Rajasthan Bharatpur Accident : રાજસ્થાનના ભરતપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. બુધવારે સવારે એક ટ્રકે બસને પાછળથી જોરથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે જ્યારે 12 ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોને સારવાર માટે નજીકની જિલ્લા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત જયપુર-આગ્રા હાઈવે પર નાદબાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો.
ક્યાં અને ક્યારે અકસ્માત સર્જાયો? તમામ મૃતક ગુજરાતી
મળતી માહિતી મુજબ મુસાફરોથી ભરેલી બસ ગુજરાતના ભાવનગરથી મથુરા જવા માટે જઈ રહી હતી. વહેલી સવારે 4.30 કલાકે જયપુર-આગ્રા હાઈવે પર નાદબાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જયપુર આગ્રા નેશનલ હાઈવે પર હંતારા પુલ પર અકસ્માત સર્જાયો. અકસ્માત એટલો ભયાનક હતો કે 11 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માતની માહિતી મળતાં જ નાદબાઈ, હલાઈના, લખનપુર અને વાઘર પોલીસ સ્ટેશન સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
પોલીસના જણાવ્યા અનુસાર, ભરતપુર-આગ્રા હાઈવે પર સવારે 4.30 કલાક આસપાસ બસની ડિઝલની પાઈપ લીકેજ થતા ડ્રાઈવરે બસને હાઈવે પર જ સાઈડમાં ઉભી કરી, ડ્રાઈવર અને તેના સાથી સહિત અન્ય મુસાફરો બસમાંથી નીચે ઉતરી ગયા હતા. ડ્રાઈવર અને તેના સાથી બસને એડજસ્ટ કરી રહ્યા હતા ત્યારે પાછળથી ફૂલ સ્પીડમાં એક ટ્રક મોત બનીને આવી અને સાઈડમાં ઉભા રહેલા મુસાફરોને કચડી દીધા. અકસ્માત એટલો જબરદસ્ત હતો કે અવાજ સાંબળી આજુબાજુથી પણ લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. ટ્રકે બસને પાછળથી ટક્કર મારી હતી, જેથી બસમાં પાછળની સાઈડ બેઠેલા કેટલાક મુસાફરો પણ ગંભીર રીતે તથા સામાન્ય રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થતા અન્ય વાહનોના ચાલકોએ રસ્તા પર લોકોને પડેલા જોતા પોલીસને ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી હતી. તમામના મૃતદેહને ભરતપુર જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.
ગુજરાતના મુખ્યમંત્રીએ વળતરની જાહેરાત કરી
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજસ્થાનના ભરતપુરમાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે.
પીએમ મોદીએ પણ દુખ વ્યક્ત કરી વળતરની જાહેરાત કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાન અકસ્માતમાં ગુજરાતીઓના મોત પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટરના માધ્યમથી દુખ વ્યક્ત કરતા લખ્યું છે કે, આ અકસ્માત દુખદ છે. અકસ્માતમાં જે લોકોએ પોતાના પરિવારજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. આ સિવાય ઘાયલો ઝડપી સ્વસ્થ્ય થાય તેવી પ્રભુને હું કામના કરૂ છુ, આ સિવાય પીએમઓએ મૃતકોના પરિવારજનો માટે 2 લાખ રૂપિયા તો ઘાયલો માટે 50 હજાર રૂપિયાની વળતરની જાહેરાત કરવામાં આવી છે.
સીએમ ગેહલોતે દુઃખ વ્યક્ત કર્યું
ઘટનાની જાણકારી મળતા જ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે દુઃખ વ્યક્ત કર્યું છે. સીએમ ગેહલોતે પોતાના ટ્વીટમાં લખ્યું કે, ભરતપુરમાં ગુજરાતથી ધાર્મિક યાત્રા પર આવેલા શ્રદ્ધાળુઓની બસ અને ટ્રેલર વચ્ચે અથડામણમાં 11 લોકોના મોત અત્યંત દુઃખદ છે. પોલીસ-પ્રશાસન ઘટનાસ્થળે છે અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તે તમામ મૃતકોની આત્માને શાંતિ આપે અને પરિવારજનોને હિંમત આપે. ભગવાન તમામ ઘાયલોને જલ્દી સ્વસ્થ કરે.
રાજસ્થાન ભરતપુર અકસ્માત મૃતકોના નામ અને ક્યાંના રહેવાસી
રાજસ્થાન ભરપુર અકસ્માતમાં જે લોકોના મોત થયા છે તેમના નામ લખનપુર પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં (1) અંતુ ભાઈ (55 વર્ષ) લાલજી ભાઈ જ્ઞાનીના પુત્ર (2) નંદરામ ભાઈ (68 વર્ષ) મયુરભાઈ ગ્યાણીના પુત્ર (3) લલ્લુ ભાઈ દયાભાઈ ગ્યાણીના પુત્ર (4) ભીખા ભાઈના પુત્ર ભરતભાઈ (5) મનજીભાઈના પુત્ર લાલજીભાઈ (6) અંબાબેન પત્ની ઝીણા ભાઈ (7) કમ્બુબેન પત્ની પોપટ ભાઈ (8) રામુબેન પત્ની ઉદા ભાઈ (9) મધુબેન પત્ની અરવિંદ ભાઈ કલંકિત (10) અંજુબેન પત્ની થાપા ભાઈ (11) મધુબેન પત્ની લાલજી ભાઈ ચુડાસમા (12) સારવાર દરમિયાન વધુ એકનું મોત – તમને જણાવી દઈએ કે, તમામ રહેવાસી સિહોર, જિલ્લો ભાવનગર, ગુજરાતના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.





