Sarangpur Hanuman Temple mural painting Controversy : સારંગપુર મંદિર ખાતે હનુમાનજીની 54 ફૂટની પ્રતિમા નીચે હનુમાનજી અને સહજાનંદ સ્વામિના ભીંતચિત્રોને લઈ વિવાદ સર્જાયો છે. આ મામલે સારંગપુર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતોની બેઠક યોજવામાં આવી હતી. જેમાં આરએસએસના રામ માધવ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આ મામલે તપાસ માટે સમિતીની રચના કરવામાં આવી છે. ટુંક સમયમાં આ મામલો ઉકેલવા માટે યોગ્ય નર્ણય લેવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સારંગપુર ખાતે સ્વામિનારાયણ સાધુ સંતો અને આરએસએસ રામ માધવ સહિતના લોકો વચ્ચે 3 કલાક સુધી બંધ બારણે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક બાદ વડતાલ સ્વામિનારાયણ મંદિર કોઠારી સંત વલ્લભસ્વામીએ મીડિયાને જણાવ્યું હતું કે, બેઠકમાં આ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને એક સંત સમિતીની રચના કરવામાં આવી છે, ટુંક સમયમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ આ મામલે સ્વામિનારાયણ સંતો દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું કે, ટુંક સમયમાં ભીંતચિત્રો હટાવી દેવામાં આવશે, અમને બે દિવસનો સમય જોઈએ છે. હવે સાધુ સંતોની આ બેટક યોજાઈ છે, તેમાં શું નિર્ણય લેવામાં આવ્યો તે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ ભીંતચિંત્રો હટાવી આ વિવાદને ઉકલવામાં આવી શકે છે.
સારંગપુર મંદિર વિવાદ શું છે?
તમને જણાવી દઈએ કે, સારંગપુર હનુમાન મંદિર ખાતે થોડા સમય પહેલા હનુમાન દાદાની 54 ફૂટની ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ બાદ ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. લોકો હનુમાનજીની ઊંચી પ્રતિમા જોઈ ભાવ વિભોર થઈ ગયા હતા. પરંતુ કેટલાક દિવસો બાદ હવે કોઈનું ધ્યાન આ મૂર્તિની નીચે રાખવામાં આવેલા ભીંતચિત્રો પર ગયું અને તેણે તેના ફોટો પાડી સોશિયલ મીડિયા પર શેર કર્યા. બસ અહીંથી વિવાદ શરૂ થયો.
ભીંતચિંત્રોમાં એવું શું છે?
આ ભીંતચિત્રોમાં એકમાં સ્વામિનારાયણ ભગવાન ઉભા છે અને હનુમાનજી તેમને પ્રણામ કરતા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય એક ભીંતચિત્રમાં એક સહજાનંદ સ્વામિ આસન પર બેઠાં હોય તેવું પણ દેખાય છે. જ્યારે હનુમાનજી નીચે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં બેઠા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે.
કોણે કોણે વિરોધ દર્શાવ્યો
સારંગપુર ભીંતચિત્ર વિવાદ બાદ સનાતન ધર્મના સાધુઓ જેમાં મોગલધામના મણિધર બાપુ, રામેશ્વર બાપુ, મહંત ઋષિભારતી બાપુ, ઈન્દ્રભારતી બાપુ, મહેન્દ્રાનંદ ગીરીબાપુ, મહંત દિલીપદાસજી મહારાજે, મહંત હરી આનંદ બાપુ, કથાકાર મોરારીબાપુ સહિત વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી અશોક રાવલ, રાજકોટના બ્રહ્મ સમાજ સહિત સોશિયલ મીડિયા પર અનેક હનુમાન ભક્તો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. લોકોએ વીડિયો, કોમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી.