Ahmedabad to Jodhpur Vande Bharat Express: કેન્દ્ર સરકાર ગુજરાતને બીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ આપવા જઈ રહ્યું છે. અમદાવાદ-જોધપુર વંદેભારત ટ્રેન આગામી 7 જુલાઈથી શરુ થવાની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી રીતે લોકાર્પણ કરવાના છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે હાલ ગુજરાતની પહેલી સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડી રહી છે. ત્યારે હવે ગુજરાતને બીજી ટ્રેન મળશે.
આ પાંચ સ્ટેશનો પર ઉભી રહેશે
આ ટ્રેન સાબરમતીથી જોધપુર વચ્ચે પાંચ સ્ટેશનો પર ઉભી રહેશે. જેમાં મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, પાલી સ્ટેશને ટ્રેન ઉભી રહેશે. આ ટ્રેન સવારે 6.00 વાગ્યે જોધપુરથી ઉપડશે અને બપોરે 12:05 વાગ્યે સાબરમતી પહોંચશે. જ્યારે સાબરમતીથી સાંજે 4:45 વાગ્યે ઉપડશે 10:45 વાગ્યે જોધપુર પહોંચશે. આ ટ્રેન સપ્તાહમાં 6 દિવસ સોમવારથી શનિવાર સુધી દોડશે. જ્યારે રવિવારે ટ્રેનનું મેઇન્ટેનન્સ કરવામાં આવશે.
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 6 કલાકમાં પહોંચાડશે
સાબરમતીથી જોધપુર વચ્ચેનું 446 કિલોમીટરનું અંતર કાપવામાં મેલ એક્સપ્રેસ ટ્રેનોને લગભગ 8 કલાક લાગે છે જ્યારે આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 6 કલાકમાં પહોંચાડશે. આ ટ્રેનના સફળ સંચાલન માટે અમદાવાદથી જોધપુર જતી 7 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વંદે ભારતને લીધે જે ટ્રેનોના સમયમાં ફેરફાર થવાનો છે તે 5થી 15 મિનિટ સુધીનો છે. બિકાનેર-દાદર એક્સપ્રેસના સમય પત્રકમાં 15 મિનિટનો ફેરફાર છે.
આ પણ વાંચો – અમિત શાહે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર રિવર ક્રુઝ નું લોકાર્પણ કર્યું, ટિકિટનો દર, રૂટ-સમય અને સુવિધા જાણો
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ભાડું શું રહેશે
હાલ આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ભાડું નક્કી કરાયું નથી. જોકે અન્ય વંદે ભારતના ભાડા મુજબ ભાડું રૂ.800થી 1600 રહેવાની શક્યતા છે. આમાં બે કેટેગરી છે. ચેર કારમાં 800 રૂપિયા અને એક્ઝિક્યુટિવ કેટેગરીમાં 1600 રૂપિયા ભાડું રાખવામાં આવી શકે છે. જેમાં રિઝર્વેશન, GST અને કેટરિંગ ચાર્જનો સમાવેશ થાય છે.





