Aaj Nu Havaman, Gujarat Rain Update, ગુજરાત વરસાદ : ગુજરાતમાં વરસાદી સીસ્ટમો સક્રિય થતાં જ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સાર્વત્રીક વરસાદ પડ્યો છે. ગુજરાતમાં 24 કલાકમાં 225 તાલુકામાં પડેલા વરસાદમાં સૌથી વધારે વરસાદ છોટાઉદેપુરના સંખેડામાં 4.02 ઈંચ નોંધાયો હતો. જ્યારે અમદાવાદમાં 1.02 ઈંચ નોધાયો હતો. જોકે, આટલા વરસાદમાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
અમદાવાદમાં 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો
અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન સામાન્ય વરસાદ રહ્યો હતો. શહેરમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જોકે, એક ઈંચ વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા ઊભી થઈ હતી. રજાના દિવસે પણ લોકો બહાર નીકળવાનું ટાળ્યું હતું. રવિવારે દિવસ દરમિયાન ક્યાંક ઝરમર તો ક્યાં સામાન્ય વરસાદ રહ્યો હતો.
ગુજરાતમાં 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે 24 ઓગસ્ટ 2025, સવારે 6 વાગ્યાથી લઈને 25 ઓગસ્ટ 2025, સવારે 6 વાગ્યા સુધી 24 કલાકના સમયમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે છોટા ઉદેપુર જિલ્લાના સંખેડામાં 4 ઈંચથી વધારે વરસાદ નોંધાયો હતો.
26 તાલુકાઓમાં 2થી 5 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
SEOC, ગાંધીનગર દ્વારા આપેલા છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા પ્રમાણે રાજ્યમાં 225 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 26 તાલુકા એવા છે જ્યાં 2 થી 5 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. જેમાં છોટા ઉદેપુર, સુરત, સાબરકાંઠા, તાપી, વડોદરા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, નર્મદા, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર,નવસારી જિલ્લાઓના તાલુકાઓનો સમાવેશ થાય છે.
50 તાલુકામાં 1થી 2 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં 50 તાલુકામાં એકથી બે ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો છે. આ વિસ્તારોમાં પાલનપુરથી લઈને વલસાડ સુધી અને જામનગરથી લઈને છોટા ઉદેપુર સુધીના તાલુકાઓનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો, જુઓ PDF
આ પણ વાંચોઃ- સાબરમતી નદીમાં લગભગ 58,880 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, નીચાણવાળા વિસ્તારોમાં ચેતવણી જારી
ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાઓમાં આજે પડશે અતિ ભારે વરસાદ
હવામાન વિભાગે આજે સપ્તાહના પહેલા દિવસે એટલે કે સોમવારના દિવસે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. આ ઉપરાંત દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર અને મોરબીમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.