Rajkot Death by Police Torture : રાજકોટમાં પોલીસના કથિત ત્રાસને કારણે એક વ્યક્તિ હમીર ઉર્ફે ગોપાલ રાઠોડના મૃત્યુના એક અઠવાડિયાથી વધુ સમય પછી, તેના મિત્રએ પણ બુધવારે કથિત પોલીસની કસ્ટડીમાં પહોંચેલી ઇજાઓને કારણે દમ તોડી દીધો છે.
રાજકોટ શહેરના ખોડિયારનગર વિસ્તારમાં રહેતા મૃતક રાજુ ઉર્ફે રાજેશ સોલંકી (40) ને 14 એપ્રિલની મોડી રાત્રે માલવીયાનગર પોલીસ સ્ટેશનની ટીમે તેના પાડોશીઓ સાથેના ઝઘડા બાદ ઝડપી લીધો હતો. તેના પરિવારનો આરોપ છે કે, પોલીસે તેને જામીન પર છોડતા પહેલા તેને ઢોર માર માર્યો હતો.
સોલંકીના પુત્ર જયેશ, ખાટ સમુદાયના છે, તેમણે કહ્યું, “મારા પિતાને માલવીયાનગર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને ખાસ કરીને જાંઘમાં ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો.”
મદદનીશ પોલીસ કમિશનર રાધિકા ભારાઇએ મીડિયાને જણાવ્યું હતું કે, “તેને 14 એપ્રિલના રોજ એક ઘટનાના સંબંધમાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો. જોકે બીજા દિવસે તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસ પહેલા તેની તબિયત લથડી હતી. તેથી, તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો અને આજે (બુધવારે) તેનું અવસાન થયું છે.”
ભારાઇએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સંચાલિત રાજકોટ સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગની એક ટીમ ગુરુવારે સોલંકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરશે. તેમના પરિવારના સભ્યો અને દલિત લોકોના જૂથે વિરોધ કર્યો હતો અને માંગ કરી હતી કે, કેસની તપાસ આઈપીએસ અધિકારીને સોંપવામાં આવે.
એસીપીએ કહ્યું કે, “અમે પરિવારની ફરિયાદો સાંભળીશું અને યોગ્ય પગલાં લઈશું.”

પોલીસના જણાવ્યા મુજબ, સોલંકી અને તેના પાડોશી વચ્ચે શાંતિ સ્થાપિત કરવાની કોસિશમાં રાઠોડને પણ અટકાયતમાં લેવામાં આવ્યો હતો. માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, જ્યારે એક પાડોશી 15 એપ્રિલે રાત્રે લગભગ 1 વાગ્યે રાઠોડને માલવિયાનગર પોલીસ સ્ટેશનમાંથી ઘરે લઈ આવ્યો, ત્યારે તે અર્ધ બેભાન અવસ્થામાં હતો. સવારે તે ન જાગતાં તેના પરિવારજનો તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
આ પણ વાંચો – Ahmedabad Vadodara Express Highway Accident : અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, 10 ના મોત
રાઠોડના પરિવારજનોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, પોલીસના ત્રાસથી તેનું મોત થયું છે. ત્યારબાદ સોમવારે માલવિયાનગર પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (ASI) અશ્વિન કાંગરની ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિક કોર્ટે ASI ને બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો હતો.





