Rajkot Stray Dog Attack News : ગુજરાતના રાજકોટમાં એક હ્રદયસ્પર્શી ઘટના સામે આવી છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર, સોમવારે સવારે શાપર વેરાવળ વિસ્તારની હદમાં રખડતા કૂતરાના હુમલામાં એક શ્રમિક મજૂરની પાંચ વર્ષની પુત્રીનું મોત થયું હતું. છેલ્લા પાંચ મહિનામાં આ વિસ્તારમાં બાળક પર રખડતા કૂતરાના જીવલેણ હુમલાની આ બીજી ઘટના છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, પીડિતા વિરલ વિયાનામા તાજેતરમાં શાપર વેરાવળમાં પોતાના એક સંબંધીના ઘરે આવી હતી. તેના પરિવારના જણાવ્યા અનુસાર, તે બહાર રમી રહી હતી ત્યારે એક રખડતા કૂતરાએ તેના પર હુમલો કર્યો હતો અને તેની ગરદન પર બચકું ભર્યું હતું. કુતરાના જીવલેણ હુમલાથી બાળકી બેભાન થઈ ગઈ અને ગરદન માંથી પુષ્કળ લોહી વહી રહ્યું હતું.
પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, તેને પહેલા નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી અને ત્યારબાદ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલમાં દાખલ થયાના થોડાંક જ સમય બાદ બાળકીને મૃત જાહેર કરાયો હતો. શાપર-વેરાવળ એ રાજકોટ મ્યુનિસિપલ હદની બહાર એક ઔદ્યોગિક વિસ્તાર છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં સ્થળાંતરિત મજૂરો રહે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, મે મહિનામાં પણ રખડતા કૂતરાઓન ટોળા એ માતા સામે નાની બાળક પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમા માસૂમ બાળકીનું મોત થયું ગતું. તાજેતરની આ ઘટના વહીવટીતંત્રના દાવા પર સવાલો ઉભા કરે છે કે વંધ્યીકરણ અભિયાનને કારણે રખડતા કૂતરાઓની સંખ્યામાં ઘટાડો થયો છે.
જો કે સત્તાવાળાઓએ રખડતા કૂતરાઓને ખાવાનું ખવડાવવા પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું કે જ્યાં બાળકી પર કુતરાએ હુમલો કર્યો હતો તેની નજીક કૂતરાઓને ખવડાવવામાં આવી રહ્યા હતા.