ખેડાઃ ખેડા જિલ્લામાં સોમવારે રાત્રે એક ગરબા કાર્યક્રમમાં પથ્થરમારો કરવાના આરોપમાં કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી. જોકે, ગરબા કાર્યક્રમમાં પથ્થરમારો કરવાના આરોપીમાં પોલીસે આરોપીઓને કથિત રીતે જાહેરમાં બાંધીને મારવાનો વીડિયો વાયરલ થયો છે. ત્યારબાદ વિવાદ વધ્યો હતો. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે સાદા કપડામાં રહેલી પોલીસે થાંભલા સાથે બાંધીને યુવકને માર માર્યો હતો.
વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસકર્મીઓના કહેવા પર આરોપીએ ઘટના સ્થળે હાજર લોકોની હાથ જોડીને માંફી માંગી હતી. આ દરમિયાન ભીડ પણ જય જય કાર લગાવતી દેખાય છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા ઉપર પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ સમગ્ર મામલામાં પોલીસની કાર્યવાહી ઉપર વિપક્ષે પણ સરકાર સામે સવાલો ઊભા કર્યા છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આશરે 150 લોકોની ભીડે સોમવાર રાત્રે ઉંઘેલા ગામમાં એક મંદિર પરિસરમાં ગરબા કરી રહેલા લોકો ઉપર પથ્થરમારો કર્યો હતો. પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.આર. બાજપેયીના જણાવ્યા પ્રમાણે માતર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ 13 લોકોની અટકાયત કરવામાં આવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઘટના પછી ગામમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે ગામના સરપંચે ગરબાનું આયોજન કર્યું હતું અને ચોક્કસ સમુદાયના લોકોની ભીડે આ આયોજનને રોકવાની કોશિશ કરી હતી.
ગામના સરપંચ ઇન્દ્રવદન પટેલે અમારા સહયોગી ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, ”પોલીસે 43 આરોપી પૈકી 10ની અટકાયત કરી છે. જ્યાં ગરબાનું આયોજન થયું હતું ત્યાં આરોપીઓને લઈને પોલીસ પહોંચી હતી. આ સ્થળ ઉપર જ પોલીસે આરોપીઓને સજા આપી હતી. પોલીસે પુષ્ટી કરી છે કે સોમવારની રાત્રે ગરબાના આયોજનમાં ખલેલ પહોંચાડનારા બધા આરોપીઓ મુસ્લિમ સમુદાયના છે.”
શું બની હતી ઘટના?
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગામના વડાએ નવરાત્રીના તહેવાર દરમિયાન ગરબાનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ ગામની મધ્યમાં આવેલા મંદિર પાસે યોજાયો હતો. તેની નજીક એક મસ્જિદ પણ છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ પણ ભાગ લીધો હતો. આ દરમિયાન અન્ય સમુદાયના કેટલાક લોકો ત્યાં પહોંચ્યા અને લોકોને કાર્યક્રમ રોકવા માટે કહ્યું. આ પછી એક જૂથના લોકોએ પથ્થરમારો શરૂ કર્યો.
આ પણ વાંચો – આણંદ: ગરબા રમતા-રમતા 21 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, VIDEO વાયરલ
ઘટનાની જાણ થતાં ખેડા જિલ્લાના ડીએસપી રાજેશ ગઢિયા અને જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ડીએસપીએ કહ્યું કે, આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે ગત રાત્રીના બનાવથી ગામમાં વાતાવરણ ડહોળાયું છે, જેના કારણે ફરીથી તંગદિલીનો માહોલ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને જરૂરી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.