Rajkot Accident : ગુજરાતમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટના સરધાર-ભાડલા રોડ પર અલ્ટો અને હોન્ડા સિટી કાર વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. બન્ને કારની ટક્કર બાદ આગ ફાટી નીકળી હતી. ઘટનામાં માતા-પુત્રી સહિત ચાર લોકોના મોત નીપજ્યા છે.
અકસ્માત બાદ કારમાં આગ લાગી
રાજકોટના સરધાર-ભાડલા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત પછી બંને કારમાં આગ ફાટી નીકળી હતી. ઘટનામાં માતા-પુત્ર સહિત ચારના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ત્રણ લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મૃતકોમાં 35 વર્ષીય નીરૂબેન મકવાણા, તેમની 3 વર્ષીય દીકરી હેતવી મકવાણા, 22 વર્ષીય હેમાંશી સરવૈયા અને 12 વર્ષીય મિતુલ સાકરીયાનો સમાવેશ થાય છે. તમામ મૃતકો ગોંડલના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
અલ્ટો કારમાં 8 લોકો સવાર હતા
અલ્ટો કારમાં સવાર 8 લોકો સરધાર પાસે આવેલ ભંડારિયા ગામનાં લગ્નમાંથી પરત ગોંડલ આવતા હતા. ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો – વડાલી સામૂહિક આપઘાત કેસમાં મોટો વળાંક, 4 લોકોના મોત મામલે એક આરોપીની ધરપકડ
ગુરુવારે અકસ્માતની વણઝાર સર્જાઈ હતી, 9 લોકોના મોત થયા હતા
આ પહેલા ગુરુવારના દિવસે અકસ્માતોની વણઝાર સર્જાઈ હતી. અલગ અલગ ત્રણ જગ્યાએ થયેલા અકસ્માતોમાં કુલ 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતોની વાત કરીએ તો પાટણના સમી-રાધનપુર હાઈવે પર બસ અને રીક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત થયો હતો. જેમાં 6 લોકોના મોત થયા હતા. જ્યારે મોરબીના અણીયાળી ટોલનાકા નજીક બોલેરો પીક-અપ પલટી જતાં બેના મોત અને 12થી વધારે લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત હિંમતનગર-શામળાજી હાઈવે પર પીક-અપ વાને બાઈક પર જતા દંપતીને ફંગોળ્યું હતું જેમાં પત્નીનું મોત નીપજ્યું હતું.





