Makar Sankranti 2024 : મકર સંક્રાંતિ એટલે ઉતરાયણના દિવસને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સોમવારે ગુજરાતના ખેડા જિલ્લામાં એક 20 વર્ષીય મહિલાનું પતંગની દોરીથી ગળું કપાઈ જતા મોત થયું છે, આ દુર્ઘટના ત્યારે સર્જાઈ જ્યારે તે તેના મોપેડ પર કામ પરથી ઘરે પરત ફરી રહી હતી.
આ ઘટના ખેડા જિલ્લાના રાજેન્દ્ર નગર વિસ્તારમાં ફતેહપુરા રોડ પર બની હતી. પોલીસે જણાવ્યું હતું કે, મહિલા તેના પરિવાર સાથે નડિયાદ પોલીસ સ્ટેશનની હદમાં રહેતી હતી અને નડિયાદ ટાઉનમાં ઘરેલુ સહાયતા તરીકે કામ કરતી હતી.
નડિયાદ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેના પરિવારે એફઆઈઆર નોંધાવવાની અથવા તેનુ પોસ્ટમોર્ટમ કરવા દેવાની ના પાડી હતી.
ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, ખેડાના પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, “મહિલા નડિયાદ શહેરમાં એક ઘરે કામ કરીને ઘરે પરત ફરી રહી હતી. મોપેડ ચલાવતી વખતે તેના ગળામાં પતંગનો દોરો ફસાઈ ગયો અને તેને લોહી નીકળવા લાગ્યું હતુ. એક રાહદારીએતેની મદદ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ હોસ્પિટલ મોડા પહોંચ્યા, પરિણામે રસ્તામાં જ તેનું લોહી વહી જતા મોત નીપજ્યું હતુ.
એસપી ગઢિયાએ કહ્યું, “આ કેસમાં દોરો ચાઈનીઝ માંજો ન હતો, જેના માટે અમે અગાઉ પણ લોકોને પકડ્યા છે, આ એક કોટન દોરો જ હતો, પરંતુ તે લગભગ 100 મીટર લાંબો હતો. દોરાની ગુણવત્તામાં કોઈ ફરક પડતો નથી કારણ કે જો કોઈ વાહન 10 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધે અને કોઈની ગરદનમાં નરમ દોરો ફસાઈ જાય તો કટ ટાળવો મુશ્કેલ છે.
એસપીએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસ, અનેક એનજીઓ સાથે મળીને લોકોને એવી ઘટનાઓ ટાળવા માટે ટુ-વ્હીલરની આગળ વાયર ફ્રેમ લગાવવા માટે સમજાવવાનો પ્રયાસ કરી રહી છે.