રાજકોટ : જેતપુર મહિલા કોન્સ્ટેબલ આપઘાત કેસ, કોળી સમાજે આપ્યું અલ્ટીમેટમ, એક પોલીસકર્મી સામે ગુનો નોંધાયો

Jetpur woman constable suicide case : જેતપુર મહિલા પોલીસ કોન્સ્ટેબલ આપઘાત કેસમાં કોળી સમાજે આરોપીઓ સામે કાર્યવાહીને લઈ બાંયો ચઢાવી છે. પોલીસે એક પોલીસકર્મી સામે ગુનો નંધ્યો તો બે વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી.

Written by Kiran Mehta
September 13, 2023 19:29 IST
રાજકોટ : જેતપુર મહિલા કોન્સ્ટેબલ આપઘાત કેસ, કોળી સમાજે આપ્યું અલ્ટીમેટમ, એક પોલીસકર્મી સામે ગુનો નોંધાયો
જેતપુર મહિલા પોલીસ કોન્સ્ટેબલ આપઘાત કેસ

Rajkot News : જેતપુર સીટી પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા અઢી વર્ષથી મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનારી દયા સરીયા (ઉવ.25) નામની પોલીસ કર્મચારીએ ગત છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે પ્રથમ દિવસથી જ મૃતકના પરિવારજનો દ્વારા આપઘાતની ફરજ પાડનારા પોલીસ કોન્સ્ટેબલો વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માંગ કરી હતી. જોકે પોલીસે ફરિયાદ ન નોંધતા પરિવારજનોએ મંગળવારના રોજ એસપી કચેરી ખાતે રજૂઆત કરી હતી. ત્યારબાદ જેતપુર સીટી પોલીસ સ્ટેશન ખાતે મૃતક ના પિતા શંભુભાઈ સરિયા (ઉવ.60)ની ફરિયાદના આધારે જેતપુર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવનારા અભયરાજસિંહ જાડેજા વિરુદ્ધ આઈપીસી 306 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, અભયરાજસિંહ જાડેજા જેતપુર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે. પોતે પરિણીત હોવા છતાં મારી દીકરીના ભોળપણનો લાભ લઈ કોઈ પણ રીતે મારી દીકરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. તેમજ મારી દીકરીને અવારનવાર મેસેજ કરી ફોન કરી તેમજ બીજા કોઈ સહ કર્મચારીઓ સાથે નહીં બોલવાનું કહી માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવતી હતી. તેમજ મારી દીકરીને મરવા માટે મજબૂર કરતા મારી દીકરીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.

પોલીસને ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, દીકરી જેતપુર પોલીસ લાઈન ખાતે તેને મળેલ સરકારી ક્વાર્ટરમાં એકલી રહેતી હતી. તેમજ દીકરી રજા પર અવારનવાર ઘરે પણ આવતી હતી. બનાવ બન્યાના પૂર્વે આવેલ રક્ષાબંધનના પર્વ ખાતે પણ દીકરી ઘરે આવી હતી. ત્યારે તે ટેન્શનમાં હોય તેવું જણાય આવ્યું હતું, પરંતુ મેં દીકરીને કશું પૂછ્યું નહોતું અને તેણે કોઈ હકીકત જણાવી નહોતી.

બનાવના દિવસે મારી દીકરીએ અભયરાજસિંહ જાડેજાને આપઘાત કરતી હોય તે પ્રકારની સેલ્ફી પણ મોકલી આપી હતી. તેમ છતાં અભયરાજસિંહ જાડેજાએ કોઈ ધ્યાન આપ્યું નહોતું. તેના આ પ્રકારના વર્તનથી મારી દીકરીએ કંટાળી જઈ ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ જેતપુરના મહિલા કોન્‍સ્‍ટેબલ દયાબેન શંભુભાઇ સરીયાએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધાની ઘટનામાં આજે કોળી સમાજે આપઘાત પુર્વે મહિલા કોન્‍સ્‍ટેબલે ૩ કોન્‍સ્‍ટેબલો સાથે વોટસએપમાં ચેટ કરી હતી તે જાહેર કરી હતી. જેમાં  અભયરાજસિંહ સાથેની વાતચીતમાં પ્‍લીઝ વાત કરના જવાબમાં મહિલા કોન્‍સ્‍ટેબલ એવું જણાવે છે કે, હું ખોટી નહોતી, જેના જવાબમાં અભયરાજસિંહ કહે છે કે, મેં નથી કીધુ કે તું ખોટી છો, ત્‍યાર બાદ મૃતક મહિલા એવું કહે છે કે તું , વિપલો, મનદીપ અને બીજા જે હોય તે બધાને હું નફરત કરૂ છું, મને શાંતિ જોઇ છે તેવુ જણાવ્‍યું છે.

તેમજ પોલીસ કર્મી વિપુલભાઇ સાથેની ચેટની વાતચીતમાં મૃતક મહિલા પોલીસ કર્મચારીએ મારા મર્યા પછી મારૂ મોઢુ જોવા આવતો નહી, તેવું જણાવ્‍યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક મહિલા કોન્‍સ્‍ટેબલ દયાબેન સરીયાએ આપઘાત કરતા પુર્વે ૩ કોન્‍સ્‍ટેબલો સાથે ચેટ કરી અને આપઘાત કરવા માટે છત સાથે ચુંદડીનો ગાળીયો બનાવ્‍યો હતો તેના ફોટા મોકલી  પોતે આપઘાત કરવા જઇ રહી છે તેની આ ત્રણેય કોન્‍સ્‍ટેબલોને જાણ કરી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ