ગીર સોમનાથના ઉનામાં રામનવમીના દિવસે શોભાયાત્રા દરમિયાન ઉશ્કેરણીજનક ભાષણ આપનાર કાજલ હિન્દુસ્તાની ધરપકડ કરવામાં આવી છે. ઉના શહેરમાં આ રેલી નીકળી હતી. દક્ષિણપંથી કાર્યકર્તા કાજલ શિંગલા ઉર્ફે કાજલ હિન્દુસ્તાનીએ આ રેલીમાં ભાષણ આપ્યું હતું. તેના પર આરોપ છે કે તેના ભાષણ પછી જ સાંપ્રદાયિક તણાવ અને રમખાણો ફાટી નીકળ્યા હતા. આ મામલે પોલીસે તેની સામે ગુનો નોંધ્યો હતો.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કાજલ હિન્દુસ્તાનીએ રવિવારે સવારે ઉનામાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.
2 એપ્રિલે એફઆઈઆર નોંધાઇ હતી
કાજલ હિન્દુસ્તાનીએ 30 માર્ચના રોજ રામ નવમીના રોજ VHP દ્વારા આયોજિત હિન્દુ સમુદાયના ધર્મસભામાં કથિત રીતે ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું. તેના બે દિવસ પછી 2 એપ્રિલે ભારતીય દંડ સંહિતાની કલમ 295 A (ઇરાદાપૂર્વક અને દૂષિત કૃત્યો, ધર્મ અથવા ધાર્મિક માન્યતાઓનું અપમાન કરીને કોઈ પણ વર્ગની ધાર્મિક લાગણીઓને દુભાવવાના હેતુથી) અંતર્ગત FIR નોંધવામાં આવી હતી.
આ પણ વાંચો – કેસર કેરી : તાલાલા APMCમાં 18 એપ્રિલથી કેરીની હરાજી શરૂ કરશે, કેટલો રહેશે સરેરાશ ભાવ?
પોલીસે જણાવ્યું હતું કે હિન્દુસ્તાનીના ભાષણ પછી બે દિવસ સુધી ઉનામાં સાંપ્રદાયિક તણાવ રહ્યો હતો. 1 એપ્રિલની રાત્રે બે સમુદાયો વચ્ચે અથડામણ અને પથ્થરમારો થયો હતો. પોલીસે ટોળા સામે એફઆઈઆર નોંધી હતી અને રમખાણો માટે 80થી વધુ લોકોની ધરપકડ કરી હતી જેમાં મોટાભાગના લઘુમતી સમુદાયના હતા.
કોણ છે કાજલ હિન્દુસ્તાની
કાજલ હિન્દુસ્તાની રાજસ્થાનની વતની છે. તેના પિયરમાં નામ કાજલ ત્રિવેદી છે. તેણે લગભગ બે દાયકા પહેલા જામનગરના વેપારી જ્વલંત શિંગલા સાથે લગ્ન કર્યા હતા. તેની વેબસાઈટનો દાવો છે કે તેમણે રાજસ્થાનના કોટા મતવિસ્તારમાં 2019ની સંસદીય ચૂંટણીમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલા માટે પ્રચાર કર્યો હતો. એક સૂત્રએ જણાવ્યું હતું કે કાજલ હિન્દુસ્તાની 2015-16 બાદ સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ હતી અને યુટ્યુબ વગેરે પર તેના વિચારો પોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું. ધીરે ધીરે સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધ્યા હતા. આ કારણે VHPનું ધ્યાન તેમના તરફ ગયું. ત્યારબાદ પાછલા કેટલાંક વર્ષોથી તેને જાહેર સભાઓ માટે આમંત્રણ મળવા લાગ્યું હતું.
કાજલ હિન્દુસ્તાની ટ્વિટર બાયોમાં પોતાને એક ઉદ્યોગસાહસિક, સંશોધન વિશ્લેષક, સામાજિક કાર્યકર્તા, રાષ્ટ્રવાદી અને “ગૌરવ ભારતીય” તરીકે ઓળખાવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત 92,000થી વધુ ફોલોઅર્સ ધરાવે છે. તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં નિયમિત ઉપસ્થિત રહે છે.