Surat Suicide : સુરત સહિત રાજ્યભરમાં આપઘાતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. કોઈ આર્થિક, તો કોઈ શારીરિક તો કોઈ માનસિક સ્થિતિથી પરેશાન થઈ જીવન ટુંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. સુરતના સરથાણા 2 પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રત્ન કલાકાર પરિવારે ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો, જેમાં પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે, તો એકની હાલત હજુ ગંભીર છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના સરથાણા વિસ્તારમાં યોગી ચોક વિસ્તારમાં વિજય નગર સોસાયટીમાં રહેતા વિનુભાઈ મોરડીયા સહિત તેમની પત્ની, પુત્રી અને પુત્ર એમ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી લીધી હતી, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ પુત્રી, પુત્ર અને પત્ની ત્રણના મોત નિપજ્યા છે, જ્યારે વિનુભાઈ મોરડિયાની સારવાર ચાલી રહી છે, જેઓ હજુ બેભાન અવસ્થામાં છે.
સુરતત સરથાણા પોલીસ સ્ટેશન – 2 પીઆઈ કે. એ. ચાવડાએ ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, યોગી ચોક વિસ્તારમાં દાતાર હોટલ પાસે નહેર નજીક સીમાડા કેનાલ પાસે એક પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે એકની સારવાર ચાલી રહી છે. મૃતકોમાં શારદાબેન (પત્ની), પુત્ર (ક્રિશ) અને પુત્રી (સેનિતા)નો સમાવેશ થાય છે, જ્યારે વિનુભાઈ મોરડિયા (પિતા)ની હાલત હજુ ક્રિટિકલ હોવાથી તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ, વિનુભાઈ મોરડિયા રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા, હાલમાં હીરાના કામમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે, જેને પગલે પરિવાર આર્થિક સંક઼ળામણનો સામનો કરી રહ્યો હતો, જેને પગલે પરિવારે આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો – હાલોલ ટ્રેનની હડફેટે મોત મામલે ચોંકાવનારો ખુલાસો, પત્નીએ પ્રેમી સાથે મળી કરી પતિની હત્યા
આપઘાતનો પ્રયાસ કરનાર પરિવાર મૂળ ભાવનગરના સિહોર તાલુકાના વતની હોવાનુ સામે આવ્યું છે, અને છેલ્લા ચાર-પાંચ વર્ષથી સુરત શિફ્ટ થયા હતા. પિતા રત્ન કલાકાર હતા, જ્યારે માતા અને પુત્રી ઘરે લેથનું કામ કરી પોતાનું જીવન ચલાવી રહ્યા હતા, જ્યારે પુત્રએ હમણાં જ 12મા ધોરણની પરીક્ષા આપી હતી. પોલીસે મોતનું કારણ જાણવા તપાસ શરૂ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી.





