Rajya Sabha Election 2023| રાજ્યસભા ચૂંટણી 2023: ભારતના ચૂંટણી પંચે મંગળવારે જાહેરાત કરી હતી કે, ગોવા, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં રાજ્યસભાની 10 બેઠકો માટે 24 જુલાઈએ ચૂંટણી યોજાશે.
ગુજરાતમાં ત્રણ બેઠક
સાંસદોનો કાર્યકાળ પૂરો થવાને કારણે જે બેઠકો ખાલી પડી છે, તેમાં ગુજરાતના વિદેશ મંત્રી એસ જયશંકરની બેઠકનો પણ સમાવેશ થાય છે. જયશંકર, દિનેશચંદ્ર જેમલભાઈ અનાવડિયા અને લોખંડવાલા જુગલસિંહ માથુરજી ગુજરાતના ભાજપના ત્રણ સાંસદો છે, જેમનો કાર્યકાળ 18 ઓગસ્ટે સમાપ્ત થાય છે. રાજ્યસભા માટે વિદેશ મંત્રી એસ જયશંકર ફરી રિપિટ થશે તે લગભગ ફાઇનલ છે. જોકે દિનેશચંદ્ર અનાવડિયા અને જુગલસિંહ ઠાકોરને લઇને સસ્પેન્સ છે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ જાતિગત સમીકરણ પ્રમાણે ઉમેદવારોને ટિકિટ આપે તેવી શક્યતા છે.
ગોવામાં એક બેઠક
ગોવામાં એક બેઠક પર પણ ચૂંટણી યોજાશે કારણ કે, બીજેપી સાંસદ વિનય ડી. તેંડુલકરનો કાર્યકાળ 28 જુલાઈના રોજ પૂરો થઈ રહ્યો છે.
પશ્ચિમ બંગાળમાં 6 બેઠકો
તો પશ્ચિમ બંગાળમાં છ બેઠકો પર ચૂંટણી યોજાશે કારણ કે, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ’બ્રાયન ડોલાનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. સેન, સુષ્મિતા દેવ, શાંતા છેત્રી અને સુખેન્દુ શેખર રે અને કોંગ્રેસના સાંસદ પ્રદિપ ભટ્ટાચાર્યનો કાર્યકાળ 18 ઓગસ્ટે પૂરો થાય છે.
રાજ્યસભા ચૂંટણી શિડ્યુલ
ચૂંટણી માટેનું જાહેરનામું 6 જુલાઈએ બહાર પાડવામાં આવશે, નામાંકન માટેની છેલ્લી તારીખ 13 જુલાઈ અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 17 જુલાઈ રહેશે. 24 જુલાઈના રોજ મતદાન અને મતગણતરી થશે.
ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળની એક બેઠક માટે પેટાચૂંટણી માટે સમાન શેડ્યૂલની પણ જાહેરાત કરી હતી જે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ લુઇઝિન્હો જોકિમ ફાલેરોના રાજીનામાને પગલે 11 એપ્રિલે ખાલી પડી હતી. તેમનો કાર્યકાળ 2 એપ્રિલ, 2026 સુધી માન્ય હતો.