/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Gujarat-Winter-latest-Updates.jpg)
ઉત્તર ભારતમાં શીત લહેર photo - ANI
Today Weather, આજનું હવામાન, 29 january 2024: હાલ દેશભરમાં ઠંડીથી કોઈ રાહત નથી. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી થોડા દિવસોમાં ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને ઠંડીથી રાહત મળી શકે છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજનું હવામાન સોમવારે સવારે દિલ્હીમાં આછું ધુમ્મસ હતું. લઘુત્તમ તાપમાન નવ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે મહત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. ગુજરાતના હવામાનની વાત કરીએ તો ગુજરાતમાં ફરીથી ઠંડીનો પારો ગગડ્યો હતો. નલિયા 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જ્યારે ઓખા 18.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું.
આજનું હવામાન : નલિયામાં 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન
ગુજરાતમાં ઠંડી અંગે હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં બે દિવસ આંશિક રાહત મળ્યા બાદ રવિવારે ઠંડીનું પ્રમાણે વધ્યું હતું. ગુજરાતમાં રવિવારે 9 ડિગ્રીથી લઈને 18.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન વચ્ચે ઠંડી નોંધાઈ હતી. નલિયા 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જ્યારે ઓખા 18.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું. ડીસામાં 12.5 ડિગ્રી, ગાંધીનગરમાં 12 અને અમદાવાદમાં 12.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
રવિવારે ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
| શહેર | મહત્તમ | લઘુત્તમ |
| અમદાવાદ | 31.1 | 12.3 |
| ડીસા | 29.9 | 12.5 |
| ગાંધીનગર | 29.8 | 12.0 |
| વલ્લભ વિદ્યાનગર | 30.1 | 14.7 |
| વડોદરા | 32.4 | 13.0 |
| સુરત | 34.2 | 15.1 |
| વલસાડ | 32.2 | 14.0 |
| દમણ | 29.2 | 15.8 |
| ભુજ | 30.7 | 13.2 |
| નલિયા | 28.6 | 9.0 |
| કંડલા પોર્ટ | 29.3 | 15.0 |
| કંડલા એરપોર્ટ | 30.2 | 11.3 |
| ભાવનગર | 30.6 | 15.7 |
| દ્વારકા | 26.2 | 16.9 |
| ઓખા | 27.6 | 18.4 |
| પોરબંદર | 30.6 | 12.9 |
| રાજકોટ | 32.3 | 12.4 |
| વેરાવળ | 30.5 | 17.6 |
| દીવ | 29.2 | 17.3 |
| સુરેન્દ્રનગર | 31.7 | 14.2 |
| મહુવા | 33.0 | 13.7 |
આજનું હવામાન : હવામાન વિભાગે શું કરી આગાહી?
મધ્યપ્રદેશમાં ઠંડી, વરસાદ અને ધુમ્મસ રહેશે. ઘણા જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ પણ રહેશે. છત્તીસગઢના હવામાનની વાત કરીએ તો છત્તીસગઢના તમામ જિલ્લાઓમાં તાપમાનમાં વધારો થવાની સંભાવના છે, જેના કારણે ઠંડીનું પ્રમાણ થોડું ઘટશે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખથી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા અને પંજાબ ઉપરાંત રાજસ્થાનના મોટા ભાગમાં ગાઢ ધુમ્મસ રહેશે.
આજનું હવામાન : યુપી-બિહારમાં ઠંડીનો દિવસ
ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર, દિલ્હી NCRમાં આજે દિવસભર હળવા વાદળો છવાયેલા રહેશે. રાજધાનીમાં આછું ધુમ્મસ જોવા મળ્યું હતું, જ્યારે ઠંડીનું મોજુ યથાવત છે. દિલ્હીમાં ધુમ્મસના કારણે ઘણી ટ્રેનો મોડી ચાલી રહી છે, કામગીરીમાં વિલંબ થવાથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/winter-weather.jpg)
પૂર્વી ઉત્તર પ્રદેશ આજે પણ ગાઢ ધુમ્મસની ઝપેટમાં રહેશે. તેવી જ રીતે હરિયાણા અને પંજાબમાં આજે દિવસભર ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક ભાગોમાં આગામી ત્રણ દિવસ સુધી ઠંડીના દિવસો રહી શકે છે.
આજનું હવામાન : પર્વતો પર વરસાદ પડી શકે છે
Skymet Weather.com અનુસાર ગિલગિટ બાલ્ટિસ્તાન, લદ્દાખ અને જમ્મુ કાશ્મીર સિવાય હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આજે હળવો વરસાદ પડી શકે છે. આંદામાન અને નિકોબાર ટાપુઓ ઉપરાંત તમિલનાડુ, સિક્કિમ, આસામ અને અરુણાચલ પ્રદેશમાં હળવા વરસાદની સંભાવના છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us