વડોદરામાં દિવાળીની રાત્રે આગચંપી, પોલીસ પર પથ્થરમારો અને પેટ્રોલ બોમ્બ ફેકાયાની ઘટના સામે આવી છે. વડોદરાના પાણીગેટ વિસ્તારના હરણખાના રોડ પર નજીવી બાબતે બે કોમ વચ્ચે પથ્થરમારો અને આગચંપીના બનાવથી પુરા વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ પોલીસને થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
શું હતો બનાવ
વડોદરાના પાણીગેટ વિસ્તારમાં બે કોમ વચ્ચે નજીવી બાબતે બોલાચાલી બાદ મામલો વણસતા પથ્થરમારો અને આગચંપીની કરવામાં આવી હતી. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. આ સમયે કેટલાક તોફાની તત્વો દ્વારા પોલીસ પર પેટ્રોલ બોમ્બ ફેંકાયાનું અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જોકે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને મામલો હાથ પર લઈ સ્થિતિને નિયંત્રણમાં લેવામાં આવી હતી. હાલમાં પોલીસે શંકાના આધારે એક વ્યક્તિની અટકાયત કરી છે. તો પેટ્રોલ બોમ્બ કોણે બનાવ્યા અને ક્યાંથી આવ્યા તે મામલે તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
વડોદરા ડીસીપીએ શું કહ્યું?
DCP યશપાલ જગાનિયાના જણાવ્યા અનુસાર, “હિંસાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસને ઘટનાની માહિતી મળતાની સાથે જ સમગ્ર શહેરમાંથી કર્મચારીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. ઘરની છત પરથી પોલીસ પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો, આ સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.”
આ પણ વાંચો – દિવાળીની રાત્રે આગ: અમદાવાદમાં સિલિન્ડર બ્લાસ્ટ, મકાન સળગ્યા, રાજ્યમાં અનેક જગ્યાએ આગના બનાવ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હિંસા બપોરે 12.30 થી 1 વાગ્યા સુધી થઈ હતી. વડોદરા પોલીસના ડીસીપી અભય સોનીનું કહેવું છે કે બદમાશોએ સ્ટ્રીટ લાઇટ નાંખીને હંગામો મચાવ્યો હતો.