Surat Builder Alleged kidnapping Case : સુરતના એક બિલ્ડરે ભાજપના કાઉન્સિલર સહિત પાંચ લોકો પર કથિત રીતે અપહરણ કરી, ધમકી અને બળજબરી પૂર્વક 66.80 લાખના આઠ ચેક પર સહી કરાવવાનો આરોપ લગાવ્યો છે.
ફરિયાદી પ્રમોદ ગુપ્તાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, વોર્ડ નંબર 26 (ડિંડોલી ઉત્તર) બીજેપી કાઉન્સિલર અમિત સિંહ રાજપૂત અને અન્ય બે જેઓ ભાજપ પાર્ટીના કાઉન્સિલરોના પતિ છે તેમની વિરુદ્ધ ફરિયાદ અને એફઆઈઆર નોંધવાની તેમની વિનંતીને પોલીસ અવગણી હતી.
ગુપ્તાએ સોમવારે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતને અરજી આપીને અમિત, બબલુ રાજપૂત ઉર્ફે હરકેશ સિંહ રાજપૂત અને મનસુખ બલદાનિયા વિરુદ્ધ ફરિયાદ નોંધવા વિનંતી કરી હતી. બબલુ અને બલદાણિયા ભાજપના કાઉન્સિલર નિરાલાબેન રાજપૂત અને વર્ષાબેન બલદાણિયાના પતિ છે.
કાનપુરના રહેવાસી ગુપ્તાએ 2023માં સુરતના ડિંડોલી વિસ્તારમાં રાધા માધવ ટેક્સટાઈલ માર્કેટ બનાવ્યું હતુ. પોલીસ કમિશનરને આપેલી ફરિયાદ મુજબ, ગુપ્તાએ એવો આક્ષેપ કર્યો હતો કે, તેણે સુરતના સુમિત ગોએન્કા સાથે પલસાણામાં 16 વીઘા જમીનના બદલામાં માર્કેટ કોમ્પ્લેક્સમાં દુકાનો ફાળવવાનો કરાર કર્યો હતો.
ગોએન્કાએ કથિત રીતે આ ડીલની ડાયરીમાં એન્ટ્રી કરી હતી. બાદમાં, ગોએન્કાએ જુદા જુદા કારણો દર્શાવ્યા હોવાથી અમારા વચ્ચેનો સોદો સાકાર થયો ન હતો. જોકે, તેણે પોતાની પાસે ડાયરી રાખી મુકી હતી. ત્યારબાદ કેટલાક અન્ય લોકોએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવ્યા બાદ આખરે ગોએન્કા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.
અરજી અનુસાર, અમિત, બબલુ, બલદાનિયા અને તેમના સહયોગી રિંકુ અને પિન્ટુ ડાયરી સાથે ગુપ્તાની ઓફિસે પહોંચ્યા અને સોદા પર સહી કરવાની ધમકી આપી. ગુપ્તાએ સ્પષ્ટતા કરી હતી કે, તે જમીનનો સોદો રદ કરવામાં આવ્યો છે. બાદમાં અમિતે ગુપ્તાનું અપહરણ કર્યું હતું અને તેને તેની ઓફિસમાં લઈ ગયા હતા અને તેની સાથે મારપીટ કરી હતી. આટલું જ નહીં કથિત અપહરકર્તાઓએ ગુપ્તાને 66.80 લાખ રૂપિયાના આઠ ચેક પર સહી કરવા દબાણ કર્યું અને 1.20 લાખ રૂપિયાની રોકડ પણ લીધી. બાદમાં રાત્રે તેને છોડી મુકવામાં આવ્યો હતો.
શનિવારે, ગુપ્તા અને તેમના વકીલ વિલાસ પાટીલે ગોડાદરા પોલીસનો સંપર્ક કરીને અમિત અને અન્યો વિરુદ્ધ FIR નોંધાવવા પ્રયત્ન કર્યો હતો. તેમણે ગોડાદરા પોલીસ ઈન્સ્પેક્ટર એચ.એસ. આચાર્યને તે માર્કેટના સીસીટીવી ફૂટેજ પણ બતાવ્યા, જ્યાંથી તેમનું અપહરણ થયું હતું. જોકે, ગુપ્તાની અરજીમાં આરોપ છે કે, પીઆઈ આચાર્યએ તો પણ ગુનો નોંધ્યો નથી. બિલ્ડરનો આરોપ છે કે, “પોલીસ જાણીજોઈને અમિત રાજપૂત અને અન્ય લોકો સામે ગુનો નોંધી રહી નથી, કારણ કે તેઓ બધા હાઈ-પ્રોફાઈલ લોકો છે.
સુમિત ગોએન્કા સાથેનો જમીનનો સોદો રદ થયો હતો અને બાદમાં તે ભૂગર્ભમાં જતો રહ્યો હતો અને મારા માર્કેટની 90 દુકાનોની ડાયરીઓ તેની પાસે હતી. અમિત અને બબલુને તેમાંથી નવ ડાયરી મળી હતી અને દસ્તાવેજો પર સહી કરવા અને દુકાનનો કબજો લેવા મારી પાસે આવ્યા હતા, જેની મેં ના પાડી હતી.
ગુપ્તાએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, જો આરોપીઓ સામે કોઈ પોલીસ FIR નોંધવામાં નહીં આવે, તો અમે ગુજરાત હાઈકોર્ટમાં જઈશું.” તો અમિત સિંહનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો.
તો પીઆઈ આચાર્યએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતુ કે, “શનિવારે વકીલ અને ગુપ્તા આવ્યા અને અમને જાણવા મળ્યું કે, અપહરણ પાછળ પૈસાનો વિવાદ હતો. ગુપ્તા કેટલાક યુવકો સાથે તેમની ઓફિસમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. તે ટેકનિકલ બાબત હોવાથી અમે તેમને રાહ જોવાનું કહ્યું કારણ કે ગુનો નોંધતા પહેલા તેની તપાસ કરવાની જરૂર છે. તેઓએ (ગુપ્તા અને પાટીલ) માંગ કરી હતી કે પહેલા ગુનો નોંધવામાં આવે.
તેમણે કહ્યું કે રવિવારે ગુપ્તાની અરજી મળ્યા બાદ પોલીસે તેને ઝોન 2ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ભગીરથ ગઢવીને મોકલી હતી. સોમવારે અરજીની તપાસ મદદનીશ પોલીસ કમિશનર (ડી ડિવિઝન) વી.એમ.જાડેજાને સોંપવામાં આવી હતી.





