ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ઉગ્ર શાબ્દીક યુદ્ધ ચાલી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ શુક્રવારે સવારે ગુજરાત AAP પ્રમુખ ગોપાલ ઈટાલિયા દ્વારા PM મોદીની માતા વિશે આપેલા નિવેદનને લઈને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે કોઈની પણ માતાનું અપમાન કરવાનો અધિકાર કોઈને નથી.
અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, “અરવિંદ કેજરીવાલના આશીર્વાદથી ગુજરાતમાં AAP નેતૃત્વએ PMની 100 વર્ષીય માતા પર દુર્ભાવનાપૂર્ણ હુમલો કર્યો. કેજરીવાલનું પતન નવી ઊંચાઈએ પહોંચે તેમાં નવાઈ નથી. તેમનો ગુનો માત્ર એટલો જ છે કે તેમણે નરેન્દ્ર મોદીને જન્મ આપ્યો. તમારા નેતાઓ અને કાર્યકરો તેમને સજા આપવા અને તેમની સાથે દુર્વ્યવહાર કરવા માંગે છે.”
સ્મૃતિ ઈરાનીએ કહ્યું, “હું અરવિંદ કેજરીવાલ જીને બે શબ્દો સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની રાજકીય હાર આગામી ચૂંટણીમાં થવાની છે. હું આજે અરવિંદ કેજરીવાલજીને કહેવા માંગુ છું કે, આક્રોશ વ્યક્ત કરવા માટે શબ્દો ઓછા પડે છે, પરંતુ ગુજરાત અને ગુજરાતીઓએ પ્રતિજ્ઞા લીધી છે કે તેઓ આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો નાશ કરશે. AAP નેતાએ પીએમ મોદીની 100 વર્ષની માતાનું અપમાન કર્યું કારણ કે તે પોતાનું રાજકારણ ચમકાવવા માંગે છે. ગુજરાત અને ગુજરાતીઓએ પ્રતિજ્ઞા લીધી છે કે તેઓ આગામી ચૂંટણીમાં AAP પાર્ટીને તોડી પાડશે.