Vadodara Beef Samosas : વડોદરામાં એક લોકપ્રિય મીટ સમોસાની દુકાનમાં ગૌમાંસનો કથિત ઉપયોગ થતો હોવાનો ભાંડો ફૂટ્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે તપાસ દરમિયાન દુકાન માલિકો સહિત કુલ સાત લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે, એમ પોલીસે સોમવારે જણાવ્યું હતું. દુકાન પર વેચાતા મટન સમોસામાં નફો કમાવવા માટે સસ્તા ગૌમાંસનો ઉપયોગ થતો હોવાના અહેવાલ છે.
શનિવારે વડોદરા શહેર ઝોન 4 ની લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક બાતમીના આધારે દરોડા પાડીને કુલ 113 કિલો બીફ તેમજ લોકપ્રિય ‘હુસૈની સમોસા’ સપ્લાયર્સ પાસેથી સમોસા બનાવવા માટે તૈયાર 152 કિલો સ્ટફિંગ જપ્ત કર્યું હતું. આ યુનિટ છીપવાડ વિસ્તારમાં આવેલું છે.
પોલીસ દ્વારા રવિવારે માલિક યુસુફ શેખ અને નઈમ શેખ તેમજ કર્મચારીઓ હનીફ ભથિયારા, દિલાવર પઠાણ, મોઈન હબદલ અને મોબીન શેખ સહિત છ લોકોની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી હતી.
ઝોન 4ના ડેપ્યુટી પોલીસ કમિશનર, પન્ના મોમાયાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, સોમવારે પોલીસે ગૌમાંસ સપ્લાયર ઈમરાન યુસુફ કુરેશીની ધરપકડ કરી હતી. “આરોપીઓ શહેરભરમાં મટન સમોસા વેચતા સ્ટોલ અને દુકાનોમાં રેડી ટુ ફ્રાય સમોસા સપ્લાય કરતા હતા.” તે જૂના શહેરમાં છીપવાડમાં આવેલી તેની દુકાનમાંથી ખાવાના તૈયાર સમોસા પણ વેચતો હતો.
પોલીસ અનુસાર, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના રિપોર્ટમાં પણ હવે પુષ્ટિ થઈ છે કે, જપ્ત કરાયેલું માંસ ગૌમાંસ હતું. આરોપીઓએ બીફનો ઉપયોગ કર્યો હતો અને વ્યવસાયમાંથી મહત્તમ નફો મેળવવા માટે તે બિનસંદિગ્ધ ગ્રાહકોને વેચતા હતા. માલિકો પાસે દુકાન ચલાવવા માટે મ્યુનિસિપલ બોડીનું કોઈ લાયસન્સ પણ નહોતું.
મોમાયાએ કહ્યું કે, દરોડા દરમિયાન પોલીસે 61 કિલો રેડી ટુ ફ્રાય સમોસા પણ જપ્ત કર્યા છે. એફએસએલ રિપોર્ટ મળ્યા બાદ પોલીસે 49 હજારની કિંમતના વાટકા અને ક્રશર મશીન પણ કબજે કર્યા હતા.
આ પણ વાંચો – Gujarat Weather Update : ગુજરાતમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી, જાણો આગામી સાત દિવસ ક્યાં કેવો રહેશે માહોલ?
તેમણે કહ્યું કે, સાત આરોપીઓ પર ગુજરાત પશુ સંરક્ષણ (સુધારા) બિલ 2017 ની કલમ 8 અને કલમ 10 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જે ગૌહત્યા વિરોધી કાયદાના ઉલ્લંઘન માટે સજાની જોગવાઈ કરે છે.





