Rajkot suspected terrorists Arrest : ગુજરાત એટીએસ પોલીસને આતંકવાદી વિરોધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. રાજકોટના સોની બજારમાંથી ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણે 6 મહિનાથી રાજકોટમાં સોની બજારમાં રહી કથિત આતંકી પ્રવૃત્તિ કરતા હતા.
આતંકી સંગઠન અલકાયદાનો પ્રચાર કરતા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત એટીએસ પોરબંદરમાં આતંકવાદીઓ ઝડપાયા બાદ સક્રિય હતી, ત્યારે રાજકોટમાં ત્રણ લોકો શંકાસ્પદ રીતે આતંકી સંગઠન અલકાયદાની સામગ્રી સાથે તેનો ફેલાવો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ગુજરાત એટીએસે ત્રણેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી.
1 પિસ્તોલ, 10 કારતૂસ મળ્યા
એટીએસ સૂત્રોએ જણાવ્યું છે કે, બાતમી હતી કે, રાજકોટમાં સોની બજારમાં 6 મહિનાથી કામ કરતા ત્રણ શંકાસ્પદ લોકો આતંકી સંગઠન અલકાયદાનો ફેલાવો કરી તેનો પ્રચાર કરી રહ્યા છે, જેના આધારે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં (1) અમન મલિક (2) શુકુર અને (3) શૈફ નવાઝ છે. તેમની પાસેથી ગેરકાયદેસર એક પિસ્તોલ સહિત 10 કારતૂસ મળી આવ્યા છે, જેનો કબજો લઈ ત્રણેની ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, જૂન – 2023માં પણ ગુજરાતમાં એટીએસ દ્વારા ISISના મોટા મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ATSએ એક મહિલા સહિત કુલ ચાર લોકોની ધરપકડ કરી હતી. આ તમામ અફઘાનિસ્તાન થઈને ઈરાન જવાની તૈયારી કરી રહ્યા હતા અને બાદમાં તેઓ આઈએસઆઈએસમાં સામેલ થવાના હતા. તપાસ એજન્સીએ આ આરોપીઓ પાસેથી અનેક શંકાસ્પદ વસ્તુઓ જપ્ત કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જે રીતે ISIS કટ્ટરપંથી વીડિયો બતાવીને યુવાનોને ગેરમાર્ગે દોરે છે, તે જ તર્જ પર આ આરોપીઓ પણ અહીં ગુજરાતમાં આ મોડિયુલ પર લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા.
ISIS (K) સાથે આરોપીનું કનેક્શન
જાણકારી માટે તમને જણાવી દઈએ કે, ATSએ શ્રીનગરમાંથી ત્રણ અને સુરતમાંથી એક મહિલાની ધરપકડ કરી હતી. આ તમામનું ISIS (K) સાથે કનેક્શન સામે આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, આ તમામ આરોપીઓ છેલ્લા એક વર્ષથી એકબીજાને ઓળખતા હતા અને સતત વાતચીત પણ કરતા હતા. નક્કી કરવામાં આવ્યું હતું કે, તે દેશમાંથી ભાગી જશે અને પછી ISISમાં જોડાશે.





