Sarangpur Hanuman Temple Controversy : સારંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્રોને લઈને ચાલી રહેલો વિવાદ દિવસને દિવસે વધારે ઉગ્ર બની રહ્યો છે. સારંગપુર હનુમાનજી મંદિર ખાતે શનિવારે એક અજાણ્યા વ્યક્તિ દ્વારા હનુમાનજીની પ્રતિમા કિંગ ઓફ સારંગપુરની નીચે લગાવવામાં આવેલા ભીંતચિત્રો પર કાળો રંગ લગાવવામાં આવ્યો હતો અને તોડફોડ કરવામાં આવી છે.
એક ભક્તે મંદિર પરિસર ખાતે પહોંચીને ભીંતચિત્રો પર કાળા કલરનું પોતુ મારી દીધું હતું. ત્યાં કાળો કલર કરનાર વ્યક્તિની પોલીસે અટકાયત કરી લીધી છે. આ ઘટનાને પગલે DySP સારંગપુર મંદિર ખાતે દોડી આવ્યા છે. સાધુ-સંતો, હિન્દુ સંગઠનો ભીંતચિત્રો હટાવવાની માંગણી કરી રહ્યા છે.
સારંગપુર મંદિર – શું છે વિવાદ?
સારંગપુર હનુમાન મંદિર ખાતે થોડા સમય પહેલા હનુમાન દાદાની 54 ફૂટની ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. લોકો હનુમાનજીની ઊંચી પ્રતિમા જોઈ ભાવ વિભોર થઈ ગયા હતા. પરંતુ કેટલાક દિવસો બાદ હવે કોઈનું ધ્યાન આ મૂર્તિની નીચે રાખવામાં આવેલા ભીંતચિત્રો પર ગયું હતું અને તેણે તેના ફોટો પાડી સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. બસ આ ફોટો વાયરલ થયા પછી વિવાદ શરૂ થયો હતો.
આ પણ વાંચો – સારંગપુર હનુમાન મંદિર ભીંતચિત્ર વિવાદ: સાધુ સંતો, VHP સહિત હનુમાન ભક્તોનો ઉગ્ર વિરોધ
શું છે ભીંતચિંત્રોમાં?
આ ભીંતચિત્રોમાં એકમાં સ્વામિનારાયણ ભગવાન ઉભા છે અને હનુમાનજી તેમને પ્રણામ કરતા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય એક ભીંતચિત્રમાં એક સહજાનંદ સ્વામિ આસન પર બેઠાં હોય તેવું પણ દેખાય છે. જ્યારે હનુમાનજી નીચે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં બેઠા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે.
સાધુ સંતો સહિત હનુમાન ભક્તોની શુ માંગ છે?
આ મામલે હવે વિવાદ ઘણો વકરી રહ્યો છે. સાધુ સંતો સહિત હનુમાન ભક્તો એક જ સૂરે માંગ કરી રહ્યા છે કે, આ ભીંતચિત્રો તત્કાલિક હટાવી લેવામાં આવે અને જેમણે પણ આ કૃત્ય કર્યું છે, તેઓએ જાહેરમાં માફી માંગવી જોઈએ. આ મામલે વધુ વિરોધ પ્રદર્શનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જ્યારે કેટલાક સંગઠને સારંગપુર સંસ્થાને 5 સપ્ટેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે.





