Times Now- ETG Opinion Poll: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. આ દરમિયાન, સત્તાધારી ભાજપ અને વિપક્ષી પાર્ટીઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. તમામ રાજકીય પક્ષો જનતાનું સમર્થન મેળવવા જોરશોરથી રેલીઓ અને જાહેર સભાઓ કરી રહ્યા છે, સાથે મોરબી દુર્ઘટનાને પગલે ભાજપ પર આક્ષેપ કરી રહ્યા છે. કયા પક્ષનો આધાર કેટલો મજબુત છે તે તો પરિણામો આવ્યા બાદ જ ખબર પડશે, પરંતુ ટીવી ચેનલો જનતાનો અભિપ્રાય જાણવા અનેક મુદ્દાઓ પર સીધો સર્વે કરીને જનતાનો મૂડ જણાવી રહી છે. તાજેતરમાં ગુજરાતમાં મોરબી બ્રિજ અકસ્માતમાં 135 લોકોના મોત થયા હતા. ચૂંટણીમાં પણ તેની અસર પણ ચોક્કસ માનવામાં આવી રહી છે.
ટાઈમ્સ નાઉ-ઈટીજી ઓપિનિયન પોલમાં જ્યારે લોકોને આ અંગે તેમનો અભિપ્રાય પૂછવામાં આવ્યો ત્યારે 28 ટકા લોકોએ કહ્યું કે, આ વહીવટી બેદરકારી છે, 23 ટકા લોકોએ કહ્યું કે, આ રાજ્ય સરકારની બેદરકારીનું પરિણામ છે, જ્યારે 18 ટકા લોકોએ કહ્યું કે, આ એક અકસ્માત હતો. જો કે, 31 ટકા લોકોએ કહ્યું કે આ ભયાનક અકસ્માત માટે ત્રણેય કારણો જવાબદાર છે. વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષ માટે પણ આ મોટો મુદ્દો બની ગયો છે.
મોરબી દુર્ઘટના બાદ સત્તાપક્ષ પર વિપક્ષોના પ્રહાર ચાલુ થઈ ગયા છે. કોંગ્રેસે ભાજપ પર સીધો ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો તો, આમ આદમી પાર્ટીના વડા કેજરીવાલે સવાલો ઉભા કર્યા હતા. અરવિંદ કેજરીવાલે ગુજરાતના મોરબીમાં બ્રિજ દુર્ઘટનાને લઈને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પૂછ્યું છે કે, બ્રિજનો કોન્ટ્રાક્ટ ઘડિયાળ બનાવતી કંપનીને કેમ આપવામાં આવ્યો? તેમણે ભાજપ પર ભ્રષ્ટાચારનો આરોપ પણ લગાવ્યો છે.
અરવિંદ કેજરીવાલે ભાજપને પૂછ્યું કે, શું આ કંપની દ્વારા ભાજપને દાન આપવામાં આવ્યું છે? હું જવાબ જાણવા માંગુ છું. અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો અને લખ્યું કે, ‘દેશના લોકોને ભાજપ સરકારથી કેટલાક પ્રશ્નો છે. ઘડિયાળ બનાવનારને બ્રિજનો કોન્ટ્રાક્ટ શા માટે? ટેન્ડર વગર કોન્ટ્રાક્ટ કેમ અપાયો? FIRમાં કંપની અને માલિકના નામનો ઉલ્લેખ કેમ નથી? શા માટે તેઓને બચાવવામાં આવી રહ્યા છે? શું ભાજપને ક્યારેય આ કંપની પાસેથી ડોનેશન મળ્યું છે? કેટલું?’
તો બીજી બાજુ કોંગ્રેસે પણ ભાજપ પર ગંભીર આક્ષેપ કરી રાજીનામાની માંગ કરી હતી. રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરે ચાર દિવસ પહલા પ્રેસ કોન્ફરન્સ કરી મોરબી દુર્ઘટના મામલે દુખ વ્યક્ત કરી ભાજપને ઘેરી હતી. કોંગ્રેસે કહ્યું કે, એક સમયે લાલ બહાદુર શાસ્ત્રીએ ટ્રેન દુર્ઘટના બાદ રાજીનામું આપ્યું હતું, તેમ ગુજરાતના સીએમ પણ રાજીનામું આપી દે. લોકો મરી જાય તેનાથી સરકારને કોઈ ફરક નથી પડતો, જનતા આમને માફ નહીં કરે.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભાજપની સરકાર છે. વિધાનસભાની ચૂંટણી પહેલા જ મોરબી અકસ્માતે શાસક પક્ષના વહીવટી તંત્ર પર સવાલો ઉભા કર્યા છે. ભાજપ વિરુદ્ધ સતત અવાજ ઉઠાવતી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે મોરબી અકસ્માત મુદ્દે સરકાર સામે મોરચો ખોલ્યો છે. સ્વાભાવિક છે કે, આમ આદમી પાર્ટીની સાથે કોંગ્રેસ પાર્ટી પણ આ અંગે જનતાની સામે પોતાનો અવાજ ઉઠાવશે.
આ પણ વાંચો – Gujarat Election Survey: શું ગુજરાતના મતદારો ભાજપ સરકારની કામગીરીથી સંતુષ્ટ છે? જુઓ સર્વેમાં શું આવ્યું
જો કે આ ઘટનાની તપાસ શરૂ થઈ ગઈ છે અને આરોપી કંપનીના જવાબદાર અધિકારીઓ અને ગુનેગારો સામે કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે, પરંતુ જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના પરિવારજનોમાં સત્તાધારી નેતાઓ પ્રત્યે રોષ જોવા મળી મળી શકે છે