Usury case in navsari : નવસારીમાં બુધવારે ભાજપના એક નેતા અને તેના ભાઈ સામે લોન લેનાર મહિલા પાસેથી વધુ પડતું વ્યાજ વસૂલવા બદલ ગુનો નોંધાયો હતો.
પોલીસે કિરણ મોદીની ધરપકડ કરી છે, તમને જણાવી દઈએ કે, ભાઈ જગદીશ મોદી – ભાજપના નેતા અને નવસારી નગરપાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન સાથે જ્વેલરીની દુકાન ચલાવે છે.
પોલીસના જણાવ્યા અનુસાર, નવસારીના વેજલપુર શહેરમાં રહેતી જ્યોતિ દીપક આહિરે જગદીશ મોદી પાસેથી 2018 અને 2022 વચ્ચે બે હપ્તામાં દર મહિને 1 ટકાના દરે 49 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. આ રકમ ઉછીના લેવા માટે જ્યોતિએ આરોપી દ્વારા ચલાવવામાં આવતી જ્વેલરી શોપમાં તેના દાગીના ગીરવે મુક્યા હતા.
પોલીસે જણાવ્યું કે, 23 જૂન, 2022ના રોજ જ્યોતિના પતિ દીપક આહિર પૈસા પરત કરવા અને ગીરવે રાખેલા દાગીના લેવા જ્વેલરીના શોરૂમમાં ગયા હતા. જોકે, કિરણ મોદીએ ઘરેણાં પરત કરવા માટે દર મહિને 2.5 ટકાના દરે વ્યાજની માંગ કરી હતી.
જ્યોતિની ફરિયાદના આધારે વેજલપુર પોલીસે મંગળવારે સાંજે કિરણ મોદી અને જગદીશ મોદી વિરુદ્ધ ગુજરાત મની લેન્ડર એમેન્ડેડ એક્ટની કલમ 40 અને 42 (ડી) હેઠળ કેસ નોંધ્યો હતો. પોલીસે જણાવ્યું કે, “અમે આજે બપોરે કિરણ મોદીની ધરપકડ કરી છે. આરોપી ભાઈઓએ દર મહિને 2.5 ટકા વ્યાજની માંગ કરી હતી જે નિયમોની વિરુદ્ધ છે. જગદીશ મોદીની તબિયત ખરાબ છે અને અમે આગામી દિવસોમાં તેમની પણ ધરપકડ કરીશું.
ઉલ્લેખનીય છે કે, વ્યાજખોરો દ્વારા થતી હેરાનગતિના મુદ્દાને ઉકેલવાના પ્રયાસરૂપે, ગુજરાત સરકાર સોમવારથી રાજ્યવ્યાપી લોક દરબાર યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેમાં સંડોવાયેલા લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હવાલે એક સરકારી નિવેદનમાં જણાવાયું હતુ કે, લોક દરબારમાં રાજ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓ વ્યાજખોરોથી પરેશાન નાગરિકોના પ્રશ્નો અને મુદ્દાઓ સાંભળશે.
આ પણ વાંચો – વ્યાજખોરો દ્વારા થતી હેરાનગતિ રોકવા પોલીસ સમગ્ર ગુજરાતમાં શરૂ કરાશે ઝુંબેશ
“રાજ્ય સરકારે રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને વ્યાજખોરોના ચુંગાલમાંથી મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. અમે નિષ્ઠાવાન પ્રયાસો કરીશું અને ગેરકાયદેસર વ્યાજ વસૂલનારાઓ સામે કડક કાયદાકીય પગલાં લઈશું.
સુરત પોલીસ દ્વારા પણ આવા વ્યાજખોરો સામે ચલાવવામાં આવેલી ઝુંબેશ મોડલની સફળતાના આધારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં તેનો અમલ કરવા માટે વિશેષ યોજના પણ તૈયાર કરવામાં આવી રહી છે.