Surat Crime : સુરતમાં એક હીરાના વેપારીએ પોતાના સગીર પુત્ર પર ચોરીની ફરિયાદ નોંધાવી હોવાની ઘટના સામે આવી છે. સુરતની સરથાણા પોલીસે હીરાના વેપારીના પુત્ર સામે છેલ્લા ચાર મહિનામાં તેના જ ઘરમાંથી રૂ. 52 લાખની કિંમતના પોલિશ્ડ હીરાની ચોરી કરવા બદલ, તથા રૂ. 24,500 માં વેચી અને આઈફોન ખરીદવા બદલ ગુનો નોંધ્યો છે.
મૂળ અમરેલીના વતની, વેપારી કાળુભાઈ કથીરીયા માતાવાડીમાં હીરાનું કારખાનું ચલાવે છે અને તેમની પત્ની અને બે પુત્રો સાથે સિમાડા ખાતે રહે છે. કથેરિયાએ તેમની ફરિયાદમાં તેમના સૌથી નાના પુત્ર સ્મિથ (16) પર ચોરીનો આરોપ મૂક્યો છે, જે ધોરણ XI નો વિદ્યાર્થી છે. તેમણે ફરિયાદમાં પુત્ર પાસેથી હીરા ખરીદનારા લોકોના નામ પણ આપ્યા છે.
પોલીસે જણાવ્યું કે, કથેરિયાનો આરોપ છે કે, છેલ્લા છ મહિનાથી હીરા ઉદ્યોગમાં મંદીના કારણે તેઓ ઘરે હતા. તેમણે 52 લાખ રૂપિયાની કિંમતના 269 કેરેટ વજનના પોલિશ્ડ હીરાના છ પેકેટ તેમના બેડરૂમમાં કબાટમાં રાખ્યા હતા.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, “લગભગ 15 દિવસ પહેલા, જ્યારે કથેરિયાએ હીરા વેચવાનું નક્કી કર્યું, ત્યારે તે કબાટમાંથી ગાયબ હતા. જ્યારે તેમણે તેના પરિવારના સભ્યોની પૂછપરછ કરી, ત્યારે સ્મિથે હીરાની ચોરી કર્યાની કબૂલાત કરી અને આઈફોન ખરીદવા માટે તેને રૂ. 24,500માં અલગ-અલગ વ્યક્તિઓને વેચી દીધા હોવાનું જણાવ્યું.”
આ પણ વાંચો – Surat Railway Station Stampede : સુરત રેલવે સ્ટેશન પર નાસભાગ, મુસાફરો દિવાળીએ ઘરે જવા ટ્રેન પકડવા દોડ્યા, 1 નું મોત
સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર વીએલ પટેલે જણાવ્યું હતું કે, “અમે કથેરિયાના નિવેદનના આધારે કેસ દાખલ કર્યો છે. અમે એવા લોકોને શોધી રહ્યા છીએ જેમણે હીરા ખરીદ્યા હતા.”





