ગુજરાત વેધર : દાંતામાં આભ ફાટ્યું, આઠ ઈંચ વરસાદ, ઉત્તર ગુજરાત માં મેઘ મહેર યથાવત

Today Gujarat Weather News : ઉત્તર ગુજરાતમાં મેઘમહેર, બનાસકાંઠાના દાંતા માં ચાર કલાકમાં 8 ઈંચ વરસાદ, તો દક્ષિણમાં નર્મદા અને ભરૂચમાં પણ વહેલી સવારથી ભારે વરસાદ જોવા મળી રહ્યો.

Written by Kiran Mehta
Updated : July 04, 2024 12:43 IST
ગુજરાત વેધર : દાંતામાં આભ ફાટ્યું, આઠ ઈંચ વરસાદ, ઉત્તર ગુજરાત માં મેઘ મહેર યથાવત
ઉત્તર ગુજરાત અને કચ્છમાં મેઘમહેર જોવા મળી રહી છે

Today Gujarat Weather News : ગુજરાત માં જૂનમાં વરસાદની ઘટ બાદ જુલાઈમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે, રાજ્યના એક-બે તાલુકાને છોડતા લગભગ બધા જ તાલુકા જિલ્લામાં નોંધપાત્ર વરસાદ જોવા મળી રહ્યો છે. પહેલા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાના મહેર જોવા મળી રહી છે. આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં ચાર કલાકમાં બનાસકાંઠાના દાંતામાં આભ ફાટ્યું હોય તેમ 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય નર્મદા અને ભરૂચ જિલ્લામાં પણ મેઘરાજાની મહેરબાની જોવા મળી રહી છે.

દાંતામાં ચાર કલાકમાં 8 ઈંચ વરસાદ

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. પહેલા લાખણી, દાંતીવાડા અને હવે દાંતામાં ભૂક્કા બોલાવ્યા છે. આજે વહેલી સવારના 6 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધીમાં એમ માત્ર ચાર કલાકમાં જ 200 મીમી (8 ઈંચ) વરસાદ ખાબકતા રોડ રસ્તા નદી બની ગયા છે. દાંતાની સોસાયટીઓમાં અને ઘરોમાં પાણી ઘુસી ગયા છે, લોકોની ઘરવખરી પલળી ગઈ છે. પહાડો પરથી નાના-નાના ઝરણા વહેતા જોવા મળી રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં પાણી ભરાઈ જતા દર્દીઓ તથા હોસ્પિટલ સ્ટાફ મુશ્કેલીમાં મુકાયો છે.

બનાસકાંઠા માં પાલનપુર, વડગામમાં પણ ધોધમાર વરાસાદ

બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના દાંતા, વડગામ, પાલનપુર અને અમીરગઢ જિલ્લામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. પાલનપુર શહેરમાં કેટલીક જગ્યાએ ઘુંટણ સુધી પાણી ભરાઈ ગયા છે. રોડ રસ્તા પાણીમાં ડુબી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અમીરગઢમાં પણ વરસાદી પાણી નીચાણવાળા વિસ્તારમાં અને રોડ પર ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાય છે. જો બનાસકાંઠામાં સવારે 6 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધીના વરસાદના આંકડાની વાત કરીએ તો, દાંતામાં સૌથી વધુ 200 મીમી (8 ઈંચ), વડગામમાં 2 ઈંચ, પાલનપુરમાં 2 ઈંચ અને અમીરગઢમાં 8 મીમી વરસાદ નોંધાયો છે.

સાબરકાંઠા: ખેડબ્રહ્મા, વડાલીમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા

સાબરકાંઠામાં પણ વહેલી સવારથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. જિલ્લાના ખેડબ્રહ્મા, વડાલી, વિજયનગર, પોશિના, ઈડર અને હિંમતનગરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં સૌથી વધુ ખેડબ્રહ્મામાં 25 મીમી વરસાદ નોંધાયો છે. તો વડાલીમાં 24 મીમી, વિજયનગરમાં 16 મીમી, પોશિનામાં 10 મીમી, ઈડરમાં 8 મીમી, તો હિંમતનગરમાં પણ 1 મીમી વરસાદ નોંધાયો છે. ખેડબ્રહ્મા તથા વડાલીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તો વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

મહેસાણા અને પાટણ જિલ્લામાં પણ મેઘમહેર

મહેસાણા અને પાટણમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મહેસાણાના સતલાસણામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે, તો મહેસાણાના ખેરાલુ અને વડનગરમાં 15 મીમી, અને વીસનગરમાં 5 મીમી વરસાદ નોંધાયો છે. તો પાટણ જિલ્લામાં પાટણ શહેરમાં 9 મીમી અને સિદ્ધપુરમાં 3 મીમી વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ : નર્મદા અને ભરૂચમાં મેઘરાજાની ધબધબાટી

દક્ષિણ ગુજરાતમાં પણ વહેલી સવારથી મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. નર્મદા, ભરૂચ, સુરત, તાપી, વલસાડ અને નવસારીમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. નર્મદા અને ભરૂચ જિલ્લામાં વધારે વરસાદ જોવા મળી રહ્યો છે. નર્મદાના તીલકવાડામાં 59 મીમી, નાંદોદમાં 36 મીમી, ગરૂડેશ્વરમાં 23 મીમી અને ડેડિયાપાડામાં 2 મીમી વરસાદ નોંધાયો છે. તો ભરૂચ જિલ્લામાં ઝગડિયામાં 34 મીમી, અંકલેશ્વરમાં 21 મીમી, હાંસોટ અને ભરૂચ શહેરમાં 8 મીમી અને નેત્રંગમાં 5 મીમી વરસાદ નોંધાયો છે. આ બાજુ નવસારીના ખેરગામ, સુરત શહેર, સુરતના પલસાણા, તાપી જિલ્લાના વ્યારા અને કુકરમુંડામાં, તથા સુરતના ઓલપાડ, માંડવી સહિત પારડી, જલાલપોર, વલસાડ શહેરમાં પણ 1 થી 9 મીમી વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ છૂટા છવાયા સ્થળોએ હળવો વરસાદ

તો સવારથી અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક તાલુકામાં છૂટો છવાયો હલો વરસાદ જોવા મળી રહ્યો છે. જેમાં મધ્ય ગુજરાતના છોટા ઉદેપુરના નસવાડીમાં 15 મીમી, વડોદરાના શિનોરમાં 6 મીમી, દાહોદના ગરબાડામાં 3 મીમી, પંચમહાલના શહેરામાં 2 મીમી વરસાદ નોંધાયો છે. તો સૌરાષ્ટ્રમાં જુનાગઢના મેંદરડામાં 10 મીમી, અમરેલીના ખાંભામાં 3 મીમી, ગીર સોમનાથના તલાલામાં 1 મીમી અને જુનાગઢના કેશોદમાં 1 મીમી વરસાદ નોંધાયો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ