Sankheda Girl Students Molestation : ગુજરાત પોલીસ અને સરકારના મહિલા સુરક્ષાના મોટા મોટા દાવાને શર્મસાર કરતી એક ઘટનાથી છોટા ઉદેપુર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જેમાં શાળાની 6 વિદ્યાર્થીનીઓ સાથે ચાલુ પીકઅપ જીપમાં છેડતી થઈ હતી, નરાધમોની ક્રૂરતાથી ગભરાઈ વિદ્યાર્થીનીઓએ આબરૂ બચાવવા ચાલુ ગાડીએ છલાંગ લગાવી હતી. તમામ વિદ્યાર્થીની ઈજાગ્રસ્ત થઈ હતી, જેમાંથી બેની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે બોડેલી હોસ્પિટલ ખસેડવામાં આવી.
ગુજરાતમાં આ રીતે ધોળા દિવસે શાળાની વિદ્યાર્થીઓ તેમાં પણ એક-બે નહી છ વિદ્યાર્થીનીઓને સાથે છડતીની ઘટના બનતા મહિલા સુરક્ષાને લઈ પોલીસ સામે અનેક પ્રશ્નો ઉભા કરી દીધા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કોસિન્દ્રાની એક શાળાની વિદ્યાર્થીનીઓ ઘરે જવા નીકળી ત્યારે તેમની સાથે આ ઘટના બની. સરકારી ટ્રાન્સપોર્ટની સુવિધાના અભાવે વિદ્યાર્થીનીઓ પ્રાઈવેટ પીકઅપ જીપમાં બેઠી હતી, ત્યારે તેમની સાથે ચાર નરાધમોએ છેડતી કરી, આખરે આબરૂ બચાવવા માલૂમ બાળાઓએ ચાલુ જીપમાંથી છલાંગ લગાવી દીધી.
વિગતે ઘટનાની વાત કરીએ તો, સંખેડાના નસવાડી બોડેલી રોડ પર કોસિન્દ્રાની એક શાળામાં ભણતી 6 વિદ્યાર્થીનીઓ શાળામાંથી છૂટ્યા બાદ તેમના ગામ કુંડિયા જવા માટે કોસિન્દ્રાના મેઈન રોડ પર સ્વામિનારાયણ મંદિરના આંગણે વાહનની રાહ જોઈ ઉભી હતી, ત્યારે પીકઅપ જીપ આવતા તેમાં બેસી ગામે જવા નીકળી ત્યારે ચાર લોકોએ ચાલુ જીપે તેમની છેડતી શરૂ કરી, અને હાથ પકડી ખેચવાનો પ્રયાસ કર્યો. વિદ્યાર્થીનીઓએ બૂમો પાડી, આજીજી કરી ગાડી ઉભી રાખવા પણ ડ્રાઈવરે ગાડી ફૂલ સ્પીડે ભગાવવાનું શરૂ કર્યું. ત્યારબાદ બાળાઓએ ચાલુ ગાડીએ કૂદી પોતાની આબરૂ બચાવવાનો પ્રયાસ કર્યો.
પોલીસ સૂત્રો અનુસાર, વિદ્યાર્થીનીઓ પોતાના ગામે જવા વાહનની રાહ જોઈ ઉભી હતી, તે સમયે એક પીકઅપ જીપ આવી તેમણે પુછ્યું ક્યાં જવું છે? ચાલો તમને છોડી દઈશુ, તો વિદ્યાર્થીનીઓ પાછળ ડાલામાં બેસી ગઈ. આ સમયે જીપમાં આગળ કેબીનમાં ડ્રાઈવર સહિત, બે લોકો બેઠા હતા, જ્યારે પાછળ ડાલામાં બે લોકો પહેલાથી જ બેઠા હતા. જીપ જેવી ઉપડી તો પહેલા આગળ કેબીનમાં બેઠેલા બે લોકો ચાલુ ગાડીએ કુદી પાછળ ડાલામાં બેસવા આવી ગયા, જ્યાં આ 6 છોકરીઓ બેઠી હતી. ત્યારબાદ ચાર લોકોએ વિદ્યાર્થીનીઓની છેડતી શરૂ કરી દીધી, ગભરાયેલી છોકરીઓએ બૂમો પાડવાનું શરૂ કર્યું, તો ડ્રાઈવરે ગાડી ફૂલ સ્પીડમાં ભગાવવાનું શરૂ પોતાની આબરૂ બચાવવા માટે ચાલુ જીપમાંથી વિદ્યાર્થીનીઓએ છલાંગ લગાવી દીધી. વિદ્યાર્થીનીઓ કૂદી જતા ગભરાયેલા ડ્રાઈવરે ફૂલ સ્પીડમાં ગાડી ચલાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, થોડે અંતરે જીપ આગળ વાસણા ચોકડીથી ભાટપુર જતા વાસણા વસાહત પાસે પલટી મારી ગઈ, જેમાં ડ્રાઈવર પણ ઘાયલ થયો છે.
આ પણ વાંચો – મહેસાણા : બુલેટ અકસ્માતમાં ચાલકનો હાથ ખભેથી કપાઈ રોડ પર પડ્યો, યુવકનું સ્થળ પર જ મોત
પોલીસ અનુસાર, ચાર વિદ્યાર્થીનીને સામાન્ય મોટી ઈજા થતા તેમને નજીક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યારે બેની હાલત ગંભીર રહેતા તેમને બોડલી હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ પોલીસને થતા છોટા ઉદેપુર પોલીસ હોસ્પિટલ પહોંચી ગઈ હતી, અને વિદ્યાર્થીનીઓના નિવેદન લઈ પરિયાદ નોંધી હતી. હાલમાં ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય ચાર લોકોની શોધખોળ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે.





