Accident in Gujarat : ગુજરાતમાં આજનો ગુરુવારનો દિવસ ખરાબ સાબિત થયો હતો. કાણકે ગુજરાતમાં અકસ્માતોની વણઝાર સર્જાઈ હતી. અલગ અલગ ત્રણ જગ્યાએ થયેલા અકસ્માતોમાં કુલ 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતોની વાત કરીએ તો પાટણના સમી-રાધનપુર હાઈવે પર બસ અને રીક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત થયો હતો. જેમાં 6 લોકોના મોત થયા હતા. જ્યારે મોરબીના અણીયાળી ટોલનાકા નજીક બોલેરો પીક-અપ પલટી જતાં બેના મોત અને 12થી વધારે લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત હિંમતનગર-શામળાજી હાઈવે પર પીક-અપ વાને બાઈક પર જતા દંપતીને ફંગોળ્યું હતું જેમાં પત્નીનું મોત નીપજ્યું હતું.
રાધનપુર હાઈવે પર બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત, 6ના મોત
મળતી માહિતી પ્રમાણે પાટણ જિલ્લાના સમી રાધનપુર હાઈવે ઉપર આજે વહેલી સવારે હિંમતનગરથી માતાના મઢે દર્શન કરવા રીક્ષામાં જઇ રહેલા શ્રદ્ધાળુને સમી-રાધનપુર હાઇવે પર અકસ્માત નડ્યો હતો. સમી નજીક આવેલી હોટલ પાસે બસે રીક્ષાને અડફેટે લેતાં રીક્ષાનો કચ્ચરણખાણ વળી ગયો હતો અને રીક્ષામાં સવાર તમામ 6 શ્રદ્ધાળુઓના મોત નીપજયા છે.અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.
અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને એમ્બુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે રીક્ષાનો ભુક્કો બોલાઈ ગયો હતો અને મૃતદેહો એકબીજા સાથે ચોંટી ગયા હતા. સ્થાનિક પોલીસે ઘટના સ્થળે આવીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
મોરબીના અણીયાળી ટોલનાકા નજીક બોલેરો પીક-અપ પલટી
અન્ય એક અકસ્માતની વાત કરીએ તો આ અકસ્માતમાં મોરબીના માળિયાના અણિયાળી ટોલનાકા નજીક બોલેરો પીકઅપ પલટી ગઈ હતી. બોલેરોમાં 15 કરતા વધુ મુસાફરો બેઠા હતા અને આ દરમિયાન ડ્રાઈવરે અચાનક સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બોલેરો પીકઅપ પલટી મારી ગઈ હતી. જેમાં દંપતિના મોત થયા છે અને 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે બોલેરો ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શામળાજી હાઈવે પર પીક-અપ વાને બાઈકને ટક્કર મારતા પત્નીનું મોત
હિંમતનગર-શામળાજી નેશનલ હાઇવે પર કાંકણોલ સ્વામીનારાયણ મંદિર નજીકથી એક દંપતી બાઇક પર સવાર હતું. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા પીકઅપ વાહને બાઇકને ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બંને દંપતી ફંગોળાઈને જમીન પર પટકાયા હતાં. અકસ્માતમાં પત્નીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું અને પતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
વધુ મળતી માહિતી પ્રમાણે અકસ્માત બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતાં અને તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે, એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ પત્નીએ પતિની સામે દમ તોડી દીધો હતો. હાલ, પતિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને પત્નીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.