Rajkot TRP Fire Case: રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે હાઇકોર્ટમાં દાખલ કરાયેલ કેસ મામલે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિનો ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ રજુ કરવામાં આવ્યો છે. જે મામલે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે સરકારને સીધો સવાલ કરતાં સીટ રિપોર્ટ માગ્યો હતો અને આગામી મુદતે સીટ રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો હતો.
રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં નિર્દોષ લોકોના મોતને પગલે હાહાકાર મચી ગયો હતો. અરજદાર એડવોકેટ અમિત પંચાલ તરફથી આ મામલે ગજરાત હાઇકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. જે મામલે રાજ્ય સરકાર દ્વારા ત્રણ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિનો રિપોર્ટ શહેરી વિકાસ વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી અશ્વિનીકુમારે સોગંધનામા સાથે સીલબંધ કવરમાં ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કર્યો હતો.
ત્રણ સનદી અધિકારીઓ પી.સ્વરુપ, રાજકુમાર બેનીવાલ અને મનીષા ચંદ્રાની ત્રણ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા આ મામલે કરાયેલી તપાસ બાદ આ રિપોર્ટ તૈયાર કરાયો હતો જે હાઇકોર્ટમાં રજૂ કરાયો છે. મળતી માહિતી મુજબ આ રિપોર્ટમાં રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ, ફાયર અને પોલીસ તંત્રના કેટલાક અધિકારીઓ, કર્મચારીઓ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યની શાળાઓમાં ફાયર સેફ્ટીની તપાસ
વધુમાં આ મામલે જે પણ કસુરવાર હશે એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એવી સરકાર દ્વારા ખાતરી પણ આપવામાં આવી છે. સમગ્ર પ્રકરણમાં ગંભીરતાપૂર્વક અને ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે દોષિતોને બક્ષવામાં નહીં આવે. ફરજમાં બેદરકારી દાખવનારા અધિકારીઓ અને કર્મચારી સામે કડક પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે હાઇકોર્ટમાં સુઓમોટો
હાઇકોર્ટ દ્વારા આ મામલે વધુ સુનાવણી 25 જુલાઇએ રાખવામાં આવી છે. રાજ્ય સરકાર અને સત્તાવાળાઓને તાકીદ કરવામા આવી છે કે આ મુદતે સીટ રિપોર્ટ અચૂક રજૂ કરવામાં આવે. વધુમાં સરકારને એ પણ ચેતવણી આપવામાં આવી છે કે, રાજ્યમાં આવી કરુણ દુર્ઘટનાઓને લઇને તમામ મહાનગરપાલિકાઓની કામગીરી તપાસ કરવામાં આવે અને શાળાઓમાં ફાયર સેફ્ટીની સુવિધા અંગે રિપોર્ટ રજૂ કરવામાં આવે.





