Shaktisinh Gohil Resigns as Gujarat Congress Chief : શક્તિસિંહ ગોહિલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. ગુજરાતમાં સોમવારે વિધાનસભાની બે બેઠકો કડી અને વિસાવદર પર પેટાચૂંટણીના પરિણામ જાહેર થયા છે. બન્નેમાં કોંગ્રેસનો પરાજય થયો છે. આ પરાજય પછી શક્તિસિંહ ગોહીલે પ્રમુખ પદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે.શક્તિસિંહે ટ્વિટર પર પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી. કોંગ્રેસ પક્ષ નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ કરે ત્યાં સુધી હાલ પૂરતી જવાબદારી દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને સોંપવામાં આવી છે.
શક્તિસિંહે ગોહિલે રાજીનામાં બાદ શું કહ્યું?
શક્તિસિંહ ગોહિલે રાજીનામાં બાદ કહ્યું કે હું કોંગ્રેસ પાર્ટીનો સિપાહી છું, આજે કડી અને વિસાવદરમાં અમને સફળતા મળી નથી. 30 વર્ષથી સત્તા ના હોવા છતાં અમારા કાર્યકરો મક્કમતાથી લડ્યા છે. મને સતત મદદ કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, રાહુલ ગાંધી, વેણુગોપાલ અને મુકુલ વાસનીકનો આભાર વ્યક્ત કરું છું. રાજીવજી અને સોનિયાજીએ આપેલું માર્ગદર્શન મારા માટે સૌથી મોટા આશીર્વાદ છે. પેટાચૂંટણીમાં પરાજયની નૈતિક જવાબદારી સ્વીકારી મેં ગણતરીના કલાકોમાં જ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. મારું રાજીનામું રાષ્ટ્રીય અધ્યક્ષને મોકલી આપ્યું છે.હું હંમેશા કોંગ્રેસના કાર્યકર તરીકે કામ કરતો રહીશ.
આ પણ વાંચો – કડી પેટા ચૂંટણી પરિણામ: ભાજપની જીત, રાજેન્દ્રકુમાર ચાવડાને મળી 39 હજાર મતની લીડ
તેમણએ વધુમાં કહ્યું કે હું અમારા પક્ષના બધા નેતાઓ, અમારા પક્ષના કાર્યકરો, મારા શુભેચ્છકો, મીડિયા અને અન્ય બધાનો મારામાં સમર્થન અને વિશ્વાસ બદલ આભાર માનું છું. હું માનું છું કે પક્ષ કોઈપણ પદ કે વ્યક્તિ કરતાં વધુ મહત્વપૂર્ણ છે. હું ચોક્કસપણે કોંગ્રેસનો શિસ્તબદ્ધ સૈનિક બની રહીશ. જય કોંગ્રેસ. જય હિંદ
શક્તિસિંહ ગોહીલ 1990-95, 1995-98, 2007-2012, 2014 અને 2017થી 2020 એમ પાંચ ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા છે. જ્યારે 2020માં તેઓ રાજ્યસભાના સાંસદ બન્યા હતા.





