,મહેસાણા,બનાસકાંઠા,સાબરકાંઠા, વડોદરા,આણંદ,ભરૂચમાં વરસાદ પડવાની શક્યતા છે.
અમદાવાદમાં 5 દિવસ યલો એલર્ટ યથાવત
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં વરસાદી માહોલ વચ્ચે રાજ્યમાં 2થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની સંભાવના છે. જોકે, અમદાવાદીઓને હજુ 5 દિવસ ગરમીથી રાહત નહીં મળે. અમદાવાદમાં હજું 5 દિવસ સુધી યલો એલર્ટ યથાવત રખાયું છે.
માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવાની સૂચના
દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઇ શકે છે. 32થી 40 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાવવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. આ ઉપરાંત હવામાન વિભાગે માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવાની પણ સૂચના આપી છે.
ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે બનાસકાંઠા તંત્ર એલર્ટ
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હી કે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડી શકે છે. જેના પગલે બનાસકાંઠા તંત્ર એલર્ટ થયું હતું. માર્કેટ યાર્ડમાં સાવચેતી રાખવા તંત્રએ અપીલ કરી છે. તંત્ર દ્વારા 28થી 30 મે સુધી અનાજ ન પલળે તેની તકેદારી રાખવા માટે અપીલ કરી છે.