રાજ્યસભા ચૂંટણી | ગુજરાતના ત્રણ ઉમેદવાર : એસ જયશંકર, બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલા કોણ છે?

Rajya Sabha election : રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે ગુજરાતના ત્રણ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, જેમાં એસ જયશંકર, બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલાના નામ પર પસંદગી ઢોળવામાં આવી છે, તો જોઈએ કોણ છે આ ઉમેદવારો?

Written by Kiran Mehta
Updated : July 12, 2023 19:07 IST
રાજ્યસભા ચૂંટણી | ગુજરાતના ત્રણ ઉમેદવાર : એસ જયશંકર, બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલા કોણ છે?
રાજ્યસભા ચૂંટણી - કોણ છે એસ જયશંકર, બાબુભાઈ જે દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલા

Rajya Sabha election : રાજ્યસભા ચૂંટણીની 10 બેઠકો માટે ટૂંટણી યોજાવાની છે, આ અંતર્ગત ગુજરાતની ત્રણ બેઠકો માટે પણ ચૂંટણી યોજાશે. ભાજપે ગુજરાતમાં તેના ત્રણ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ, એસ જયશંકર અને કેસરીદેવસિંહ ઝાલાનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, એસ જયસંકર રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે રિપીટ કર્યા છે, જ્યારે બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહના બે નવા નામની જાહેરાત કરી છે.એસ જયશંકરે બે દિવસ પહેલા ઉમેદવારી નોંધાવી દીધી હતી. તો આજે અન્ય બે ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ફોર્મ ભર્યા છે. નવા ભાજપના ઉમેદવારો વર્ષોથી ભાજપમાં સેવા આપી રહ્યા છે, તેમને તેમનું ઈનામ મળ્યું છે. તો જોઈએ ભાજપના આ ઉમેદવારો કોણ છે?

કોણ છે એસ જયશંકર?

વિદેશ મંત્રી તરીકે ઓળખ મેળવ્યા પહેલા એસ જયશંકરે ચીનમાં ભારતીય રાજદૂત કરીતે કામ કરીને સારી નામના મેળવી હતી. તમને જણાવી દઈએ કે, એસ જયસંકરનો જન્મ દિલ્હીમાં 9 જાન્યુઆરી 1955માં થયો હતો. તેમણે પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરેલી છે. આ સિવાય જેએનયુ યુનિવર્સિટીથી પીએચડી મેળવી છે. તેમના કરિયરની વાત કરીએ તો, એસ જયશંકર 1977ની આઈએફએસ બેચના અધિકારી છે. તેમણે 1985 થી 1988 ભારતીય એલચી કચેરીમાં સેક્રેટરી તરીકે વોશિંગટનમાં કામ કર્યું, 1988-1990 માં શ્રીલંકામાં ભારતીય શાંતિ સેનાના રાજકીય સલાહકાર તરીકે કામ કર્યું, 1988-1990 માં શ્રીલંકામાં ભારતીય શાંતિ સેનાના રાજકીય સલાહકાર તરીકે કામ કર્યું, 1990-1993 માં બુડાપેસ્ટ માં કામ કર્યું, 1996-2000 દરમિયાન જાપાનની ટોક્યો ખાતેની ભારતીય એલચી કચેરીમાં કામ કર્યું, 2007-2009 દરમિયાન સિંગાપોરમાં ભારતના હાઈકમિશ્નર તરીકે ફરજ પુરી કરી, આ સિવાય તેમણે ચીન માં ભારતીય રાજદૂત તરીકે સૌથી વધુ વર્ષ કામ કર્યું અને છેલ્લા 10 વર્ષમાં 2012માં તિબેટની મુલાકાત લેનાર પહેલા ભારતીય એમ્બેસેડર બન્યા. અંતમાં પોલિટિક્સમાં આવ્યા પહેલા 2015માં ભારતના વિદેશ સચિવ તરીકે સરકારી સેવા આપી. ત્યારબાદ ભાજપ તરફથી ગુજરાતથી રાજ્યસભા ઉમેદવાર તરીકે રાજ્યસભા સાંસદ બન્યા અને વિદેશ મંત્રાલયની જવાબદારી નિભાવી રહ્યા છે.

કોણ છે બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ?

બાબુભાઈ દેસાઇ ઉત્તર ગુજરાતના આગેવાન છે અને રબારી સમાજમાં તેમનું મોટું નામ છે, બાબુભાઈની છાપ સામાજિક કાર્યકર્તા તરીકેની છે. તેઓ 2007 થી 2012 બનાસકાંઠાના કાંકરેજથી ભાજપના પૂર્વ ધારાસભ્ય રહી ચુક્યા છે. બાબુભાઈ પશુપાલક (રબારી) સમુદાયના છે જે અન્ય પછાત વર્ગ (ઓબીસી) સમાજમાંથી આવે છે. બાબુભાઈ દેસાઈનો જન્મ 1 જૂન 1957માં બનાસકાંઠાના કાંકરેજ તાલુકા ઊંબરી ગામમાં થયો હતો, તો તેમનું વતન મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાનું મક્તુપુર છે. જો તેમના શૈક્ષણિક પ્રવાસની વાત કરીએ તો, તેઓ ઓલ્ડ એસએસસી તથા સ્ટેનોગ્રાફી પાસ છે. તેઓ વર્ષોથી બનાસકાંઠામાં ખેતી, પશુપાલન, જમીન વિકાસ, મકાન બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલા છે. અને સમાજસેવાનું કામ કરે છે. હાલમાં બાબુભાઈ અમદાવાદના સોલા વિસ્તારના રહેવાસી છે. તેઓ સમાજ માટે મોટુ દાન આપવા માટે પણ જાણીતા છે.

કોણ છે કેસરીસિંહ ઝાલા?

કેસરીસિંહ ઝાલા રાજવી પરિવારમાંથી આવે છે. કેસરીસિંહ ઝાલા વાંકાનેર સ્ટેટના વારસદાર છે અને ક્ષત્રિય સમાજનાં મોટા આગેવાન છે. યુવા સમયથી જ તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. કેસરીસિંહ ઝાલાનો જન્મ 11-05-1982 છે. તેઓ ભારત સરકારના પ્રથમ કેન્દ્રીય પર્યાવરણમંત્રી અને વાંકાનેર રાજવી સ્વ. દિગ્વિજયસિંહના પુત્ર છે.વાંકાનેરનો રાજવી પરિવાર હંમેશા રાજકીય, ધાર્મિક, સામાજિક ક્ષેત્રોમાં સક્રિય રહેલો છે. જો કેસરીદેવસિંહ ઝાલાના શિક્ષણની વાત કરીએ તો, તેમણે પ્રાથમિક શિક્ષણ વાંકાનેર અને દિલ્હીમાં લીધુ, આ પછી માધ્યમિક શિક્ષણ મહારાષ્ટ્રમાં પંચગીનીમાં પ્રાપ્ત કર્યું, ત્યારબાદ સ્નાક ડીગ્રી તેમણે યુકેથી પ્રાપ્ત કરેલી છે. જો તેમના રાજકીય કરિયરની વાત કરીએ તો, તેઓ વર્ષ 2011માં વાંકાનેર તાલુકાના ભાજપા તાલુકા પંચાયત અને જિ્લા પંચાયતના ઓફિસિયલ ઈન્ચાર્જ રહી ચુક્યા છે. આ સિવાય રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ (એકટર્મ), મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ (એકટર્મ) અને વર્ષ 2014 તથા 2019ની લોકસભા ચૂંટણીમાં વાંકાનેર વિસ્તારમાં એક્ટિવ કાર્યકર્તા તરીકે કામ કરેલું છે.

રાજ્યસભા ચૂંટણીનું પુરૂ શિડ્યુલ

ચૂંટણી માટેનું જાહેરનામું 6 જુલાઈએ બહાર પાડવામાં આવ્યું હતું, નામાંકન માટેની છેલ્લી તારીખ 13 જુલાઈ અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 17 જુલાઈ રહેશે. 24 જુલાઈના રોજ મતદાન અને મતગણતરી થશે.

રાજ્યસભાની કઈ 10 બેઠકો માટે ચૂંટણી યોજાશે?

ગુજરાતમાં ત્રણ બેઠક

સાંસદોનો કાર્યકાળ પૂરો થવાને કારણે જે બેઠકો ખાલી પડી છે, તેમાં ગુજરાતના વિદેશ મંત્રી એસ જયશંકરની બેઠકનો પણ સમાવેશ થાય છે. જયશંકર, દિનેશચંદ્ર જેમલભાઈ અનાવડિયા અને લોખંડવાલા જુગલસિંહ માથુરજી ગુજરાતના ભાજપના ત્રણ સાંસદો છે, જેમનો કાર્યકાળ 18 ઓગસ્ટે સમાપ્ત થાય છે. રાજ્યસભા માટે વિદેશ મંત્રી એસ જયશંકર ફરી રિપિટ થશે તે લગભગ ફાઇનલ છે. જોકે દિનેશચંદ્ર અનાવડિયા અને જુગલસિંહ ઠાકોરને લઇને સસ્પેન્સ છે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ જાતિગત સમીકરણ પ્રમાણે ઉમેદવારોને ટિકિટ આપે તેવી શક્યતા છે.

ગોવામાં એક બેઠક

ગોવામાં એક બેઠક પર પણ ચૂંટણી યોજાશે કારણ કે, બીજેપી સાંસદ વિનય ડી. તેંડુલકરનો કાર્યકાળ 28 જુલાઈના રોજ પૂરો થઈ રહ્યો છે.

આ પણ વાંચોWrestling news: ચાર ફોટોગ્રાફ અને કોલ રેકોર્ડ, 5 કેસમાં હાજરીના પુરાવાથી બ્રિજભૂષણ સિંહની મુશ્કેલીઓ વધી

પશ્ચિમ બંગાળમાં 6 બેઠકો

તો પશ્ચિમ બંગાળમાં છ બેઠકો પર ચૂંટણી યોજાશે કારણ કે, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ’બ્રાયન ડોલાનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. સેન, સુષ્મિતા દેવ, શાંતા છેત્રી અને સુખેન્દુ શેખર રે અને કોંગ્રેસના સાંસદ પ્રદિપ ભટ્ટાચાર્યનો કાર્યકાળ 18 ઓગસ્ટે પૂરો થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ