Kheralu Ram Yatra Stone pelting : અયોધ્યા રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22મી જાન્યુઆરી યોજાશે. દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઠેર -ઠેર રામયાત્રા અને શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. આ દરમિયાન મહેસાણાના ખેરાલુમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ સંધ્યાએ પણ રામયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા દરમિયાન ખેરાલુ હાટડીયા વિસ્તારમાં શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના સામે આવી છે.
શોભાયાત્રા બજારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ધાબા પર રહેલા કેટલાક લોકો દ્વારા યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. વીડિયોમાં કેટલીક મહિલાઓ પણ પથ્થરમારો કરતી જોવા મળે છે.
પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. હાલ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઉતારી દેવામાં આવ્યો છે અને સ્થિતિને કાબૂમાં લઈ લેવામાં આવી છે. આ ઘટના પછી 15 શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી હતી, જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે પુષ્ટિ કરી છે કે જમીન પરની પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને શાંતિ સ્થાપિત કરવામાં આવી છે.
આ પણ વાંચો – અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સાથે જોડાયેલા તમારા દરેક સવાલોના જવાબ
મહેસાણાના ખેરાલુ રામ યાત્રા પર પથ્થરમારા બાદ પોલીસ બંદોબસ્ત સાથે ફરી યાત્રા નીકળી હતી. ધારાસભ્ય સરદાર ચૌધરી યાત્રામાં જોડાયા હતા. મોટી સંખ્યામાં રામ ભક્તો પણ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા.
થોડા દિવસ પહેલા મધ્ય પ્રદેશમાં પણ આવી જ એક ઘટના બની હતી, જ્યારે માહોલ બગાડવા માટે ભગવાન રામના પોસ્ટર સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આરોપી યુવકે તે ઘટનાનો વીડિયો પણ બનાવી લીધો હતો. બાદમાં પોલીસે તેની ધરપકડ કરી હતી અને આ કેસની હજુ તપાસ ચાલી રહી છે