Gondal Car Accident, ગોંડલ કાર અકસ્માત : આજે મંગળવારે વહેલી સવારે ગોંડલ પાસે અમંગળ ઘટના ઘટી હતી. રાજકોટ નેશનલ હાઈવે પર ગોંડલ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં ચાર યુવકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જેમાં ત્રણ યુવકોના ઘટના સ્થળે જ તો એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ સંભાળી હતી.
કાળમુખી ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે રાજકોટ નેશનલ હાઈવે પર ગોંડલ નજીક આજે 20 ઓગસ્ટ 2024, મંગળવારે રાજકોટથી ધોરાજી તરફ જઇ રહેલી કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર કૂદીને સામેની તરફ આવી રહેલી કાર સાથે ધડકાભેર અથડાઇ હતી.
બંને કારના ભૂક્કા બોલાઈ ગયા
બે કાર વચ્ચેની ટક્કર એટલી ભયાનક હતી કે બંને કારના ભૂક્કા બોલાઈ ગયા હતા. આ અકસ્માતમાં 3 યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ અકસ્માતમાં ગોંડલના બે યુવકો અને ધોરાજીના બે યુવકો સહિત ચાર લોકોના મોત નિપજ્યાં છે. મૃતદેહોને હાલ પીએમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. (વધુ માહિતી માટે રાહ જોવાઈ રહી છે.)