Aaj Nu Havaman, Surat Rain Forecast Update, સુરત ભારે વરસાદ : ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ આજે સોમવારે સવારથી જ સુરત શહેર અને જિલ્લામાં ધબધબાટી બોલાવવાનું શરૂં કરી દીધું છે. વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને સુરત શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. સુરત શહેરમાં સવારના ચાર કલાકમાં 5.67 ઈંચ વરસાદ ખાબક્યો છે. હજી પણ વરસાદ ચાલું છે.
સુરત શહેરમાં ચાર કલાકમાં 7.24 ઈંચ વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 23 જૂન 2025, સોમવાર સવારે 8 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં ચાર કલાકમાં સુરત શહેરમાં 7.24 ઈંચ વરસાદ ખાબક્યો હતો. 8થી 12 વાગ્યા સુધીમાં વરસાદનું જોર વધતાં સુરત આખું પાણી પાણી થયું હતું. અંડર પાસ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાાયા હતા.
તાપી નદી પરનો વીયર કમ કોઝવે બંધ કરાયો
મળતી માહિતી પ્રમાણે સુરત શહેરમાં બપોરના 12 વાગ્યા સુધીમાં નોંધાયેલા 7.5 ઈંચ વરસાદને પગલે તાપી નદી પરનો વીયર કમ કોઝવે વાહનચાલકો માટે બંધ કરાયો છે. ભારે વરસાદને કારણે તાપી નદીમાં નવા પાણીની આવક થઈ રહી છે. લોકોની અવર-જવર ન થાય તેના માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. શહેરમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે.

સવારના ચાર કલાકમાં રાજ્યના 60 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 23 જૂન 2025, સોમવાર સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં ચાર કલાકમાં રાજ્યના 60 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધારે વરસાદ સુરત જિલ્લામાં જોવા મળ્યો હતો. સુરત શહેર, કામરજે, માંડવી, ચોરાસી, ઓલપાડ સહિતના તાલુકામાં વરસાદ પડ્યો હતો.
આ પણ વાંચોઃ- ગુજરાતમાં મજબૂત ચોમાસાની સિસ્ટમ બની, આગામી 2 દિવસ મેઘરાજા આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે
બનાસકાંઠા સહિત રાજ્યના 10 જિલ્લામાં વરસાદની રેડ એલર્ટ
ગુજરાતમાં ચોમાસું જામવા લાગ્યું છે ત્યારે હવામાન વિભાગે 10 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આજે સોમવારે આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગ પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા તેમજ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.





