ગુજરાતના ખેડામાં નવરાત્રી દરમિયાન ગરબા સમયે પથ્થરમારો (stone pelting) થતાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. આ પથ્થરમારામાં 6 લોકો ઘાયલ થયા છે. પોલીસનું કહેવું છે કે, એક જૂથે પથ્થરમારો શરૂ કર્યો હતો.
સોમવારે (3 ઓક્ટોબર, 2022), ખેડાના ઉંધેલા ખાતે નવરાત્રી ઉત્સવ દરમિયાન લોકોના એક જૂથે પથ્થરમારો કર્યો હતો, જેના કારણે વાતાવરણમાં તંગદિલી સર્જાઈ હતી. આ ઘટનામાં 6 લોકો ઘાયલ થયા છે. ખેડાના ડીએસપીએ કહ્યું કે, જે જૂથે પથ્થરમારો કર્યો તે આરીફ અને ઝહીર નામના બે વ્યક્તિઓ ચલાવે છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગામના વડાએ નવરાત્રીના તહેવાર દરમિયાન ગરબાનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ ગામની મધ્યમાં આવેલા મંદિર પાસે યોજાયો હતો. તેની નજીક એક મસ્જિદ પણ છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ પણ ભાગ લીધો હતો. આ દરમિયાન અન્ય સમુદાયના કેટલાક લોકો ત્યાં પહોંચ્યા અને લોકોને કાર્યક્રમ રોકવા માટે કહ્યું. આ પછી એક જૂથના લોકોએ પથ્થરમારો શરૂ કર્યો.
ઘટનાની જાણ થતાં ખેડા જિલ્લાના ડીએસપી રાજેશ ગઢિયા અને જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ડીએસપીએ કહ્યું કે, આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે ગત રાત્રીના બનાવથી ગામમાં વાતાવરણ ડહોળાયું છે, જેના કારણે ફરીથી તંગદિલીનો માહોલ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને જરૂરી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો – આણંદ: ગરબા રમતા-રમતા 21 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, VIDEO વાયરલ
અગાઉ વડોદરામાં પણ ગરબા દરમિયાન આવી ઘટના સામે આવી હતી. અહીં બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જે બાદ તણાવનું વાતાવરણ સર્જાયું હતું. આ ઘટના સાવલીમાં બની હતી, જ્યાં બે જૂથના લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. આ અંગેની માહિતી મળતાં પોલીસે અનેક લોકોને કસ્ટડીમાં લીધા હતા અને વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો હતો.