સુરતથી અયોધ્યા જતી આસ્થા વિશેષ ટ્રેન પર રવિવારે રાત્રે મહારાષ્ટ્રના નંદુરબાર પાસે કથિત રીતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈને ઈજા થવાના સમાચાર નથી. આ મામલે રેલવે પોલીસે અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધી છે.
કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી અને સુરતના ભાજપના સાંસદ દર્શના જર્દોષે રવિવારે સુરતથી આસ્થા સ્પેશિયલ ટ્રેન (09053)ને લીલી ઝંડી બતાવી હતી. સૂત્રોએ જણાવ્યું કે, ટ્રેનના 22 કોચમાં 1,344 મુસાફરો હતા.
ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, જર્દોશે કહ્યું, “અમને આસ્થા સ્પેશિયલ ટ્રેન પર પથ્થરમારાની ઘટનાની જાણ થઈ છે અને પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. આ ટ્રેન VHP અને સુરતના રામ પ્રતિષ્ઠા કાર્યકરો માટે આરક્ષિત હતી.
સુરત રેલ્વે સ્ટેશનથી રાત્રે 8 વાગે ટ્રેન નીકળી હતી અને લગભગ 10.45 કલાકે જ્યારે ટ્રેન નંદુરબાર રેલ્વે સ્ટેશન નજીક હતી ત્યારે મુસાફરોને લાગ્યું કે, કેટલાક બદમાશો પથ્થરમારો કરી રહ્યા છે. મુસાફરોએ તરત જ રેલવે પોલીસ ફોર્સ (RPF) ના અધિકારીઓને ઘટના અંગે જાણ કરી હતી.
આ પણ વાંચો – BAPS હિંદુ મંદિર, અબુ ધાબી – પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ : જાણો પૂરો કાર્યક્રમ, લાઈવ ક્યાં જોઈ શકશો?
ટ્રેન મહારાષ્ટ્રના નંદુરબાર રેલવે સ્ટેશન પર રોકાઈ હતી, જ્યાં આરપીએફની ટીમોએ મુસાફરોના નિવેદનો નોંધ્યા હતા. બાદમાં ટ્રેનને ફરી અયોધ્યા જવાની મંજૂરી આપવામાં આવી હતી
સુરતના આસિસ્ટન્ટ સિક્યુરિટી કમિશનર (RPF) TS બેનર્જીએ જણાવ્યું હતું કે, “અમને ગઈકાલે રાત્રે સુરતથી નીકળેલી આસ્થા ટ્રેન પર પથ્થરમારાની ઘટના વિશે માહિતી મળી છે… નંદુરબાર RPF અધિકારીઓ તપાસ કરી રહ્યા છે અને અમે તેમની પાસેથી માહિતી મેળવી રહ્યા છીએ.”





