ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના એક ગામમાં એક કૃષિ ફાર્મ પર પોલીસે દરોડો પાડી કથિત રીતે બંધક બનાવેલ મજૂરને છોડાવ્યા. તમને જણાવી દઈએ કે, બે મજૂરોને બંધક બનાવીને તેમની પાસે કૂવો ખોદવાની ફરજ પાડવામાં આવી હતી. પોલીસે મંગળવારે ખેતરના માલિક અને તેના ભાગીદારની ધરપકડ કરવામાં આવી હતી.
આ ઘટના ખાખરાલી ગામમાં બની હતી, જ્યાં એક દલિત સહિત ચાર માણસોને કથિત રીતે કૂવો ખોદવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. જ્યારે તેઓએ તેમ કરવાની અનિચ્છા દર્શાવી હતી, ત્યારે ખેતર માલિકે કથિત રીતે તેમને કેદમાં રાખી દીધા હતા, અને તેઓ ભાગી ન જાય તે માટે રાત્રે મોટરબાઈક સાથે સાંકળે બાંધવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) ગિરીશ પંડ્યાએ જણાવ્યું હતું કે, મંગળવારે સવારે ખેડૂત વનરાજ ગોવાલિયા અને તેના ભાગીદાર અલ્લાનુર કાથટની ઔપચારિક ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય દંડ સંહિતા (આઈપીસી) અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલા બંનેની સોમવારે થાનગઢ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયા બાદ પોલીસે અટકાયત લીધી હતી.
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠવડલા ગામના વતની મુકેશ રાઠોડ (34) નામના દલિત દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે FIR દાખલ કરવામાં આવી હતી.
એફઆઈઆર મુજબ, મુકેશ રાઠોડ 24 સપ્ટેમ્બરના રોજ કામની શોધમાં રાજકોટ આવ્યો હતો. 26 સપ્ટેમ્બરના રોજ સાંજે તે રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે હતો, ત્યારે એક સીએનજી રિક્ષા ચાલકે પોતાની ઓળખ ‘રાજુભાઈ’ તરીકે આપી હતી. રહેવા-જમવાની સગવડ સાથે 500 રૂપિયા પ્રતિ દિવસ આપવાનું કહ્યું હતું. રાઠોડે જણાવ્યું હતું કે, તે રાજુની ઓટો-રિક્ષામાં ચડી ગયો હતો અને તેને, વાહનમાં અન્ય ત્રણ માણસો સાથે, જેમની ઓળખ રવિ ભાદુરિયા, વિનોદ અને રાજુ તરીકે થઈ હતી, આ બધાને ખાખરાલી લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને કાથટ દ્વારા આવકારવામાં આવ્યા હતા.
તેમની ફરિયાદમાં રાઠોડે જણાવ્યું હતું કે, 27 સપ્ટેમ્બરે કોલસાની ખાણ માટે કૂવો ખોદ્યા બાદ ચારેય મજૂરોએ કથટને કહ્યું કે, તેઓને આ કામ પસંદ ન હોવાથી તેઓ ત્યાંથી જવા માગે છે. જો કે, એફઆઈઆર મુજબ, કથતે તેમને કહ્યું કે, તેમણે રાજુભાઈને દરેકને નોકરી પર રાખવા માટે રૂ. 2,500 ચૂકવ્યા છે અને જો તેઓ તેમને રૂ. 2,500 ચૂકવે, તો તેઓ મુક્ત છે. જ્યારે મજૂરોએ કહ્યું કે, તેમની પાસે પૈસા નથી, ત્યારે કથટે તેમને કથિત રીતે કહ્યું કે, તેઓને જવા દેવામાં આવે તે પહેલાં તેમણે ફી આપી એટલું કામ કરવું પડશે.
એફઆઈઆરમાં કહેવાયું છે કે, કાથટે તેમને રાત્રે લોખંડની સાંકળોની મદદથી મોટરબાઈક સાથે બાંધી દીધા હતા અને જ્યારે તેઓ કુદરતી હાજત માટે બહાર ગયા હતા ત્યારે પણ તેમની સાથે જ રહ્યા હતા. જોકે, 28 અને 29 સપ્ટેમ્બરની વચ્ચેની રાત્રે ભાદુરિયા અને વિનોદ ભાગી જવામાં સફળ રહ્યા હતા. ભાદુરિયાએ લગભગ 12 કિમી દૂર થાનગઢ પોલીસ સ્ટેશનનો રસ્તો કાઢ્યો અને પોલીસને કથિત ખોટી રીતે ગોંધી રાખવાની જાણ કરી. થાનગઢ પોલીસની ટીમે સોમવારે સવારે 5 વાગ્યે ગોવાલિયાના ખેતરમાં દરોડો પાડ્યો હતો અને રાઠોડ અને રાજુને પણ બચાવ્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
એસપી પંડ્યાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “ચારેયને ચાર દિવસ પહેલા એક લેબર કોન્ટ્રાક્ટર દ્વારા સપ્લાય કરવામાં આવ્યા હતા અને તેમને દૈનિક ફિક્સ વેતનનું વચન આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ કહી રહ્યા છે કે, તેઓને તેમની ઇચ્છા વિરુદ્ધ કામ કરવા દબાણ કરવામાં આવ્યું હતું અને કોલસાના ખાણ માટે ખેતરમાં ખોટી રીતે ગોંધી રાખવામાં આવ્યા હતા. અમે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે સીએનજી ઓટો-રિક્ષાના ડ્રાઈવર રાજુભાઈ હજુ પણ ફરાર છે.”
એસપીએ ઉમેર્યું હતું કે, પોલીસે આ કેસના સંદર્ભમાં ગુજરાત ખાણ અને ખનીજ વિભાગને પત્ર લખ્યો છે.
સુરેન્દ્રનગરના ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક (SC-ST સેલ) વિશ્વરાજ જાડેજાએ જણાવ્યું હતું કે, જે જમીન પર મજૂરોને કૂવો ખોદવાનું કહેવામાં આવ્યો હતો, તે જમીન ગોવાલિયાની છે. “જ્યારે ચારને ખેતીની જમીન પર કૂવો ખોદવાનું કહેવામાં આવ્યું હતું, ત્યારે વાસ્તવમાં કાર્બોસેલના ગેરકાયદેસર ખાણકામ માટે કૂવો ખોદવામાં આવી રહ્યો હતો.” જાડેજાએ જણાવ્યું હતું કે, ગેરકાયદે કોલસા ખાણકામના પ્રયાસમાં કાથત ગોવાલિયાનો ભાગીદાર હતો.
ગોવાલિયા, કાથટ અને રાજુભાઈ સામે કલમ 323 (સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી), 343 (ત્રણ કે તેથી વધુ દિવસ માટે ખોટી રીતે કેદ), 504 (શાંતિનો ભંગ કરવા ઉશ્કેરવાના ઈરાદાથી અપમાન), 506(2) (ગુનાહિત ધાકધમકી) અને 114 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ (અપરાધ થાય ત્યારે હાજર રહેનાર) પણ ગુનો નોંધાયો છે.





