Vadodara Daksh Patel murder case : વડોદરામાં 19 વર્ષિય યુવકના મોતનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલી દેવામાં પોલીસ (Vadodara Police) ને સફળતા મળી છે. પોલીસ પ્રાથમિક તપાસમાં મિત્રએ જ પ્રેમ પ્રકરણની આશંકામાં મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો (Friend killed friend) હોવાનું સામે આવી રહ્યું છે. મહત્વની વાત એ છે કે, પ્રેમ પ્રકરણમાં મિત્રએ મિત્રની હત્યા કરવા ફિલ્મી આઈડીયા લઈ ઉપરા છાપરી છરીના ઘા મારી દીધા અને લાસ ત્યાં જ મુકી ફરાર થઈ ગયો. તો જોઈએ કે, શું છે પુરી ઘટના, કેમ કરવામાં આવી હત્યા…
મોડી રાત્રે ટાવરના બેસમેન્ટમાં લઈ જઈ કરી હત્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રણ દિવસ પહેલા વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક આવેલા અલંકાર ટાવરના બેસમેન્ટમાંથી 19 વર્ષિય યુવાન દક્ષ હસમુખભાઈ પટેલનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.
હત્યારો કોણ?
આ મામલે પોલીસે તપાસ શરૂ કરી જેમાં દક્ષ પટેલની હત્યા પાછળ તેના જ મિત્ર પાર્થ કોઠારીનો હાથ હોવાની શંકા જતા પોલીસે પાર્થની અટકાયત કરી પુછપરછ હાથ ધરતા તેણે જ હત્યા કરી હોવાનું પ્રાથમિક પુછતાછમાં સામે આવી રહ્યું છે.
કેમ મિત્રએ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો
આ મામલે પોલીસને પુછપરછ દરમિયાન જાણવા મળ્યું તે અનુસાર, પ્રેમ પ્રકરણની શંકાના આધારે પાર્થ કોઠારીએ દક્ષ પટેલની હત્યા કરી હોવાનું સામે આવી રહ્યું.
કેવી રીતે પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો
પોલીસને હત્યા કરાયેલો મૃતદેહ મળ્યા બાદ પોલીસ તુરંત એક્શન મોડમાં આવી ગઈ, શરૂઆતમાં મૃતક કોણ છે તે બાજુ તપાસ શરૂ કરી, પરિવાર તથા યુવાનના મિત્ર સર્કલમાં તથા આજુ બાજુમાં પુછપરછ કરી ઘટના સ્થળ નજીકના સીસીટીવી પણ ફંગોળવાનું શરૂ કર્યું, જેમાં મૃતક સાથે છેલ્લે તેનો મિત્ર પાર્થ કોઠારી હોવાનું સામે આવ્યું, જેના આધારે પોલીસે કડક રીતે પુછતાછ કરતા પાર્થ ભાંગી પડ્યો અને તેણે જ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું.
ફિલ્મી આઈડીયા અપનાવી કરી હત્યા
પોલીસની પ્રાથમિક પુછપરછ મુજબ, પાર્થ કોઠારીએ મિત્ર દક્ષ પટેલની હત્યા કરવા માટે પહેલા યુટ્યુબ પર હત્યા માટેના આઈડીયા સર્ચ કર્યા, ત્યારબાદ હત્યાનો પ્લાન બનાવ્યો અને દક્ષને કહ્યું કે, આપણે અપહરણનો એક વીડિયો બનાવી ઈન્સ્ટાગ્રામ પર શેર કરીએ તો જબરદસ્ત લાઈક મળશે, ત્યારબાદ બેસમેન્ટમાં શુટીંગના બહાને તે દભને લઈ ગયો ત્યાં દોરીથી બાંધી દીધો, અને ઉપરા છાપરી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો. મૃતક સમજતો રહ્યો કે, ઈન્સ્ટાગ્રામ પર વીડિયો બનાવવા માટે શુટીંગ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો – વડોદરા અકસ્માત : કન્ટેનરની ટક્કરથી છકડાના ફૂરચે-ફૂરચા ઉડી ગયા, 10ના મોત, 4 ઈજાગ્રસ્ત
પોલીસે પુરાવા એકત્રિત કરાવનું શરૂ કર્યું
વડોદરા એસીપી ધર્મેન્દ્રસિંહ ચાવડાના જણાવ્યા અનુસાર, પોલીસ પુછપરછમાં પાર્થ કોઠારી પાસે આ કેસ મામલે હજુ પણ વધારે માહિતી માટે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવાની તજવીજ હાથ ધરી છે, સાથે આ કેસના તપાસ અધિકારી સયાજીગંજ પોલીસ ઈન્સપેક્ટર આર. જી. જાડેજા અને તેમની ટીમ દ્વારા હત્યામાં વાપરવામાં આવેલ હથિયાર, મૃતક યુવાનનો પીએમ રીપોર્ટ સહિતના પુરાવા એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી.