Sarangpur Hanuman Temple Controversy : સારંગપુર હનુમાન મંદિર ભીંતચિત્ર વિવાદ: સાધુ સંતો, VHP સહિત હનુમાન ભક્તોનો ઉગ્ર વિરોધ, આપ્યું અલ્ટિમેટમ

Sarangpur Hanuman Temple Controversy : સારંગપુર મંદિર ખાતે હનુમાન દાદાની 54 ફૂટની પ્રતિમા નીચે સહજાનંદ સ્વામિ (Sahjanand Swami) સાથેના હનુમાજીના ફોટો બાદ વિવાદ વકર્યો. સાધુ સંતો (Monk) સહિત હનુમાન ભક્તો દ્વારા સોશિયલ મીડિયા (Social Media) પર આક્રોશ વ્યક્ત કરાયો.

Written by Kiran Mehta
Updated : August 31, 2023 16:32 IST
Sarangpur Hanuman Temple Controversy : સારંગપુર હનુમાન મંદિર ભીંતચિત્ર વિવાદ: સાધુ સંતો, VHP સહિત હનુમાન ભક્તોનો ઉગ્ર વિરોધ, આપ્યું અલ્ટિમેટમ
સારંગપુર હનુમાન મંદિર વિવાદ

Sarangpur Hanuman Temple Controversy : ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલુ સારંગપુર હનુમાન મંદિર અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મોટુ કેન્દ્ર છે. અહીં પુરા ભારતભરમાંથી લોકો હનુમાન દાદાના દર્શને આવે છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસથી સારંગપુર મંદિર ખાતે બનાવેલ હનુમાન દાદાની મૂર્તિની નીચેના ભીંતચિંતોને લઈ વિવાદ સર્જાયો છે. એવું શું છે આ ભીંતચિંતોમાં, જેના કારણે સાધુ સંતો, વિશ્વ હિન્દુ પરિષદ સહિત હનુમાન ભક્તોનો રોષ ફાટી નીકળ્યો છે અને સોશિયલ મીડિયા પર વિરોધ દર્શાવામાં આવ્યો છે, જોઈએ તમામ વિગત.

સારંગપુર મંદિર – શું છે વિવાદ?

સારંગપુર હનુમાન મંદિર ખાતે થોડા સમય પહેલા હનુમાન દાદાની 54 ફૂટની ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ બાદ ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. લોકો હનુમાનજીની ઊંચી પ્રતિમા જોઈ ભાવ વિભોર થઈ ગયા હતા. પરંતુ કેટલાક દિવસો બાદ હવે કોઈનું ધ્યાન આ મૂર્તિની નીચે રાખવામાં આવેલા ભીંતચિત્રો પર ગયું અને તેણે તેના ફોટો પાડી સોશિયલ મીડિયા પર શેર કર્યા. બસ અહીંથી વિવાદ શરૂ થયો.

શું છે ભીંતચિંત્રોમાં?

આ ભીંતચિત્રોમાં એકમાં સ્વામિનારાયણ ભગવાન ઉભા છે અને હનુમાનજી તેમને પ્રણામ કરતા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય એક ભીંતચિત્રમાં એક સહજાનંદ સ્વામિ આસન પર બેઠાં હોય તેવું પણ દેખાય છે. જ્યારે હનુમાનજી નીચે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં બેઠા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે.

કેમ રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો?

આ ભીંતચિત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સાધુ સંતો સહિત હનુમાન ભક્તો એકસૂરમાં વિરોધ કરી કહી રહ્યા છે કે, ‘આ ચિત્રોમાં હનુમાનજીને સહજાનંદ સ્વામિના દાસ બતાવવમાં આવ્યા છે. હનુમાનજી રામ ભક્ત હતા, તે કોઈ સ્વામિનારાયણ ભગવાનના દાસ નથી. આ હનુમાન દાદાનું અપમાન છે, અને સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જાણી જોઈ આ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.’

વિવાદ બાદ સારંગપુર મંદિર સંસ્થાએ શું કર્યું?

સારંગપુર હનુમાન મંદિર ખાતે ભીંતચિંત્રોના વિવાદ બાદ મંદિર સંસ્થાને હનુમાનજીની 54 ફૂટની પ્રતિમા નીચે ભીંતચિંત્રો હતા ત્યાં પીળા કલરનું કપડું મુકી તે ભીંતચિંતો ઢાંકી દીધા છે, અને વિવાદને ઠંડો પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

સાધુ સંતો સહિત હનુમાન ભક્ત નારાજ?

સારંગપુર હનુમાન મંદિર ખાતે હનુમાન અને સહજાનંદ સ્વામિના ભીંતચિંત્રોના વિવાદ બાદ સાધુ સંતો, વિશ્વ હિન્દુ પરિષદ, કેટલાક જાણીતા ગાયકો, કથાકારો સહિત હનુમાન ભક્તો દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયામાં લોકો આ તસવીરો શેર કરી ભારે આક્રોષ વ્યક્ત કરી રહ્યા છે.

કોણે શું કહ્યું?

કચ્છ ભચાઉ નજીક આવેલ કબરાઉ મોગલધામના મણિધર બાપુ એ કહ્યું, ‘તમે સનાતન ધર્મ, આખા રાષ્ટ્ર અને 33 કરોડ દેવતાનું અપમાન કરી રહ્યા છો, માફી માંગી લેજો નહીં તો ખેર નથી, હનુમાનજીને ચરણ સ્પર્શ કરતા દેખાડીને સ્વામિનારાયણ સંપ્રદાયે મોટી ભૂલ કરી છે. તેમણે પોતાની ભૂલ સ્વીકારવા સાથે માફી માંગવાની ચેતવણી આપી છે. મણિધર બાપુએ પોતાના નિવેદનમાં એવું પણ કહ્યું છે કે, આ તેમની મસમોટી ભૂલ છે, તેમણે જે થુક્યું છે તે તેમણે જ ચાટવું પડશે. નહીં તો ચારણ સમાજ તેમને છોડશે નહીં.

રામેશ્વર બાપુ એ પણ સારંગપુર વિવાદ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, સારંગપુર મંદિર સંસ્થાએ જડતાની સાથે હનુમાનજીને એક સામાન્ય વ્યક્તિની જેમ દર્શાવ્યા છે. આ કૃત્ય જેણે કર્યુ છે, તે જડત્વના માર્ગ પર ચાલી રહ્યાં છે. તમે જે કરવા જઈ રહ્યાં છો તે સનાતમ ધર્મની વિરૂદ્ધ છે. રામેશ્વર બાપુએ જણાવ્યું કે, ચેતી જાવ, પાછા વળી જાવ સનાતન ધર્મ આદીઅનાદી છે.

અમદાવાદમાં લંબે નારાયણ આશ્રમના મહંત ઋષિભારતી બાપુ એ ચીમકી આપી કહ્યું છે કે, ‘સાળંગપુર સંસ્થા દ્વારા હનુમાનજીની પ્રતિમા નીચેથી ભીંતચિત્રો નહીં હટાવાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આ સનાતન ધર્મના દેવી-દેવતાઓનું અપમાન છે, સનાતન ધર્મના દેવી દેવતાઓને મોહરા બનાવવાનું બંધ કરો. પાદરીઓની જેમ સ્વામિ નારાયણવાળા બ્રેઈન વોશ કરવાનું બંધ કરો.’

ઈન્દ્રભારતી બાપુએ પણ સારંગપુર વિવાદ મામલે વિરોધ દર્શાવ્યો છે. તેમણે કહ્યું, આ સનાતન ધર્મનું અપમાન છે, હનુમાન દાદા ચિરંજીવી છે, તે સહજાનંદ સ્વામિના દાસ નથી, તેમના આ રીતે ભીંતચિત્રો લગાવવા ન જોઈએ, તેને તુરંત હટાવી માફી માંગવી જોઈએ.

આ બાજુ જૂનાગઢના શ્રી 1008 મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગીરીબાપુ એ પણ આ મામલે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું સમસ્ત સનાતન ધર્મની લાગણી દુભાવી તેવું આ કૃત્ય છે. આ રીતે સ્વામિનારાયણ સંપ્રદાય શું કામ આવું વારંવાર કરે છે તે નથી સમજાતું.

અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે કહ્યું કે, ‘કોઈ પણ ધર્મને ઉંચુ-નીચું દેખાડવાનું કાર્ય ન કરવું જોઈએ. સર્વધર્મ સમભાવ હોવો જોઈએ. હનુમાનજી સાથે તમામ લોકોની આસ્થા જોડાયેલી છે. હનુમાનજી અનાદિકાળથી છે. દિલીપદાસજી મહારાજે સાળંગપુરની ઘટનાને વ્યભિચારી સમાન ગણાવી.’

મહંત હરી આનંદ બાપુ એ પણ રોષ વ્યક્ત કરી નિવેદન આપ્યું કે, હનુમાનજીને સેવક તરીકે બતાવવા યોગ્ય નથી આ ઘટના નિંદનીય છે. હનુમાનજી આપણા આરાધ્ય દેવ છે. તેમના નિંદાપાત્ર ચિત્રો મૂક્યા છે. હનુમાનજી મહારાજ સ્વામીને પગે લાગે છે, સ્વામીના દાસ થઈને રહે છે, એવું દર્શાવ્યું છે, જે નિંદાને પાત્ર છે.”

મોરારીબાપુ એ પણ વિવાદ બાદ વિરોધ કરતા કહ્યું કે, ‘મે પહેલા પણ આ પ્રકારની હરકતો માટે અવાજ ઉઠાવ્યો છે’. મોરારીબાપુએ કહ્યું કે, હનુમાનજીને સેવા કરતા બતાવવા એ અયોગ્ય છે, હું બોલ્યો હતો ત્યારે કોઈએ મને સાથ આપ્યો ન હતો.’

વિશ્વ હિન્દુ પરિષદે શું કહ્યું?

સારંગપુર મંદિર વિવાદ મામલે વિશ્વ હિન્દૂ પરિષદે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે, વીએચપીના મહામંત્રી અશોક રાવલે કહ્યું કે, ‘ભગવાન રામ ત્રેતા યુગ માં થયા હનુમાનજી પણ ત્રેતા યુગમાં હતા. સ્વામિનારાયણ ભગવાન 300 વર્ષ પહેલા થયા. VHP એ વડતાલ મુખ્ય મંદિર સાથે વાતચીત કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક જ્ઞાની સંતો છે. અભણ માણસોને ભેગા રાખવા સેહલા છે, પણ જ્ઞાની ને સાથે રાખવા અઘરા છે, અમે વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતોને મળીશું. વિશ્વ હિન્દૂ પરિષદ હિંદુઓની લાગણીની સાથે રહશે.

સાધુ સંતો સહિત હનુમાન ભક્તોની શુ માંગ છે?

સારંગપુર વિવાદ મામલે સોશિયલ મીડિયા પર વિવાદ વકરી રહ્યો છે. સાધુ સંતો સહિત હનુમાન ભક્તો એક જ સૂરે માંગ કરી રહ્યા છે કે, આ ભીંતચિત્રો તત્કાલિક હટાવી લેવામાં આવે અને જેમણે પણ આ કૃત્ય કર્યું છે, તેઓએ જાહેરમાં માફી માંગવી જોઈએ. કેટલાક હિન્દુ સંગઠનોની આ મામલે બેઠક પણ મળી શકે છે, અને આ મામલે વધુ વિરોધ પ્રદર્શનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જ્યારે કેટલાક સંગઠને સારંગપુર સંસ્થાને 5 સપ્ટેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે.

આ પણ વાંચોOBC Reservation: ગુજરાતમાં પાલિકા-પંચાયતમાં OBC ને 27 ટકા અનામતની જાહેરાત, એસસી-એસટીમાં કોઈ ફેરફાર નહી

શિહોરમાં ફરિયાદ માટે અરજી

સારંગપુર મંદિર વિવાદ બાદ સનાતન ધર્મ સંવા સમિતી દ્વારા ભાવનગરના શિહોર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધવા માટે અરજી આપવામાં આવી છે. સનાતન ધર્મ સમિતીએ અરજી સાથે કેટલાક દસ્તાવેજી પુરાવા રજૂ સારંગપુર સ્વામિનારાયણ સંસ્થાના સંતો વિરુદ્ધ ફરિયાદ નોંધવા અરજી કરી છે.

ઉલ્લેખનીય છે કે, સારંગપુર હનુમાન મંદિર વડતાલ સ્વામિનારાયણ સંસ્થાન અંતર્ગત આવેલું છે. આ મામલો વધુ ગરમાતા વડતાલ સ્વામિનારાયણ ટ્રસ્ટની મિટિંગ મળવાની હતી, પણ તે છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી. તો હવે ટુંક સમયમાં મીટિંગ થશે, અને આ વિવાદને કેવી રીતે શાંત કરવો તે મામલે સ્વામિનારાયણ સંતો ચર્ચા વિચારણા કરી આગળની કાર્યવાહી કરશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ