Today Gujarat Rain Forecast, 4th July 2024, અમદાવાદ : ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ હવામાન વિભાગે ચાર જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે, તો 15 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરી છે. તમને જણાવી દઈએ કે, આજે વહેલી સવારથી જ આગાહી અનુસાર, મેઘરાજા બનાસકાંઠા અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને ગમરોળી રહ્યા છે. તો જોઈએ કયા કયા જિલ્લામાં આજે અતિથી અતિભારે અને ભારે વરસાદ થઈ શકે છે.
ગુજરાત વરસાદ આગાહી : ચાર જિલ્લામાં રેડ એલર્ટ, અત્યંત ભારે વરસાદ થશે
હવામાન વિભાગની આજની લેટેસ્ટ આગાહી અનુસાર, આજે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં અત્યંત ભારે વરસાદ થવાની પૂરી સંભાવના છે, તો દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત અને તાપી જિલ્લામાં પણ અત્યંત ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરાવામાં આવ્યું છે.
ગુજરાત ઓરેન્જ એલર્ટ : વડોદરા, મહેસાણા, ભાવનગર સહિત 15 જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના
હવામાન વિભાગે આ સિવાય 15 જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠા, તો સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે. આ સિવાય, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

યલો એલર્ટ : અમદાવાદ, રાજકોટ સહિત 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
તો અમદાવાદ ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટે 11 જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા દર્શાવી છે. જેમાં કચ્છ, તો સૌરાષ્ટ્રમાં મોરબી અને રાજકોટ. આ બાજુ ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર અને અરવલ્લી, તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ખેડા, આણંદ, મહિસાગર, દાહોદ અને દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.
આ પણ વાંચો – ગુજરાત વેધર : દાંતામાં આભ ફાટ્યું, આઠ ઈંચ વરસાદ, ઉત્તર ગુજરાત માં મેઘ મહેર યથાવત
આવતીકાલે ગુરૂવારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના 11 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા
આ સિવાય જો આવતીકાલ શુક્રવારની આગાહી પર પણ અત્યારે નજર કરીએ તો, હવામાન વિભાગે 11 જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાતના ચાર, બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સાબરકાંઠા તો દક્ષિણ ગુજરાતના સુરત, નર્મદા, તાપી, નવસારી, વલસાડ અને દમણ તથા દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.





