Vadodara Harni Boat Accident : વડોદરામાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. હરણી ખાતે મોટનાથ લેકમાં 23થી વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષક સાથે બોટ પલટી મારી ગઈ હતી, જેમાં 13 બાળકો 2 શિક્ષકો સહિત 15 લોકોના મોત થયા છે.
વડોદરાની ન્યુ સનરાઈઝ સ્કૂલના બાળકો હરણીના મોટનાથ તળાવના પ્રવાસે ગયા હતા. અહીં 23 જેટલા વિદ્યાર્થી અને 4 શિક્ષક એક જ બોટમાં બોટિંગ માટે બેઠા હતા, તે સમયે બોટ પલટી મારી ગઈ હતી, જેમાં શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ તળાવમાં ડુબ્યા હતા. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અનુસાર ઘટના સમયે બોટમાં લગભગ 27 લોકો સવાર હતા. જ્યારે 19 બાળકો અને ચાર શિક્ષકોને બહાર કાઢીને વિવિધ હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા.
વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટનાની તપાસ ઉચ્ચ કક્ષાએ વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે. વિગત વાર તપાસ અહેવાલ 10 દિવસમાં રાજ્ય સરકારને સુપ્રત કરવાનો રહેશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકોના ખબર અંતર પૂછ્યા હતા અને બાળકોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી.
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર રવાના થઈ ગઈ હતી, અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આ ઘટનામાં 13 બાળકો અને બે શિક્ષકના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. ઘટના સ્થળ પર વડોદરા શહેર પોલીસ કમિશનર, ઉચ્ચ અધિકારીઓ, કલેકટર, ધારાસભ્ય કેયુર રોકડીયા સહિતના અધિકારીઓ સહિતનો કાફલો પહોંચી ગયો હતો.
આ પણ વાંચો – વડોદરા બોટ દુર્ઘટનામાં 15 ના મોત, મૃતકો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી
ગુજરાત સીએમ ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું
વડોદરા હરણી ખાતે તળાવમાં બોટ પલટતા સ્કૂલના વિદ્યાર્થીઓના મોત મામલો ગુજરાત સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું છે કે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે હરણી તળાવની દુર્ઘટનામાં તંત્ર દ્વારા રાહત-બચાવ અને સારવારની કામગીરી ચાલુ છે. રાજ્ય સરકાર આ દુર્ઘટનામાં જાન ગુમાવનાર પ્રત્યેક મૃતકના પરિવારજનને 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય કરશે.
પોલીસ વધુ નવ મૃતદેહોને શબપરીક્ષણ માટે અન્ય ખાનગી હોસ્પિટલોમાંથી એસએસજી હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરી રહી છે. એસએસજીના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર ડૉ. દેવશી હેલૈયાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને આ ઘટનાની પુષ્ટિ કરી હતી. NDRFએ કહ્યું કે તળાવના તળિયે કાદવ છે જે બચાવ કાર્ય મુશ્કેલ બનાવી રહ્યું છે. જેમાં ડૂબી જવાની આશંકા ધરાવતા કેટલાક લોકો કાદવમાં ફસાયા હોવાની પણ આશંકા છે.
વડોદરા ઇમરજન્સી અને ફાયર સર્વિસ વિભાગના અધિકારીઓ તેમજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ના પદાધિકારીઓ, પોલીસ અને જિલ્લા કલેક્ટર અતુલ ગોર ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
VMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન ડૉ. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે બાળકો સાંજે 4.30 વાગ્યે તળાવ પર પહોંચ્યા હતા અને તેમના શિક્ષકો સાથે તેઓ તળાવ ઝોનમાં બોટમાં સવાર થયા હતા. બાળકોએ લાઈફ જેકેટ પહેર્યા હતા પરંતુ અહેવાલો દર્શાવે છે કે એક બોટમાં 24 લોકોને બેસાડવામાં આવ્યા હતા જે માત્ર 16 મુસાફરોને લઈ જવાની ક્ષમતા ધરાવે છે. બાળકો ડૂબવાના કિસ્સામાં પાણીની અંદર બે કે ત્રણ મિનિટનો વિલંબ પણ મૃત્યુમાં પરિણમી શકે છે.
VMCમાં વિપક્ષના નેતાઓ અમી રાવત પણ સ્થળ પર પહોંચ્યા હતા. રાવતે કહ્યું કે આ એક દુઃખદાયક અકસ્માત છે જે કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓની ગુનાહિત બેદરકારીને કારણે થયો હતો, જેમણે સ્થળની દેખરેખ કરવી જોઈતી હતી. પોલીસે આ માટે જવાબદાર તમામ લોકો સામે દોષિત હત્યાનો કેસ નોંધવો જોઈએ.





