ગુજરાત આજના સમાચાર : અમદાવાદમાં વરસાદ, સુરેન્દ્રનગર ટ્રક આગમાં બે ના મોત, રાજ્યમાં મેઘરાજાની રમઝટ, ગાંધીધામ-પાલનપુર ટ્રેન રદ

Today Gujarat Latest News 28-06-2024 : ગુજરાતમાં તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. તો જોઈએ ક્યાં કેવો વરસાદ થઈ રહ્યો, તો સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગતા બે લોકો જીવતા ભૂંજાયા છે.

Written by Kiran Mehta
June 28, 2024 16:01 IST
ગુજરાત આજના સમાચાર : અમદાવાદમાં વરસાદ, સુરેન્દ્રનગર ટ્રક આગમાં બે ના મોત,  રાજ્યમાં મેઘરાજાની રમઝટ, ગાંધીધામ-પાલનપુર ટ્રેન રદ
ગુજરાત આજના સમાચાર, 28-06-2024

Today Gujarat Latest News, 28-06-2024 : ગુજરાતના આજના લેટેસ્ટ સમાચારોની વાત કરીએ તો, સુરેન્દ્રનગર લીંબડી હાઈવે પર એક બાજરા ભરેલી ટ્રક ડમ્પર પાછળ ઘુસી ગયા બાદ ટ્રેકમાં ભીષણ આગ લાગી ગઈ હતી, જેમાં ટ્રેકનો ડ્રાઈવર અને ક્લીનર ગંભીર રીતે દાઝી જતા બંનેનુ મોત નિપજ્યું છે. તો રાજ્યમાં સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ભાવનગર અમેરેલી, તો દક્ષિણ ગુજરાતમાં નવસારી, તાપી, વલસાડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, આ બાજુ ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં પણ મેઘરાજા રમઝટ બોલાવી રહ્યા છે. તો ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ જરૂરી કામ ચાલી રહ્યું હોવાના કારણે રદ કરવામાં આવી છે. તો કરીએ આજના આવા તમામ લેટેસ્ટ સમાચાર પર એક નજર.

ગુજરાતમાં ડમ્પરને ટક્કર મારતાં બાજરી ભરેલી ટ્રકમાં આગ, ડ્રાઈવર અને ક્લીનરનું મોત

Surendranagar Truck Fire
સુરેન્દ્રનગર ટ્રક આગ

શુક્રવારે સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઈવે 8A પર લીંબડી શહેર નજીક એક ટ્રકે પાછળથી ડમ્પરને ટક્કર મારતા ટ્રક ચાલક અને ક્લીનર ગંભીર રીતે ઘવાયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના શુક્રવારે સવારે 2 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે ટ્રક ડ્રાઇવરે સ્પીડ બ્રેકર ક્રોસ કરતી વખતે તેની ટ્રક પરનો કાબૂ ગુમાવ્યો હતો. લીંબડી નજીક ઓનેસ્ટ રેસ્ટોરન્ટ સામે સ્પીડબ્રેકર ઓળંગવા માટે ટ્રકની આગળ ચાલતા ડમ્પરે તેની સ્પીડ ધીમી કરી હતી. જો કે, ટ્રક ડ્રાઈવર સમયસર તેની ઝડપ ધીમી કરી શક્યો ન હતો અને પાછળથી ડમ્પર સાથે અથડાઈ ગયો.” પોલીસ અનુસાર, “ટ્રકના ડ્રાઇવરની કેબિનમાં ડમ્પર સાથે અથડાયા બાદ આગ લાગી હતી. અમે ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. જો કે, અમે તેમને બચાવી શકીએ તે પહેલાં, ડ્રાઇવર અને ક્લિનરને ગંભીર ઇજાઓ થઈ હતી,” ઓડેદરાએ કહ્યું, “તે બંનેને બચાવ્યા પછી, અમે તેમને લીંબડી શહેરની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા. જોકે, ત્યાંના ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. બંને દેવભૂમિ દ્વારકાના વતની હતા.’.

અમદાવાદમાં ઝરમર ઝરમર વરસાદ, શહેરમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા

અમદાવાદમાં વરસાદ શરૂ થઈ ગયો છે. શહેરના લગભગ તમામ વિસ્તારમાં ઝરમર ઝરમર વરાસાદ પડી શહ્યો છે. અચાનક વાદળો ઘેરાઈ આવતા વાતાવરણમાં ઠંડકનું મોજુ ફરી વળ્યું છે, જેને પગલે ગરમી અને બફારાથી રાહત મળી છે. શહેરમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા વાહન ચાલકો ચિતિંત જોવા મળી રહ્યા છે, તો ભૂલકાઓ ધોધમાર વરસાદમાં નાહ્વાની મજા લેવાની રાહ જોઈ રહ્યા છે.

રાજ્યમાં વરસાદની અવિરત રમઝટ

Gujarat Rainfall
ગુજરાત વરસાદ

ગુજરાતમાં ચોમાસાની રમઝટ ચાલુ છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના લગભગ તમામ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. આજે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. સુરત શહેર અને સુરત જિલ્લાના તાલુકાઓમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આ સિવાય દક્ષિણના નવસારી, તાપી અને વલસાડમાં પણ મેઘરાજાની સવારીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારમાં પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે.

આજે સવારથી ક્યાં કેવો વરસાદ, બોટાદમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ

આજે વહેલી સવારથી જ મેઘરાજા અનેક તાલુકામાં વરસાદ વરસાવી રહ્યા છે, ત્યારે આજે સવાર 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ, બોટાદ શહેરમાં 50 મીમી વરસાદ નોંધાયો છે. તો સુરતના પલસાણામાં 33 મીમી, ઓલપાડમાં 31 મીમી, અને ગીર સોમનાથના સૂત્રાપાડામાં પણ 31 મીમી વરસાદ નોંધાયો છે. તો નવસારી શહેરમાં 26 મીમી, તાપીના વાલોદમાં 22, સુરતના કામરેજમાં અને નવસારીના ખેરગામમાં 21 મીમી, જલાલપોરમાં 20 મીમી, સુરતના મહુવામાં 18 મીમી, સુરત શહેરમાં 16 મીમી, ભાવનગરના તળાજા અને શિહોરમાં 15-14 મીમી, અમરેલીના લીલીયામાં 13 મીમી વરસાદ નોંધાયો છે. તો જેસર, ચોરાસી અને ઉંમરગામમાં 12 મીમી, રાજુલામાં 11 મીમી, ભાવનગર શહેરમાં 11 મીમી, ઘોઘામાં 10 મીમી, તો અમરેલી, કપરાડા, વાપી, ગઢડા, બરવાળા, અમિરગઢ, ગારિયાધાર, પારડી, કુકરમુંડા, સાવરકુંડલા, કોડિનાર, વિસાવદર, માળિયા હાટિના, જાફરાબાદ, પાલિતાણા, બારડોલીમાં 5 થી 9 મીમી વરસાદ નોંધાયો છે. આ બાજુ લાખાણી, માંડવી, ગમદેવી, વલસાડ, નેત્રંગ, વ્યારા, ડોલવાન, ડીસા, જામનગર, જોડિયા, ભેષાણ અને ખંભાતમાં 1 થી 4 મીમી વરસાદ નોંધાયો છે.

Rainfall Data - 28-06-2024
આજના બપોર 2 વાગ્યા સુધીનો વરસાદ ડેટા

દ્વારકા ગોમતી ઘાટ પર મોજા ઉછળતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા

તો વરસાદની વચ્ચે દ્વારકાના ગોમતીઘાટ પર આજે ઊંચા મોજા ઉછળતા રમણિય દ્રશ્યો સર્જાયા હતા. પાણીનો પ્રવાહ વધારે હોવાથી તંત્ર દ્વારા સાવચેતીના પગલા રૂપે ઘાટ પર નાહ્વાની મનાઈ ફરમાવી દીધી છે, આ સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પવિત્ર ઘાટ પર મોજા ઉછળતા જોઈ ભાવિક ભક્તો નયનરમ્ય મોજાના દ્રશ્યોને જોઈ ભાવવિભોર બની ગયા હતા.

અમદાવાદ : સિવિલ હોસ્પિટલમાં અંગદાનથી ત્રણને નવ જીવન મળ્યું

અમદાવાદ સિવિલમાં વધુ એક વખત અંગ દાનના પગલે ત્રણ લોકોને નવજીવન મળ્યું હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસ્થાનના ઉદયપુરમાં 43 વર્ષિય હરિસિંહ ચૌહાણ નામના એક વ્યક્તિ બાઈક અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેને અમદાવાદ સિવિલ રીફર કરાયા હતા. જેમને ટુંકી સારવાર બાદ બ્રેઈન ડેડ જાહેર કરાયા હતા. તેમના પરિવારની મંજૂરીથી પરોપકાર માટે અંગદાનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં વ્યક્તિની બે કિડની અને એક લીવરનું દાન મળ્યું હતું. આ થકી ત્રણ દર્દીઓને નવું જીવન મળ્યું છે. તમને જણાવી દઈએ કે, સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડો રાકેશ જોશીએ જણાવ્યું છે કે, અત્યાર સુધીમાં સિવિલને 158 અંગદાતાઓ થકી 511 અંગોનું દાન મળ્યું છે. જેના થકી 495 લોકોને જીવનદાન મળી શક્યું છે.

ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ 29 જૂને રદ રહેશે

રેલવે એ ટ્રેન મુસાફરોને લઈ એક જાહેરાત કરી છે, જેમાં પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના પાલનપુર સ્ટેશન પર લાઈન નં. 1-3,4-5 અને 6-7 વચ્ચે 6 મીટર ફૂટ ઓવર બ્રિજથી કનેક્ટિવિટી માટે સ્ટીલ ગર્ડર લોન્ચિંગ હેતુ પ્રસ્તાવિત બ્લોકને કારણે ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રદ રહેવાની જાહેરાત કરી છે. વિગત અનુસાર, 29 જૂન 2024 ની ટ્રેન નંબર 19406/19405 ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ ભીલડી અને પાલનપુર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

લીલીયામાં વેપારીઓનો ગટરના પ્રશ્ને સજ્જડ બંધ

Vepari Virodh lilia
લીલીયામાં ગટર મામલે વેપારીઓનો વિરોધ

લીલીયામાં વેપારીઓએ સજ્જડ બંધ પાળી વિરોધ નોંધાવ્યો છે. આ બંધને પગલે ધારાસભ્ય મહેશ કસવાલા અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત લીલીયા પહોંચ્યા હતા. લીલીયા સજજડ બંધમાં વેપારીઓને કોંગી પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે ટેકો આપ્યો હતો. આ બાજુ ધારાસભ્ય મહેશ કસવાલા એ વેપારીઓને હૈયા ધારણા આપી તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની સાંત્વના આપી હતી. મહેશ કસવાલે કહ્યું કે, હાલ ગટરના પ્રશ્ને કામગીરી ચાલુ છે ને,નવી 10 કરોડની યોજના મંજૂર થઈ છે, તો લીલીયાના વેપારીઓ દ્વારા સજજડ બંધ પાળી ગટરના ગંભીર પ્રશ્ને મામલતદારને પાઠવશે આવેદનપત્ર.

‘ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ’ ને પ્રોત્સાહન આપવા ભારત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

‘ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ’ ને પ્રોત્સાહન આપવા ભારત સરકારે ફૂડ કેટેગરીના વેપારીઓને તાત્કાલિક ફૂડ લાઇસન્સ-રજીસ્ટ્રેશનની સુવિધા પૂરી પાડવા ગુજરાતમાં પાઈલેટ પ્રોજેક્ટ શરૂ કરવાની યોજના બનાવી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ભારત સરકારની ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, ન્યૂ દિલ્હી દ્વારા ફૂડ સેક્ટરમાં ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેશ”ને વધુ પ્રોત્સાહન આપવા માટે અને ખાદ્ય પદાર્થના વેપાર સાથે સંકળાયેલા એકમોને તાત્કાલિક ફૂડ લાયસન્સ/રજીસ્ટ્રેશન ઇસ્યુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય અંગે માહિતી આપતા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ફૂડ સેક્ટર સાથે જોડાયેલા વેપારીઓની સરળતા માટે નવા ઉપક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય સહિત ચાર રાજ્યોમાં આ પાઈલોટ પ્રોજેક્ટ અમલમાં આવશે. આ પાઈલોટ પ્રોજેક્ટનો શુભારંભ આગામી તા. 28 મી જૂન, 2024 ના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડા દ્વારા દિલ્હી ખાતેથી કરાવવામાં આવશે. આ નવા અભિગમથી ફૂડ સેક્ટર સાથે જોડાયેલા તમામ ઈમ્પોર્ટર, મરચન્ટ એક્ષપોર્ટર, હોલસેલર, ડિસ્ટ્રીબ્યુટર, રિટેલર, ટ્રાન્સપોર્ટર, સ્ટોરેજ, ફૂડ વેન્ડિંગ એજન્સી, ચા-નાસ્તા વાળા, લારી વાળા અને ડાયરેક્ટ સેલરને લાભ થશે, આ સિવાય આ નવી પ્રક્રિયા ફૂડ લાયસન્સ/રજીસ્ટ્રેશનને તુરંત જ મેળવવાની તક આપે છે, જે મંજૂરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો લાવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ