Vadodara Accident : વડોદરા ભરૂચ નેશનલ હાઈવે પર જાબુંઆ તરસાલી વચ્ચે એક ગમખ્વાર અકસ્માતની ઘટના મોડી રાત્રે સર્જાઈ હતી, જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા છે. પટેલ પરિવારમાં શોકનું મોજુ છવાઈ ગયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાનો એક પટેલ પરિવારના બે સગા ભાઈ અને તેમની પત્નીઓ સહિત બે બાળકો ભરૂચ નજીક પિકનીક મનાવવા ગયા હતા, ત્યાંથી રીટર્ન વડોદરા આવતા સમયે મોડી રાત્રે અકસ્માત સર્જાયો જેમાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે એક પાંચ વર્ષની બાળકીનો આબાદ બચાવ થયો છે.
પટેલ પરિવારે ભરૂચ નજીક ખેતરમાં મનાવી અંતિમ પિકનીક
વિગતે ઘટનાની વાત કરીએ તો, વડોદરાના પટેલ પરિવારના છ સભ્યો બે સગાભાઈ અને તેમની પત્ની તથા એક વર્ષનું બાળક અને પાંચ વર્ષની બાળકી ભરૂચના નિકોરા ગામે તેમના ખેતરમાં રવિવારે પિકનીક માટે ગયા હતા, આ સમયે તેમની સાથે તેમના મિત્ર દિલીપસિંહ પરમારનો પરિવાર પણ તેમની સાથે હતો. બધાએ પૂરો દિવસ એન્જોય કર્યા બાદ, રાત્રે વડોદરા પરત ફરી રહ્યા હતા, તે સમયે જાંબુઆ તરસાલી હાઈવે પર તેમની અલ્ટો કાર જીજે06કેડી 9360 રસ્તા પર ઉભેલા એક ટ્રેલર પાછળ કાર ઘુસી ગઈ. અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા, અને કારમાં સવાર બે ભાઈ, તેમની પત્નીઓ અને એક વર્ષના બાળકનું સ્થળ પર જ મોત થયું હતુ, જ્યારે પાંચ વર્ષની બાળકીનો બચાવ થયો હતો.
તમને જણાવી દઈએ કે, પીકનીક પર સાથે ગયેલ તેમના મિત્ર દિલીપસિંહ પરમારનો પરિવાર અન્ય કારમાં પાછળ જ હતો, અકસ્માત સર્જાયા બાદ તેમણે તુરંત મદદ માટે પોલીસને જાણ કરી હતી, ઘટનાની જાણ વડોદરા ગ્રામ્ય પોલીસને થતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો, મેઈન હાઈવે પર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે મામલો હાથ પર લઈ ફાયરબ્રિગેડની ટીમ સાથે કારમાંથી મૃતદેહોને બહાર કાઢી 108ની મદદથી વડોદરા સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડ્યા હતા.
પાંચ વર્ષની બાળકી, માતા-પિતા, કાકા-કાકી ગુમાવતા નિરાધાર બની
મૃતકોના પરિવારના જણાવ્યા અનુસાર, મૃતકોમાં બે ભાઈ હતા, બંનેની પત્ની અને એક વર્ષના બાળકનું મોત થયું છે. જ્યારે પાંચ વર્ષની બાળકીનો બચાવ થયો છે. પરિવારે જણાવ્યું કે, બાળકી માતા-પિતા વગરની થઈ ગઈ છે, બાળકીના દાદા-દાદી પણ જીવતા નથી, બાળકીએ તેનો તમામ પરિવાર ગુમાવી દીધો છે.
કેવી રીતે અકસ્માત સર્જાયો
પોલીસ અનુસાર, અલ્ટો કાર મોડી રાત્રે બાયપાસ પર સાઈડમાં ઉભેલા ટ્રેલર પાછળ ઘુસી ગઈ હતી. કારમાં સવાર પાંચના મોત થયા હતા. એક બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો – રશિયા-યુક્રેન બોર્ડર પર સુરતના યુવકની હત્યા: હેમિલના પિતાએ રશિયા જવા વિઝા માંગ્યા
પટેલ પરિવારના પાંચ સભ્યોના મોત
પોલીસ અનુસાર, મૃતક પરિવાર વડોદરાના સયાજીપુર ગામ, સાગર ફિલ્મ સિટી નજીક માધવનગરનો રહેવાસી હતો, તે તેમના વતન ગયો હતો અને વડોદરા પરત ફરતા સમયે અકસ્માત સર્જાયો. મૃતકોમાં પ્રજ્ઞેશ પટેલ, ઉર્વશી પટેલ, મયુર પટેલ, ભૂમિકા પટેલ તથા એક વર્ષનું બાળક લવ પટેલનો સમાવેશ થાય છે.