‘કરોડોનો નફો કરતા ઉદ્યોગપતિઓને સરકાર સબસિડી આપી રહી અને…’, સ્માર્ટ મીટરો નો કેમ વિરોધ થઈ રહ્યો? જાણો બધુ જ

Smart Meters Protest Gujarat : વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં ઓવરચાર્જિંગ વીજ બીલના આક્ષેપ સાથે સ્માર્ટ મીટરોનો વિરોધ થઈ રહ્યો છે, તો જોઈએ શું છે પૂરો મામલો, વીજ કંપનીઓ શું સફાઈ આપી રહી? બધુ જ

Written by Kiran Mehta
May 20, 2024 14:21 IST
‘કરોડોનો નફો કરતા ઉદ્યોગપતિઓને સરકાર સબસિડી આપી રહી અને…’, સ્માર્ટ મીટરો નો કેમ વિરોધ થઈ રહ્યો? જાણો બધુ જ
સ્માર્ટ મીટર વિરોધ (પ્રતિકાત્મક તસવીર)

Smart Meters Protest : સ્માર્ટ મીટરથી “ઓવરચાર્જિંગ”ની ફરિયાદો અને કેટલાક રહેવાસીઓ જૂના મીટરના રિટ્રોફિટિંગની માંગણી વચ્ચે વડોદરામાં મધ્ય ગુજરાત વિજ કોર્પોરેશન લિમિટેડ (MGVCL) સામે સતત વિરોધ કરી રહ્યા છે. ગૃહિણીઓએ વિરોધ કરવા માટે એકત્ર થઈને કહ્યું કે, તેમના પરિવારો પાસે સ્માર્ટફોન નથી અને તેઓ સ્માર્ટ મીટરના વપરાશ અને સંતુલનને ટ્રેક કરવામાં પણ અસમર્થ છે. સાથે ઊંચુ વીજ બિલ આવવા લાગ્યું છે, જે તેમને પરવડે તેમ નથી.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વીએમસીના વોર્ડ નંબર 2 ના રહેવાસીઓ વીજ બોર્ડની સ્થાનિક કચેરીએ ભેગા થયા હતા અને જણાવ્યું હતું કે, તેઓ સ્માર્ટ મીટરની કામગીરીને સમજી શકતા નથી.

સામા GEB ઑફિસમાં એક વિરોધકર્તાએ ફરિયાદ કરી હતી કે, સ્માર્ટ મીટર મોબાઇલ એપ્લિકેશન પર રૂ. 2,254 નું બેલેન્સ દર્શાવ્યું હોવા છતાં, વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને અધિકારીઓએ તેને બેલેન્સ રિચાર્જ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

સ્માર્ટ મીટરનો શું છે વિરોધ?

વિરોધનું નેતૃત્વ કરી રહેલા એક સામાજિક કાર્યકર જીતેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, “MGVCL એ ઓછી આવક ધરાવતા વર્ગના મીટરને રેન્ડમલી બદલવાને બદલે બેચમાં મીટર લગાવવા જોઈએ, જેમના માટે 250 રૂપિયાના બેલેન્સ સાથેનું મોબાઈલ ફોન રિચાર્જ કરવું મુશ્કેલ છે. તેઓ વીજ પુરવઠો અવિરત રાખવા માટે આ લોકો હજારો રૂપિયાથી ફોન રિચાર્જ કરાવતા રહે એવી અપેક્ષા તેમની પાસે કેવી રીતે રાખી શકે? આમાંથી અનેક મોટા ભાગના અભણ છે અને સ્માર્ટ મીટરનો વપરાશ પણ વધુ આવી રહ્યો, પરિણામે વારંવાર રિચાર્જ સંદેશાઓ આવે છે. MGVCL એ સૌપ્રથમ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કોર્પોરેટ્સના ઘરે સ્માર્ટ મીટર લગાવવા જોઈએ.”

smart meters protest - 1
સ્માર્ટ મીટર બાદ વીજ બીલના મેસેજ બતાવી રહેલા નાગરીકો (ફોટો – ભુપેન્દ્ર રાણા – એક્સપ્રેસ)

કેટલાક નાગરિક જૂથોએ જિલ્લા કલેક્ટર કચેરીને એક મેમોરેન્ડમ પણ સુપરત કર્યું હતું અને સ્માર્ટ મીટર તાત્કાલિક પાછું ખેંચવાની માંગ કરી હતી. ઓલ ગુજરાત ઇલેક્ટ્રિસિટી યુઝર્સ એસોસિએશનના કન્વીનર ઇન્દ્રજીતસિંહ ગ્રોવરે કલેક્ટર કચેરી સુધી કૂચ કરી અને એક મેમોરેન્ડમ રજૂ કર્યું, જેમાં દલીલ કરવામાં આવી હતી કે, સ્માર્ટ મીટર સામાન્ય નાગરિકો પર “બોજ” છે.

‘કરોડોનો નફો કરતા ઉદ્યોગપતિઓને સરકાર સબસિડી આપી રહી અને…’

ગ્રોવરે સીધો સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, “ઓવરચાર્જિંગ અને વારંવાર ડિસ્કનેક્શનની ફરિયાદો આવી રહી છે. અમે તાત્કાલિક આ મીટરો પાછા ખેંચવા અને જૂના મીટરોને ફરીથી ઇન્સ્ટોલ કરવાની માંગ કરી છે. ભાજપ સરકાર કરોડો રૂપિયાનો નફો કરનાર ઉદ્યોગોને સબસિડી આપી રહી છે. પહેલા આ બંધ કરવું જોઈએ અને અદાણી ગ્રુપની લોન માફ કરવાનું બંધ કરવું જોઈએ. તેના બદલે, તે લાભ સામાન્ય નાગરિકોને ટ્રાન્સફર કરવો જોઈએ અને જૂના મીટરનો ઉપયોગ કરવાનું ચાલુ રાખવું જોઈએ.”

ચૂંટાયેલા લોકોલ જન પ્રતિનિધિઓએ શું પગલા લીધા?

વડોદરામાં મધ્ય ગુજરાત વિજ કોર્પોરેશન લિમિટેડ (MGVCL)ના સ્માર્ટ વીજ મીટરો સામેનો વિરોધ અટકવાના કોઈ ચિન્હો દેખાઈ રહ્યા નથી, તો સયાજીગંજના ભાજપના ધારાસભ્ય અને શહેરના પૂર્વ મેયર કેયુર રોકડિયાએ શુક્રવારે MGVCLના મેનેજિંગ ડિરેક્ટર (MD)ની ટીકા કરી હતી. તેમણે મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ) ને એક પત્ર લખ્યો, એમ કહીને કે, જ્યાં સુધી યુટિલિટી ગ્રાહકોને શિક્ષિત કરવામાં ન આવે અને ઓવરચાર્જિંગના “ડરને દૂર ન કરવામાં આવે” તથા આઉટરીચ પ્રોગ્રામ ન ચલાવવામાં આવે ત્યાં સુધી સ્માર્ટ મીટરના ઇન્સ્ટોલેશન પરનું કામ “હોલ્ડ પર રાખવું જોઈએ”.

પૂર્વ મેયર રોકડિયા વડોદરા શહેરના સયાજીગંજનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં ફતેગંજ, ગોરવા અને નવા સમા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે, જ્યાં ગ્રાહકો સૌથી વધુ વિરોધ કરી રહ્યા છે.

શનિવારે ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા રોકડિયાએ જણાવ્યું હતું કે, “મેં MGVCL ના MD તેજસ પરમારને પત્ર લખ્યો છે અને તેની નકલ CMO ને પણ મોકલી છે. મેં સંબંધિત સત્તાવાળાઓ સાથે પણ વાત કરી છે અને કંપની જ્યાં સુધી ગ્રાહકોને કામગીરી વિશે માહિતગાર ન કરે અને તેમને વિશ્વાસમાં ન લે ત્યાં સુધી સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરવા જણાવ્યું છે. આ સિવાય MGVCLને સ્માર્ટ મીટર પર નેગેટિવ બેલેન્સને કારણે ઓવરચાર્જિંગ, રાત્રિના સમયે વીજ વિક્ષેપ અને ગ્રાહકોને ભારે દંડની ધમકી આપવામાં આવતી હોવાની ફરિયાદો પણ દૂર કરવી જોઈએ.

Keyur Rokadia
વડોદરા સયાજીગંજના ભાજપના ધારાસભ્ય અને શહેરના પૂર્વ મેયર કેયુર રોકડિયા (ફોટો – સોશિયલ મીડિયા)

તેમણે કહ્યું કે, તેમણે પરમારને એ સુનિશ્ચિત કરવા પણ સૂચન કર્યું છે કે, જૂના મીટર અને સ્માર્ટ મીટર ટૂંકા ગાળા માટે એકસાથે ઇન્સ્ટોલ કરવામાં આવે જેથી ગ્રાહકો વપરાશ અને ચાર્જની તુલના કરી શકે.

રોકડિયાએ જણાવ્યું હતું કે, “મારો મુદ્દો એ છે કે આ ઉતાવળમાં પ્રક્રિયા ન હોવી જોઈએ. આ વ્યવસ્થિત રીતે લોકોને વિશ્વાસમાં લઈ કરવું જોઈએ અને ગ્રાહકો સ્માર્ટફોન યુઝર્સ છે કે, કેમ અને મોબાઈલ એપ્લીકેશનને સમજવાની અને તેનો ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવે છે કે કેમ તે પણ ધ્યાનમાં લીધા પછી કામગીરી કરવી જોઈએ…” “સ્માર્ટ મીટરના ઇન્સ્ટોલેશન પહેલાના સમયગાળાનો બિલ વપરાશનો એક ઘટક પણ ઉમેરવામાં આવે છે, જે નવા મીટર એકાઉન્ટ્સમાં આગળ ધપાવવામાં આવ્યો છે. તેથી, MGVCLએ ગ્રાહકોને આ પણ સમજાવવું જોઈએ.”

વિપક્ષ કોંગ્રેસના નેતાએ શું કહ્યું?

આ દરમિયાન, વડોદરા કોંગ્રેસના નેતા વિનોદ શાહે શનિવારે માંજલપુરના એક જાહેર જંકશન પર સ્વ-ફ્લેગલેશન કરીને સ્માર્ટ મીટર લગાવવા સામે વિરોધ કર્યો હતો. ચામડાની બેલ્ટ અને મેટલની સાંકળ સાથે પોતાની પીઠ પર વાર કરી વિરોધ દર્શાવ્યો હતો. વિનોદ શાહે જણાવ્યું હતું કે, તેમનો વિરોધ “જાડી ચામડીવાળા” અધિકારીઓ સામે છે, જેઓ ગરીબોની દુર્દશા પ્રત્યે ઉદાસીન છે, જેમની પાસેથી નવા મીટરના ઇન્સ્ટોલેશનથી વધુ ચાર્જ લેવામાં આવી રહ્યો છે.

‘સ્માર્ટ મીટર્સ સામેના વિરોધ’ની પૃષ્ઠભૂમિમાં ઊભા રહીને શાહે કહ્યું, ‘સ્માર્ટ મીટર જૂના મીટર કરતાં વધુ ઝડપે ચાલી રહ્યા છે. જ્યારે દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે લોકોને મફતમાં વીજળી આપી, ત્યારે ગુજરાતમાં ભાજપ સરકારે મતદાન પૂર્ણ થતાજ સ્માર્ટ મીટર લગાવ્યા, જેનાથી ગરીબોના પૈસા બરબાદ થઈ રહ્યા, ખાસ કરીને જેમની પાસે સ્માર્ટફોન પણ નથી. અને તેઓ અભણ છે.

MGVCL વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને છોટા ઉદેપુરના સાત જિલ્લાઓમાં રહેણાંક સંકુલોમાં બે વર્ષમાં 33 લાખ મીટર સ્થાપિત કરવા માટે તૈયાર છે. જેમાં વડોદરા શહેરમાં અંદાજે 27,000 સ્માર્ટ મીટર અને આણંદ, પંચમહાલ અને ખેડા જિલ્લામાં લગભગ 5,000 સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે.

એમજીવીસીએલ શું સફાઈ આપ રહી?

એમજીવીસીએલના એમડી પરમારે અગાઉ જણાવ્યું હતું કે, મીટર લગાવવાની કામગીરી સરકારના 2021ના નિયમો મુજબ કરવામાં આવી છે. સાથે કહ્યું કે, સ્માર્ટ મીટરના કારણે ટેરિફ અથવા વધારાના યુનિટમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. MGVCL સ્પષ્ટતા આપી રહી છે કે, સ્માર્ટ મીટર અગાઉના મીટરની જેમ ઇલેક્ટ્રોસ્ટેટિક મેગ્નેટિઝમના સિદ્ધાંત પર જ કામ કરે છે.

DGVCL ‘ગેરસમજણો’ દૂર કરવા જનજાગૃતિ અભિયાન શરૂ કરશે

સુરતમાં, દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ (DGVCL) એ શનિવારે જણાવ્યું હતું કે, તે સ્માર્ટ મીટર વિશે “ભ્રમણાઓ” દૂર કરવા માટે આવતા સપ્તાહથી જનજાગૃતિ અભિયાન શરૂ કરશે.

ડીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર યોગેશ ચૌધરીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “જો ગ્રાહકો વીજ વપરાશના જૂના રેકોર્ડ્સ પર નજર નાખે તો તેઓને ખબર પડશે કે, સ્માર્ટ મીટર લગાવ્યા પછી વીજળી મોંઘી થઈ નથી. જેઓ અમારી પાસે ફરિયાદ લઈને આવ્યા હતા તેઓને તેમના અગાઉના અને તાજેતરના બિલો વિશે જાણ કરવામાં આવી હતી, તેમની મૂંઝવણ દૂર થઈ અને તેઓ સંતુષ્ટ પણ થયા.’

તેમણે જણાવ્યું હતું કે, સ્માર્ટ મીટર અંગેની ગેરસમજો દૂર કરવા અને તેના ફાયદા સમજાવવા DGVCL સુરતમાં જાગૃતિ અભિયાન ચલાવશે.

ચૌધરીએ જણાવ્યું હતું કે, એપ્રિલથી DGVCLએ સુરતમાં સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કર્યું ત્યારથી અત્યાર સુધીમાં 12,000 થી વધુ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. આગામી દોઢ વર્ષમાં 17 થી 18 લાખથી વધુ સ્માર્ટ મીટર લગાવવામાં આવનાર છે.

સ્માર્ટ મીટરના ફાયદાઓ સમજાવતા ચૌધરીએ જણાવ્યું હતું કે, “ક્યારેક માનવીય ભૂલને કારણે ગ્રાહકોને વધારે બીલ આવે છે. સ્માર્ટ મીટરના કિસ્સામાં આવું થશે નહીં. આનાથી ડીજીવીસીએલને વીજળી ચોરી પર નજર રાખવામાં પણ મદદ મળશે.

“આ ઉપરાંત, અમે વિચારીએ છીએ કે, જે એપાર્ટમેન્ટ અથવા સોસાયટીમાં 100 મીટર છે, અમે પહેલા પાંચ સિવાયના તમામને સ્માર્ટ મીટરથી બદલીશું. તેનાથી ગ્રાહકોને બંને પરિસ્થિતિમાં મીટર રીડિંગ સમજવામાં મદદ મળશે. અમે ગ્રાહકોને પેન્ડિંગ બિલની ચુકવણી કરવાની પણ મંજૂરી આપીશું.

આ દરમિયાન, રાજ્યની માલિકીની વીજ વિતરણ કંપની, પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL), જે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ 60 લાખ ગ્રાહકોને વીજળીનું વિતરણ કરે છે, તેણે શનિવારે જણાવ્યું હતું કે, તે 23.66 લાખ સ્માર્ટ મીટર સ્થાપિત કરશે. પ્રથમ તબક્કામાં રૂ. 2,000 કરોડનો ખર્ચ.

પીજીવીસીએલના ચીફ એન્જિનિયર (ટેક્નિકલ) આરજે વાળાએ મીડિયાને જણાવ્યું હતું કે, લગભગ 10,000 સ્માર્ટ મીટર પહેલેથી જ ઇન્સ્ટોલ થઈ ચૂક્યા છે. તેમણે કહ્યું કે, સ્માર્ટ મીટર માત્ર લો-ટેન્શન વીજ જોડાણ ધરાવતા ગ્રાહકો માટે જ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે અને હાલમાં હાઈ-ટેન્શન વીજ કનેક્શન અને કૃષિ કનેક્શન ધરાવતા ગ્રાહકોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવતા નથી.

આ પણ વાંચો – Gujarat Weather Forecast : ગુજરાતમાં આગામી દિવસ ભારે, ગરમી નું મોજુ ફરી વળશે, આ 6 જિલ્લામાં યલો એલર્ટ

વાળા એ પણ સ્પષ્ટ કર્યું કે, PGVCL સ્માર્ટ મીટર લગાવ્યા પછી ગ્રાહકોને બે વાર બિલિંગ કરતું નથી. “આ એક ગેરસમજ છે. અમે ગ્રાહકોને બે-માસિક ચક્ર પર બિલ આપીએ છીએ. જો અમે આ ચક્ર દરમિયાન ગ્રાહકો માટે સ્માર્ટ મીટર સ્થાપિત કરીએ છીએ, તો અમે આ ચક્રમાં પહેલાથી જ આવરી લેવામાં આવેલા સમયગાળા માટે ગ્રાહકોને બિલ આપીએ છીએ અને અત્યાર સુધી વપરાશમાં લેવાયેલી વીજળીની રકમ માટે પોસ્ટ-પેડ મોડમાં ચાર્જ કરીએ છીએ. ત્યારબાદ ગ્રાહકોએ નવા મીટર માટે એકાઉન્ટ રિચાર્જ કરવું પડશે. તેથી, ત્યાં કોઈ ડબલ બિલિંગ નથી”.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ