ગુજરાત : કનોસણ ગામ, દલિત સંચાલિત FPS દુકાનમાંથી ગ્રામજનો રાશન નહીં ખરીદે, કલેકટરે તમામ રાશન કાર્ડ નજીકના ગામમાં કર્યા ટ્રાન્સફર

kanosan village ration card transfer controversy : પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કાનોસણ ગામની દલિત (Dalit) ની સસ્તા અનાજની દુકાનના બહિસ્કાર (boycott) મામલા બાદ, કલેક્ટરે ગામના તમામ રેશન કાર્ડ પાડોશી ગામ એડલામાં કર્યા ટ્રાન્સફર, તો જોઈએ શું છે પુરો વિવાદ.

Updated : September 21, 2023 14:16 IST
ગુજરાત : કનોસણ ગામ, દલિત સંચાલિત FPS દુકાનમાંથી ગ્રામજનો રાશન નહીં ખરીદે, કલેકટરે તમામ રાશન કાર્ડ નજીકના ગામમાં કર્યા ટ્રાન્સફર
કાનોસણ ગામમાં દલિત સંચાલિત સસ્તા અનાજની દુકાનનો ગ્રામજનો દ્વારા બહિસ્કારનો મામલો (ફોટો -

પરિમલ ડાભી : પાટણ જિલ્લા કલેક્ટરે નિર્દેશ આપ્યો છે કે, જિલ્લાના સરસ્વતી તાલુકાના કાનોસણ ગામના તમામ 436 રેશનકાર્ડ ધારકો હવે પડોશી ગામ એડલામાંથી રાશન ખરીદી શકશે અને તેઓએ તેમના ગામની દલિત સંચાલિત વાજબી ભાવની દુકાન (FPS) માંથી રાશન ખરીદવું પડશે નહીં.

કલેક્ટર અરવિંદ વિજયને, 12 સપ્ટેમ્બરના આદેશમાં, કાનોસણના 436 પરિવારોના રેશન કાર્ડ એડલાના FPS માં ટ્રાન્સફર કર્યા છે.

ગામના મોટાભાગના રેશનકાર્ડ ધારકો – કનોસણમાં ઠાકોર સમુદાય (બિન-દલિત) નું વર્ચસ્વ છે – લગભગ દોઢ વર્ષ પહેલાં કાંતિ પરમાર (દલિત) દ્વારા સંચાલિત FPS (વ્યાજબી ભાવની દુકાન) માંથી તેમનું માસિક રાશન ખરીદવાનું બંધ કરી દીધા બાદ આ આદેશ આવ્યો છે.

કાનોસણ ગામ સમરસ ગામ છે

કાનોસણ એ ગુજરાતના સમરસ ગામો પૈકીનું એક ગામ છે. રાજ્ય સરકારની સમરસ યોજના હેઠળ ગ્રામજનો તેમના વોર્ડના સભ્યો અને સરપંચને સર્વાનુમતે ચૂંટે છે. આવા ગામોને રાજ્ય તરફથી વિશેષ પ્રોત્સાહન મળે છે. સમરસની સ્થિતિ ગામમાં “સામાજિક સ દ્ભાવ” સૂચવે છે.

ગ્રામજનોનો શું આક્ષેપ છે?

અન્ય આરોપો સિવાય, ઠાકોરે વ્યાજબીભાવની દુકાન ચલાવનાર કાંતિ પર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ ખોટા કેસ દાખલ કરવાની ધમકી આપવાનો આરોપ મૂક્યો છે – જે સામાન્ય રીતે એટ્રોસિટી એક્ટ તરીકે ઓળખાય છે. જોકે, કાંતિ અને તેના પરિવારે આરોપોને નકારી કાઢ્યા છે અને હવે તેઓ કલેક્ટરના આદેશને કોર્ટમાં પડકારવાનું વિચારી રહ્યા છે.

કલેક્ટરના આદેશમાં કાનોસણના રહેવાસીઓની રજૂઆતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમણે જણાવ્યું છે કે, તેઓએ લગભગ દોઢ વર્ષ પહેલાં કાંતિના FPSમાંથી માસિક રાશન ખરીદવાનું બંધ કરી દીધું હતું અને તેના બદલે પડોશના એડલા, વાગડોદ અને નૈતા ગામની દુકાનોમાંથી ખરીદી કરી રહ્યા હતા. આદેશ અનુસાર, તેઓએ આરોપ લગાવ્યો છે કે, તેઓને સમયસર અનાજ નથી મળતું, સરકાર દ્વારા નિર્ધારિત રાશનનો યોગ્ય જથ્થો કોવિડ-19 મહામારી દરમિયાન વહેંચવામાં આવતો ન હતો અને કઈ કહેવા જઈએ તો, કાંતિ તેમને એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ દાખલ કરવાની ધમકી આપી રહ્યો હતો.

કલેક્ટરે કેમ આવો આદેશ આપવો પડ્યો?

જિલ્લા વહીવટીતંત્રે કાનોસણના 268 રહેવાસીઓના નિવેદનો નોંધ્યા હતા. તેમાંથી 260 લોકોએ પડોશી FPS પાસેથી રાશન ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી. આઠ રહેવાસીઓએ કાંતિના FPS માંથી તેમનું રાશન મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી.

ઓર્ડરમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે, સરસ્વતી તહસીલના મામલતદારે આ માર્ચમાં કાનોસણના રહેવાસીઓની એક બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં આશરે 300 રેશનકાર્ડ ધારકોએ કાંતિના FPS માંથી રાશન મેળવવાની અનિચ્છા દર્શાવી હતી અને માંગણી કરી હતી કે, તેઓને અન્ય ગામમાંથી રાશન મળે તોની મંજૂરી મળવી જોઈએ.

કલેકટરના આદેશ મુજબ કાંતિના એફપીએસમાં રાશન વિતરણમાં ધીમે ધીમે ઘટાડો નોંધાયો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, આ વર્ષે માર્ચ, એપ્રિલ, મે અને જૂનમાં અનુક્રમે 36.84 ટકા, 30.14 ટકા, 9.18 ટકા અને 8.18 ટકા રાશનનું જ વિતરણ કરવામાં આવ્યું હતું.

કલેકટરે આદેશ કર્યો છે કે, કાનોસણના રહેવાસીઓના તમામ રેશનકાર્ડ કાનોસણથી લગભગ 1.5 કિમી દૂર એડલા ગામમાં વિસાભાઈ રબારી દ્વારા સંચાલિત એફપીએસમાં ટ્રાન્સફર કરવામાં આવે. તેમણે એવો પણ આદેશ આપ્યો છે કે, રબારીએ ખાતરી કરવી પડશે કે, રહેવાસીઓને તેમનું રાશન કાનોસણમાં જ મળે.

આદેશમાં કાંતિનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે, જેમાં તેણે તેના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે.

આશરે 2,200 ની વસ્તી ધરાવતા કાનોસણમાં 90 ટકાથી વધુ રહેવાસીઓ ઠાકોર છે.

દલિત દુકાનદાર કાંતિ પરમારનું શું કહેવું છે?

કાંતિના કહેવા પ્રમાણે, લગભગ બે વર્ષ પહેલાં જ્યારે તેણે ઠાકોરને રાશન આપવાની ના પાડી ત્યારે સંઘર્ષ શરૂ થયો હતો. કાંતિએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, “લગભગ બે-ત્રણ વર્ષ પહેલાં ગામના એક ઠાકોર આગેવાન મારી દુકાનેથી રાશન ખરીદવા આવ્યા હતા. જો કે, તેમનું કાર્ડ યોગ્ય ન હોવાથી મેં તેમને રાશન આપવાની ના પાડી. ત્યારથી, તે અને અન્ય સમુદાયના નેતાઓ મારી સામે ઝુંબેશ ચલાવી રહ્યા છે, તેમના સમુદાયના અન્ય સભ્યોને મારી દુકાનનો બહિષ્કાર કરવા વિનંતી કરી રહ્યા છે અથવા ધમકી આપી રહ્યા છે.”

તેમણે કહ્યું કે, “તેઓ એમ કહીને બહિષ્કારને યોગ્ય ઠેરવે છે કે, મેં તેમની સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ખોટી ફરિયાદો નોંધાવી છે. તે સાચું નથી. હું છેલ્લા 30 વર્ષથી આ દુકાન ચલાવી રહ્યો છું, પરંતુ છેલ્લા બે-ત્રણ વર્ષમાં તેમને મારામાં ખામીઓ જણાઈ છે.”

કાંતિએ કહ્યું કે, ગામમાં દલિતો પર કેટલાક અત્યાચારો થયા છે અને તેણે અને અન્ય કેટલાક લોકોએ ઠાકોરો વિરુદ્ધ લગભગ પાંચ-છ ફરિયાદો નોંધાવી છે. તેમણે કહ્યું, “પરંતુ એક કેસ સિવાય, અમે કેટલાક નેતાઓની દરમિયાનગીરીથી અન્ય તમામ કેસોમાં સમાધાન કર્યું છે.”

કાંતિએ જણાવ્યું હતું કે, એક ફરિયાદ જે હજુ પણ ચાલુ છે, તે મે મહિનામાં પાટણ શહેરના એક સાર્વજનિક ઉદ્યાનમાં ઝેરી દવા ખાઈને આત્મહત્યાના પ્રયાસ અંગેની છે. તે બચી ગયો હતો, પરંતુ ઝેરની અસરને કારણે તેનો ડાબો પગ કાપવો પડ્યો હતો, એમ તેઓએ જણાવ્યું હતું.

ત્યારબાદ, કાંતિના પુત્ર મુકેશે ઠાકોર સમાજના ચાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં ગ્રામજનો પર તેમની દુકાનનો બહિષ્કાર કરવા, તેના પિતાને આત્મહત્યાનો પ્રયાસ કરવા દબાણ કરવાનો આરોપ મૂક્યો હતો. તેણે ચારેય પર તેની દુકાનનું લાઇસન્સ રદ કરાવવા માટે કાંતિ વિરુદ્ધ ખોટા નિવેદનો કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

ચાર લોકોમાં – પ્રકાશજી ઠાકોર, ગેનાજી ઠાકોર, લાખાજી ઠાકોર અને જકતાજી ઠાકોરની – ત્યારબાદ ધરપકડ કરવામાં આવી હતી, અને બાદમાં પાટણની સેશન્સ કોર્ટ દ્વારા જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન ઠાકોરોએ કાંતિ પર એટ્રોસિટી એક્ટ હેઠળ ખોટા કેસ દાખલ કરવાનો આરોપ લગાવ્યો હતો. ગામમાં લોટની ઘંટી ચલાવતા કામરાજી ઠાકોર (45) એ કહ્યું, “મેં છેલ્લા બે વર્ષથી તેની (કાંતિની) દુકાનમાંથી ખરીદી કરવાનું બંધ કરી દીધું છે. તેઓ (કાંતિ અને તેના પરિવારના સભ્યો) અમારી (ઠાકોર) વિરુદ્ધ ખોટી પોલીસ ફરિયાદ કરી રહ્યા છે અને મારા પરિવારની એક વૃદ્ધ મહિલા એક મહિના માટે જેલમાં ગઈ હતી. તેનું (કાન્તિનું) વર્તન પણ યોગ્ય નથી.

અન્ય એક ગ્રામીણ પોપટજી ઠાકોરે કહ્યું, “તે (કાંતિ) વારંવાર કાવતરું ઘડે છે અને અમને જેલમાં ધકેલી દે છે. એક કેસમાં મારે આઠ દિવસ જેલમાં રહેવું પણ પડ્યું હતું. અમે તેની દુકાને જવાના નથી.”

કાનોસણના સરપંચ રઘુ ઠાકોરે જણાવ્યું હતું કે, “ગામલોકોની ફરિયાદો હતી કે, તેઓને યોગ્ય માત્રામાં રાશન મળતું નથી. આ ઉપરાંત તે (કાંતિ) એટ્રોસીટી એક્ટ હેઠળ લોકોને ખોટા કેસમાં ફસાવતો હોવાની પણ ફરિયાદો હતી. તેથી, અમે તે (કાંતિની) FPS પાસે તેના રેશનકાર્ડને નજીકના ગામમાં ટ્રાન્સફર કરવા માંગણી કરી હતી.

મે મહિનામાં મુકેશ (કાંતિના પુત્ર) દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે નોંધાયેલા કેસમાં રઘુ (સરપંચ) ના દાદા જક્તજી ઠાકોર પણ આરોપીઓમાં એક છે. જકતાજી કાનોસણના પૂર્વ સરપંચ પણ રહી ચુક્યા છે.

કલેક્ટર સહિત અધિકારીઓએ શું કહ્યું?

પાટણ કલેક્ટર અરવિંદ વિજયને જણાવ્યું હતું કે, આંતરિક તપાસ અને ગ્રામજનોના વિરોધ બાદ આ આદેશ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે વધુ માહિતી માટે જિલ્લા પુરવઠા અધિકારી (DSO)નો સંપર્ક કરવો.

જ્યારે પાટણ ડીએસઓ ડીએસ નિનામાનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે, “અમે મામલતદાર પાસે તપાસ કરાવી છે. ગ્રામજનોએ તેમના નિવેદનમાં કહ્યું છે કે, તેઓને પૂરતું રાશન (FPS તરફથી) મળતું નથી અને ખોટા કેસની ધમકીઓ પણ મળી રહી છે. તે નિવેદનોના આધારે કલેકટરે હુકમ કર્યો છે. નિનામાએ જણાવ્યું હતું કે, કલેકટરે બંને પક્ષોને સાંભળ્યા બાદ આદેશ કર્યો છે.

કાંતિની દુકાનનું લાઇસન્સ રદ કરવામાં આવશે કે કેમ, તે અંગે પૂછવામાં આવતા નિનામાએ કહ્યું, “તેને પણ સાંભળવાની તક આપવામાં આવશે.” કલેક્ટર તેમની વાત સાંભળશે અને પછી નિર્ણય લેશે. (તેમનું લાઇસન્સ રદ કરતા પહેલા), તેમને પૂરતી તક આપવામાં આવશે (તેમનો કેસ રજૂ કરવાની) અને પછી નિર્ણય લેવામાં આવશે.

આ દરમિયાન કાંતિએ કહ્યું, “કદાચ મારે કોર્ટનો સંપર્ક કરવો જોઈએ, મારા પુત્રો આવું કહી રહ્યા છે.” તેમને ત્રણ પુત્રો છે.

આ પણ વાંચોIndia Canada Controversy : અમેરિકામાં પહેલીવાર અલગ શીખ રાષ્ટ્રની જાહેરાત, વિદેશી ધરતી પર ખાલિસ્તાનની માંગ

FPS માં કાંતિના સહાયક તરીકે કામ કરતા મુકેશે કહ્યું, “કોર્ટનો સંપર્ક કરવા સિવાય હવે બીજો કોઈ વિકલ્પ નથી. એડલામાં તમામ રાશનકાર્ડ ટ્રાન્સફર થવાને કારણે અમારી દુકાન બંધ થઈ જશે. અમારું પોતાનું પણ રેશનકાર્ડ એડલામાં ટ્રાન્સફર થઈ ગયું છે. જો અમારી દુકાન પર કોઈ કાર્ડ ઇન્સ્ટોલ કરેલ નથી તો અમારું લાઇસન્સ રદ કરવામાં આવશે. અમારી પાસે આજીવિકાનું કોઈ સાધન નહીં હોય.”

મુકેશની પત્ની રેખા કાનોસણ ગ્રામ પંચાયતના સભ્ય છે. તેમણે કહ્યું, “ડિસેમ્બર 2021 માં, અમારું ગામ સમરસ ગામ બન્યું, અમે તેમની (ઠાકોર) સામે કોઈ ઉમેદવાર ઉભા ન રાખીને તેમને ટેકો આપ્યો. આ વિશ્વાસઘાત છે જે અમને ઈનામ તરીકે મળ્યો છે.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ