Aravali Accident : અરવલ્લીના મોડાસા નજીક ડમ્પર અને ટુ-વ્હીલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. પોલીસે જણાવ્યું હતું કે, ધનસુરા હાઇવે નજીક એક ડમ્પર ટ્રક સાથે અથડાયા બાદ એક માર્ગ અકસ્માતમાં શનિવારે રાત્રે ટુ-વ્હીલર પર સવાર ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો.
મૃતકો, જેઓ કથિત રીતે રોડની રોંગ સાઈડ પર હતા, તેમની ઓળખ સિદ્ધરાજસિંહ પરમાર (30), દીપકસિંહ સોલંકી (28) અને અજયસિંહ પરમાર (29) તરીકે થઈ હતી. આ તમામ ધનસુરા તાલુકાના આંબાસર ગામના વતની છે.
અરવલ્લી-મોડાસા જિલ્લાના પોલીસ અધિક્ષક શૈફાલી બરવાલ જણાવે છે કે, “આ ઘટના રાત્રે 8 વાગ્યે બની હતી જ્યારે રોજહાડ ચોકડીથી ધનસુરા હાઇવે તરફ આવતા ટુ-વ્હીલર પર ત્રણ લોકો રોંગ સાઈડમાં મુસાફરી કરી રહ્યા હતા.”
એસપીએ કહ્યું, “પ્રથમ દૃષ્ટિએ આ ટુ-વ્હીલરની બેદરકારી હતી કારણ કે, તેઓ ત્રણ સવારી હતા. તેમણે ખોટો રસ્તો અપનાવ્યો કારણ કે તેઓ શોર્ટકટ મેળવવા માંગતા હતા અને રસ્તા પરના સામાન્ય યુ-ટર્નને ટાળવા રોંગ સાઈડ ગયા હતા, જે પછી તેઓ હાઇવે પર જતા ડમ્પર ટ્રકની નીચે આવી ગયા હતા”